મહાનુભાવ
મિત્રો, આજે આપણે મળવાના છીએ વર્ષ ૨૦૦૯માં રસાયણશાસ્ત્રના વિષયમાં નોબેલ પારિતોષિક મેળવનારા વિજ્ઞાની વેંકટરામન રામક્રિષ્ણનને. તેમને વેન્કીના હુલામણાં નામથી ઓળખવામાં આવે છે. વેન્કીનો જન્મ ૧૯૫૨માં તમિલનાડુના ચિદમ્બરમ્ ખાતે થયો હતો. તેમના પિતા સી.વી.રામક્રિષ્ણન અને માતા રાજલક્ષ્મી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિર્વિસટી ખાતે જીવરસાયણ વિષય ભણાવતાં હતાં. એટલે વેન્કીને વિજ્ઞાનના વિષયમાં રુચિ અને વિજ્ઞાની બનવાનું સપનું વારસામાં મળ્યું હતું. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં મેળવનારા વેન્કી વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા. ૧૯૭૧માં ભૌતિકશાસ્ત્રના વિષયમાં બી.એસસી.ની ઉપાધિ મેળવનારા વેન્કીએ અમેરિકાની ઓહાયો યુનિર્વિસટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી.
૧૯૮૩ના ગાળાથી વેન્કીએ માનવશરીરની જૈવ પ્રણાલીસમા રિબોઝોમ પર સંશોધન કરવાની શરૂઆત કરી હતી. રિબોઝોમના બંધારણ અને કાર્ય પર કરેલા સંશોધનને કારણે તેમને ૨૦૦૯માં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૧૦માં ભારતના બીજા સર્વોચ્ચ સન્માન પદ્મ વિભૂષણથી તેમને નવાજવામાં આવ્યા હતા.