ન્યૂ યોર્ક, તા.૨૩ ગૂગલ ઇન્કા.ના એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં વપરાતી જાવા ટેકનોલોજીના કથિત કોપીરાઇટ અને પેટન્ટનાં ધોરણોના ભંગ બદલ ઓરેકલ કોર્પોરેશનને ૧.૧૬ અબજ ડોલર (આશરે રૂ. ૫,૦૦૦ કરોડ)ની ખોટ થઇ હોવાનો અંદાજ છે. આ નુકસાન અંગે કંપનીએ કોર્ટમાં દાવો માંડયો છે. કોર્ટમાં તેણે ફાઇલ કરેલા દાવામાં ઓરેકલે જણાવ્યું હતું કે, તેના ડેમેજિસના એક્સપર્ટ લૈન કોકબર્ને આપેલા અહેવાલમાં ૨.૨ અબજ ડોલરથી વધુના નુકસાનની માગણી કરવામાં આવી હતી. હવે ઘટાડેલા નુકસાનનો અંદાજ અગાઉ આ કેસમાં માગેલ ૬.૧ અબજ ડોલરના પાંચમા ભાગ જેટલો છે. ઓરેકલે ઓગસ્ટ ૨૦૧૦માં ગૂગલને કાનૂની નોટિસ પાઠવીને દાવો કર્યો હતો કે, ઇન્ટરનેટ સર્ચ કંપનીના એન્ડ્રોઇડ સિસ્ટમને કારણે જાવા પેટન્ટ્સના એ ધોરણોનો ભંગ થયો છે કે જેને ઓરેકલે જ્યારે સન માઇક્રોસિસ્ટમ્સ ઇન્કાને સાત મહિના અગાઉ હસ્તગત કરી ત્યારે આ પેટન્ટ્સ મેળવ્યા હતા. તેણે કોપીરાઇટનાં ધોરણોનો ભંગ થયો હોવાનો પણ આરોપ મૂક્યો હતો. સ્માર્ટફોન્સ અને ટેબ્લેટ્સ માટેના વધી રહેલાં બજારમાં નફાનો વધુ હિસ્સો માગતી કેટલીક ફોન અને સોફ્ટવેર કંપનીઓમાંથી એક દાવા તરીકે આને પણ માનવામાં આવે છે. સાન ફ્રાંન્સિસ્કોમાં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ વિલિયમ આલ્સપની કોર્ટમાં ૩૧ ઓક્ટોબરે આ કેસની કાર્યવાહી શરૂ થશે. ૨૨ જુલાઇએ જજે ૬.૧ અબજ ડોલરના નુકસાનનો દાવો ફગાવી દીધો હતો. જોકે, એ પછી કંપનીને તેના દાવાની રકમ સુધારવાની એક તક આપી હતી. આલ્સપને મોકલેલા એક પત્રમાં ઓરેકલના વકીલ સ્ટીવન હોલ્ત્ઝમેને જણાવ્યું હતું કે, સુધારેલા નુકસાનના અંદાજમાં પેટન્ટનાં ધોરણોના ભંગ બદલ ૨૦.૨ કરોડ ડોલર અને કોપીરાઇટનાં ધોરણોના ભંગ માટે ૯૬ કરોડ ડોલર એમ કુલ ૧.૧૬ અબજ ડોલરનો આંકડો મૂકવામાં આવ્યો છે. તેમણે કેસમાંથી કોકબર્નના અહેવાલના ભાગોને કાઢી નાખવાની ગૂગલની વિનંતિને ધ્યાનમાં નહિ લેવાનો જજને અનુરોધ કર્યો છે.
|