લંડન, તા.૨૭
કોફી પીવાથી મહિલાઓને ડિપ્રેશનમાં ઘટાડો થાય છે તેવું તાજેતરમાં વૈજ્ઞાાનિકો દ્વારા કરાયેલા સંશોધન પરથી જાણવા મળે છે. કોફીમાં કેફેઈન નામનું તત્ત્વ હોય છે જે મગજના મૂડ પર અસર કરે છે અને મૂડને તરોતાજા કરે છે. જેને કારણે મહિલાઓ ડિપ્રેશનમાંથી બહાર આવતી હોવાનું જાણવા મળ્યું છે.
સંશોધકોનું તારણ છે કે, જે મહિલાઓ દિવસમાં બે કે તેથી વધારે કપ કોફી પીવે છે તેમને ડિપ્રેશન થવાનું જોખમ ઘટે છે. કોફીમાં રહેલું કેફેઈન આના માટે જવાબદાર હોવાનું મનાય છે. કેફેઈનને કારણે મગજનો મૂડ બદલાય છે અને કોફી પીનાર વ્યક્તિ આનંદમાં રહે છે. અમેરિકામાં કોફી પીતી ૫૦,૦૦૦ નર્સોનો અભ્યાસ કર્યા પછી આ તારણ કાઢવામાં આવ્યું છે.
હાર્વર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા ૧૯૯૬થી ૨૦૦૬ દરમિયાન કોફી પીનારી મહિલાઓનાં મૂડનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ગાળામાં કોફી પીનારી ૨૬૦૦ મહિલાઓ ડિપ્રેશનનો શિકાર બની હતી જ્યારે અન્ય મહિલાઓનાં મૂડમાં ફેરફાર થયો હતો. જે મહિલાઓ કોફી ઓછી પીતી હતી તેને ડિપ્રેશનની અસર થઈ હતી. જે મહિલાઓ દિવસમાં બે કે તેથી વધુ કપ કોફી પીતી હતી તેમને ડિપ્રેશન થવાનાં જોખમમાં ૧૫ ટકાનો ઘટાડો થયો હતો. જે મહિલાઓ દિવસમાં ચાર કે તેથી વધુ કપ કોફી પીતી હતી તેમનામાં ડિપ્રેશનનું જોખમ ૨૦ ટકા ઘટયું હતું.
હંમેશા કોફી પીનારાઓ અને સ્મોકિંગ કરનારાઓ તેમજ દારૂ પીનારાઓનું ડિપ્રેશન ઘટવા ઉપરાંત તેમનું વજન પણ વધ્યું નહોતું અને હાઈ બીપી અને ડાયાબિટીસમાં પણ રાહત મળી હતી. કેફેઈનને કારણે કોફી પીનારાઓનો મૂડ સારો રહેતો હોવાનું અને ર્સ્ફૂિતમાં વધારો થતો હોવાનું જણાયું હતું. આને કારણે કોફી પીનારાઓમાં આત્મહત્યાનું પ્રમાણ પણ ઘટયું હતું.
મહિલાઓએ કેટલી કોફી પીવી તે અંગે કોઈ ચોક્કસ પ્રમાણ નથી પણ સગર્ભા મહિલાઓએ દરરોજ ૨૦૦ મિ.ગ્રા. કરતાં ઓછી કોફી પીવી હિતાવહ છે. જેમાં એક કપ ઈન્સ્ટન્ટ કોફી અથવા ૧૦૦એમજી એટલે કે એક મગ ફિલ્ટર કોફી અથવા ૧૪૦ એમજી કે એક કપ ચા અથવા ૭૫ એમજી કોલા લેવી જોઈએ તેવું સંશોધકોનું માનવું છે. જો શરીરમાં કેફેઈનનું પ્રમાણ વધે તો વ્યક્તિમાં ઉત્તેજના વધતી હોવાનું જણાયું છે તેથી તેના વપરાશમાં પ્રમાણભાન જાળવવું જરૂરી છે.
- વધારે કોફી પીવાથી મગજનો મૂડ બદલાય છે
- વજન ઘટે છે અને હાઈ બીપી-ડાયાબિટીસમાં રાહત મળે છે