મહાનુભાવ
કિરણ બેદીનો જન્મ ૯ જૂન,૧૯૪૯ના રોજ અમૃતસરમાં થયો હતો. ૧૯૭૨ની સાલમાં તેઓ ભારતીય પોલીસ દળ સાથે સંકળાયાં હતાં. એ સમયે પોલીસ દળમાં જોડાનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા હતાં. ભારતની પ્રથમ મહિલા પોલીસ ઓફિસર તરીકેનું બહુમાન તેઓ ધરાવે છે. પોલીસ દળમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ સામાજિક કાર્યો સાથે સંકળાયેલાં છે. વર્ષ ૨૦૧૧ના ભારતીય માનવતા વિકાસ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
શાળાકીય અભ્યાસ દરમિયાન કિરણ એનસીસી ( નેશનલ કેડેટ કોર્પ્સ) સાથે સંકળાયેલાં હતાં. જેના કારણે તેમને વિવિધ સ્થળોની મુલાકાત લેવાનું થતું. પરિણામે લોકોની દયાજનક પરિસ્થિતિનો ચિતાર તેમને ખૂબ નાની વયે જ આવી ગયો હતો. પરોપકારી સ્વભાવ ધરાવનારાં બેદી અનુશાસનમાં ખૂબ જ માનતાં હતાં. તેમના પિતા તેમને ટેનિસ પ્લેયર બનાવવા ઈચ્છતા હતા. કિરણને પણ ટેનિસ રમવાનો જબરો શોખ હતો. ૧૯૬૬માં તેમણે જુનિયર નેશનલ લોન ટેનિસ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. જ્યારે ૧૯૭૨માં એશિયન લોન ટેનિસ ચેમ્પિયનશિપ ઉપરાંત ૧૯૭૬માં ઓલ ઈન્ડિયા ઈન્ટરસ્ટેટ વુમન્સ લોન ટેનિસ ચેમ્પિયનશિપમાં પણ તેમણે જીત મેળવી હતી. કિરણે પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તે સમયે આ રીતના વિષયોમાં કોઈ છોકરી રુચિ દાખવે તે થોડું વિસ્મય પમાડનારું હતું છતાં પણ કિરણ તેમનાં ધ્યેયને લઈને એકદમ દૃઢ હતાં. મક્કમ મનોબળ ધરાવનારાં કિરણ બેદીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની શરૂઆત કરી હતી. ૧૯૭૨માં તેમની મહેનત રંગ લાવી હતી. તેમની પાસે સારી, ઉચ્ચ હોદ્દાની અને શાંતિથી કામ કરી શકાય તેવી ઘણી નોકરીઓના વિકલ્પ હતા. છતાં પણ તેમણે આઈપીએસની પસંદગી કરી અને આજીવન લોકોની રક્ષા અને સમૃદ્ધ સમાજના નિર્માણમાં પોતાની જાતને જોતરી. તેઓ જાણતાં હતાં કે તેમના ક્ષેત્રમાં તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવાનો આવશે. એક મહિલા તરીકે તેમને ઘણાં વિપરીત સંજોગોની સામે ઊભા રહેવું પડશે અને જોખમોનો સામનો કરવો પડશે. આ બધી જ વાસ્તવિકતાઓથી વાકેફ હોવા છતાં કિરણ તેમના આઈપીએસ બનવાના લક્ષ્યને વળગી રહ્યાં અને દૃઢ મનોબળના સથવારે તેમણે પોલીસ ઓફિસર તરીકેની કારકિર્દી ખૂબ સુપેરે નિભાવી. કિરણે પોલીસ ઓફિસર તરીકેની કામગીરીની સાથે સાથે કાયદાની ડિગ્રી પણ લીધી જેથી તેઓ તેમના કાર્યને આસાનીથી નિભાવી શકે અને કાયદાની આંટીઘૂંટી અને કાનૂની કાર્યવાહીમાં ક્યારેય કોઈ ખોટી રીતે તેમને પરેશાન ન કરે.
મિઝોરમ, ચંદીગઢ જેવાં વિવિધ સ્થળોએ તેમને ટ્રાફિક મેનેજમેન્ટ, વીઆઈપી સિક્યોરિટી, ચરસ -ગાંજાના દૂષણને અટકાવવા જેવાં મહત્ત્વનાં મિશન તેમને સોંપવામાં આવ્યાં હતાં. ભારતની જાણીતી તિહાડ જેલમાં સુધારા કરવાનો શ્રેય કિરણ બેદીને જાય છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેમની કામગીરીને બિરદાવતા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પડકારો ઝીલવાનો શોખ ધરાવનારાં કિરણના જીવન પરથી ‘યસ મેડમ સર’ નામની ફિલ્મ પણ બની છે.