Friday, September 30, 2011

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ


મહાનુભાવ
ભારતની જુદી જુદી રમતો માટે જાણીતી મહિલા ખેલાડીઓનાં નામ વિશે પૂછીએ તો સાનિયા,સાયના સિવાય ભાગ્યે જ કોઈ નામ યાદ આવશે હેં ને..! પણ ભારતને જુદી જુદી રમતોમાં ગોરવભર્યું સ્થાન અપાવવામાં ઘણીબધી મહિલા ખેલાડીઓએ મહેનત કરી છે. ભારતની ફેવરિટ રમત કઈ છે - ક્રિકેટ. તો મહિલાક્રિકેટમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું બનાવવામાં મહિલા ખેલાડીઓનો હાથ હોય કે નહીં! આજે વાત કરીશું ભારતની જાણીતી મહિલા ક્રિકેટર મિતાલી રાજ વિશે. જો તમે એમને જાણતા ન હો તો આજથી ઓળખવા લાગશો. આપણે ત્યાં ક્રિકેટમાં જેમ યુવરાજસિંઘ ટીમમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે ને એ જ રીતે મિતાલી રાજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં લેડી યુવરાજનું સ્થાન ધરાવે છે. તે ઓલરાઉન્ડર છે એટલે કે સરસ બેટિંગ કરી શકે છેબોલિંગ કરી શકે છે.
મિતાલીનો જન્મ ૩ ડિસેમ્બર,૧૯૮૨ના રોજ રાજસ્થાનના જોધપુર ખાતે થયો હતો. તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ અને ટેસ્ટ મેચમાં પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે. મિતાલીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવાની શરૃઆત ૧૯૯૯માં કરી હતી. આયર્લેન્ડ સામેની પહેલી મેચમાં તેણે નાબાદ ૧૧૪ રન ફટકાર્યા હતા. ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૃઆત વર્ષ ૨૦૦૧-૨૦૦૨માં કરી હતી. મિતાલી રાજને તેની ટૌન્ટન ખાતેની યાદગાર ઈનિંગ માટે યાદ કરવામાં આવે છે. આ ઈનિંગે તેને રાતોરાત લોકપ્રિય અને જાણીતી બનાવી દીધી હતી. ટૌન્ટોન ખાતે રમાયેલી ઈંગ્લેન્ડ સામેની મેચમાં તેણે ૨૧૪ રન કર્યા હતા. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં આ સ્કોરે વિક્રમ સ્થાપિત કર્યો હતો. મિતાલી રાજની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ૨૦૦૫માં મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં પહોંચી હતી. જોકે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની સામે હાર થઈ હતી. મિતાલીને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વર્ષ ૨૦૦૩માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ફેબ્રુઆરી ૨૦૧૦માં આઈસીસી વર્લ્ડ વુમન્સ ક્રિકેટમાં મિતાલી રાજ નંબરવનના સ્થાને હતી. મિતાલી ભરતનાટયમ્ની ખૂબ સારી ડાન્સર છે.