નવી દિલ્હી, તા.૨૬
ટેલિમાર્કેટિંગ કંપનીઓ દ્વારા કરાતા વણજોઇતા ફોન અને એસએમએસ આવતી કાલથી ભૂતકાળ બની જશે, કેમ કે ટેલિકોમ કંપનીઓ 'ટ્રાઇ'ની ભલામણો અનુસાર આવતી કાલથી વણજોઇતા ફોન અને એસએમએસ બ્લોક કરી રહી છે. આવતી કાલથી એક સિમકાર્ડ પરથી એક દિવસમાં ૧૦૦ એસએમએસની ટોચમર્યાદા પણ અમલી બની જશે. ટેલિકોમ ઓપરેટર્સના વિરોધ છતાં 'ટ્રાઇ'એ સ્પષ્ટ કર્યું છે કે, તે એક સિમમાંથી એક દિવસમાં ૧૦૦ એસએમએસની ટોચમર્યાદા પાછી ખેંચશે નહીં. જોકે, ૧૦૦ એસએમએસની ટોચમર્યાદા દિવાળી અને ઇદ સહિતના તહેવારોના દિવસોમાં લાગુ નહીં પડે.
સેલ્યુલર ઓપરેટર એસોસિયેશન ઓફ ઇન્ડિયા (સીઓએઆઇ)ના ડિરેક્ટર જનરલ રાજન એસ. મેથ્યુઝે જણાવ્યું હતું કે, "અનિચ્છનીય કોલ્સ અને એસએમએસના દૂષણને ડામવા માટે 'ટ્રાઇ'ની ભલામણોનો અમલ કરવા માટે અમારા તમામ ઓપરેટર્સ તૈયાર છે. જોકે, અમે એક સિમકાર્ડ પરથી એક દિવસમાં ૧૦૦ મેસેજની મર્યાદા અંગે ચિંતિત છીએ અને તે અંગે 'ટ્રાઇ' સાથે ચર્ચા કરીશું."
'ટ્રાઇ'એ અનિચ્છનીય કોલ્સ અને મેસેજ ઉપર ૨૭ સપ્ટેમ્બરથી રોક માટે વ્યાપક વિલંબ બાદ ગત ૫ સપ્ટેમ્બરે ભલામણો રજૂ કરી હતી. 'ટ્રાઇ'એ એવો પણ આદેશ કર્યો હતો કે, કોઇ પણ ટેલિકોમ ઓપરેટર એક સિમમાંથી એક દિવસમાં ૧૦૦થી વધુ મેસેજનું ટ્રાન્સમિશન કરશે નહીં.
અનિચ્છનીય કોલ્સ-મેસેજ પર રોક માટે ગ્રાહકો પાસે 'ફુલ્લી બ્લોક્ડ' કેટેગરીનો વિકલ્પ પણ રહેશે, જે 'ડુ નોટ કોલ રજિસ્ટ્રી' બરાબર છે. જો કોઇ યુઝર 'પાર્શિઅલી બ્લોક્ડ' કેટેગરી પસંદ કરે તો તે કેટેગરીમાં આવતા મેસેજ મેળવશે. 'ટ્રાઇ'એ નેશનલ કન્ઝ્યુમર પ્રેફરન્સ રજિસ્ટ્રીમાં જુદી જુદી ૮ કેટેગરી આપી છે, જેમાં બેન્કિંગ એન્ડ ફાયનાન્સિયલ પ્રોડક્ટ્સ, રિયલ એસ્ટેટ,એજ્યુકેશન, હેલ્થ, કન્ઝ્યુમર ગૂડ્સ, ઓટોમોબાઇલ્સ, કોમ્યુનિકેશન એન્ડ એન્ટરટેઇનમેન્ટ, તેમ જ ટુરિઝમ એન્ડ લેઇઝરનો સમાવેશ થાય છે. 'ફુલ્લી બ્લોક્ડ' કેટેગરી હેઠળ રજિસ્ટર્ડ થવા માટે કસ્ટમરે START 0 ટાઇપ કરી 1909 નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે.
દરમિયાન, કાલથી એક સિમકાર્ડ પરથી એક દિવસમાં ૧૦૦ એસએમએસની ટોચમર્યાદા પણ અમલી બનશે. 'ટ્રાઇ'ના સૂત્રોના કહેવા મુજબ, "વણજોઇતા કોલ્સ અને મેસેજનું દૂષણ ડામવા એક સિમમાંથી એક દિવસમાં ૧૦૦ મેસેજની મર્યાદા તમામ યુઝર્સ માટે લાગુ પડશે. ભવિષ્યમાં કોઇ તકલીફ ઊભી થશે તો તે વખતે અમે આ નિર્ણયની સમીક્ષા કરીશું."
૧૦૦ SMSની મર્યાદા સ્માર્ટફોનનું વેચાણ વધારશે
એક સિમમાંથી એક દિવસમાં ૧૦૦ એસએમએસની ટોચમર્યાદાને કારણે બ્લેકબેરી, નોકિયા એન-સિરીઝ અને એપલ આઇફોન જેવા સ્માર્ટફોનના વેચાણમાં વૃદ્ધિ થઇ શકે છે, કેમ કે આ સ્માર્ટફોનથી ઇન્ટરનેટ પર અનલિમિટેડ મેસેજિંગ થઇ શકે છે. સ્માર્ટફોન સિમ્બિયન, આઇઓએસ,એન્ડરોઇડ અને બ્લેકબેરી ઓએસ જેવી જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ્સ ધરાવતા હોય છે પરંતુ જુદી જુદી બ્રાન્ડના સ્માર્ટફોનના યુઝર્સ ફ્રેન્ડ્સ સાથે સંપર્કમાં રહેવા WhatsApp સહિતની ક્રોસ પ્લેટફોર્મ ફઅરી મેસેજિંગ ર્સિવસ ડાઉનલોડ કરી શકે છે જ્યારે ઓછું બજેટ ધરાવતાં સેલફોન યુઝર્સ ડયુઅલ-સિમ હેન્ડસેટ ખરીદી લેવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
- એક સિમકાર્ડ પરથી એક દિવસમાં ૧૦૦ SMSની મર્યાદા પણ અમલી
- ૧૦૦ SMSની મર્યાદા તહેવારોના દિવસોમાં લાગુ નહીં પડે