સાયન્સ ટોક
દોસ્તો, ઊર્જાના જે વિવિધ સ્ત્રોતો છે તેમાં ફરી ફરીને મેળવી શકાય અને અખૂટ ભંડાર કહી શકાય તેવાં સ્ત્રોતોમાં સૌર ઊર્જા, જળઊર્જાનો સમાવેશ થાય છે. કુદરતી સ્ત્રોતો દ્વારા મેળવાતી ઊર્જામાં પવનનો પણ સમાવેશ થાય છે. પવન દ્વારા પણ ઊર્જાનું ઉત્પાદન કરી શકાય છે. વીજળી મેળવવા માટે જે રીત પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એ જોતાં નજીકના જ ભવિષ્યમાં આપણી પાસે વીજપુરવઠા માટે કોલસો કે ખનીજતેલ જેવાં પુરવઠા નહીં રહે. આવા સમયે સૂર્ય, પાણી અને પવન જેવાં સ્ત્રોતોમાંથી મેળવવામાં આવતી ઊર્જા સમગ્ર વિશ્વ માટે અને પર્યાવરણ માટે ખૂબ જ લાભદાયી છે. પવનઊર્જા પવનચક્કીની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. આ પવનચક્કી(વાઈન્ડ મશીન) માં ટર્બાઈન લગાવવામાં આવે છે. જે સતત ગતિશીલ રહે છે અને પવનનું ઊર્જામાં રૂપાંતર કરે છે. જેવી રીતે પવનની મદદથી જહાજ ચાલે છે ને એવી જ રીતે પવનની મદદથી ઊર્જા ઉત્પન્ન કરીને વિવિધ યંત્રો પણ ચલાવી શકાય છે. વિશ્વનું સૌથી મોટું ઊર્જા ઉત્પાદિત કરતું વિન્ડફાર્મ(જ્યાં બહુ બધી પવનચક્કી લગાવવામાં આવી હોય અને તેની મદદથી ઊર્જા ઉત્પન્ન કરવામાં આવતી હોય એ સ્થળ) અમેરિકાના ટેક્સાસમાં આવેલું છે. અહીં ૪૨૧ પવનચક્કીઓ આવેલી છે.