ન્યૂ યોર્ક, તા.૨૩
નાસાનો નિષ્ક્રિય થઈને પૃથ્વીના ચક્કર લગાવી રહેલો સેટેલાઈટ શુક્રવારે મોડી રાત્રે અથવા તો શનિવારે સવારે ગમે ત્યારે ગમે તે સ્થળે પૃથ્વી સાથે ટકરાય તેવા સંકેતો મળે છે. ભારતીય સમય મુજબ શનિવારે સવારે તેનો કાટમાળ પૃથ્વી તરફ પડવાની શરૂઆત થઈ શકે છે. આ સેટેલાઈટ ઉત્તર અમેરિકા પર પડે તેવી શક્યતા નથી. આ ઉપગ્રહ શુક્રવારે બપોરે કે સાંજે પૃથ્વીના કોઈપણ હિસ્સા સાથે ટકરાઈ શકે છે.
તૂટી ગયેલા આ સેટેલાઈટના પાર્ટ્સનું વજન આશરે ૧ કિલોથી ૧૫૮ કિલો સુધીનું હોઈ શકે છે. જેના ૨૬ નુકસાનકારક સાધનો પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. આ સેટેલાઈટ પર રડાર મારફતે નજર રાખવામાં આવી રહી છે. છતાં તેના અવશેષ ક્યાં પડશે તે અંગે કહેવું મુશ્કેલ છે. તે દરિયામાં પડે તેવી પણ સંભાવના રહેલી છે. અમેરિકાની સ્પેસ સંસ્થા નાસાના વૈજ્ઞાનિક સમગ્ર ઘટનાક્રમ ઉપર નજર રાખી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, ૬.૫ ટન વજન ધરાવતો સેટેલાઈટ શુક્રવારે મોડી રાત્રે અથવા તો શનિવારે સવારે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. જોકે અમેરિકાના સંરક્ષણ વિભાગ અને નાસાએ સૌને સાવધ રહેવા તાકીદ કરી છે.
આકાશમાં ઊડી રહેલા વિમાનોના પાયલટ્સને ક્યારેય કોઈ ભેદી પદાર્થ આકાશમાં દેખાય તો તેવું સ્થળ અને અક્ષાંશ-રેખાંશ તેમજ સમયની જાણકારી તરત જ ટ્રાફિક કન્ટ્રોલને કરવા આદેશ આપવામાં આવ્યો છે. અવકાશી કાટમાળના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ તેનો કાટમાળ ૫૭ ઉત્તર અક્ષાંશ અને ૫૭ દક્ષિણ રેખાંશ વચ્ચે ગમે ત્યાં પડી શકે છે જે પૃથ્વીના મોટાભાગના વિસ્તારને આવરી લે છે. ઉપગ્રહનો કાટમાળ ૮૦૦ કિલોમીટરના ઘેરાવામાં ગમે ત્યાં પડી શકે છે. નાસાના જણાવ્યા મુજબ છેલ્લાં ૫૦ વર્ષમાં આવા અવકાશી કાટમાળ પડવાથી કોઈને ઈજા થઈ હોય કે મૃત્યુ થયું હોય તેવી કોઈ ઘટના નોંધાઈ નથી. ઉપગ્રહનું ફ્યુઅલ ખલાસ થઈ ગયું છે તેથી વિસ્ફોટ થવાની શક્યતા નથી. નાસાએ તેના કાટમાળને નહીં અડવા લોકોને સાવચેત કર્યા છે.
આ ઉપગ્રહનો કાટમાળ પૃથ્વી તરફ ધસી રહ્યો છે, તેથી આકાશમાંથી આવનારી મોટી આફતનું સંકટ હજી ટળ્યું નથી. છેલ્લાં ૨૦ વર્ષથી પૃથ્વીનું પરિભ્રમણ કરી રહેલો આ સેટેલાઈટ હવે કામનો રહ્યો નથી. તેનો કાટમાળ પૃથ્વી તરફ ધસી રહ્યો છે અને કલાકોના ગાળામાં જ પૃથ્વી સાથે ટકરાય તેવી શક્યતા છે. આ સેટેલાઈટનું નામ અપર એટમોસ્ફિયર રિસર્ચ સેટેલાઈટ છે. ૩૫ ફૂટ લાંબો અને ૧૫ ફૂટની પહોળાઈ ધરાવતો આ સેટેલાઈટ મોટી બસ જેટલું કદ ધરાવે છે.
આ ઉપગ્રહ પૃથ્વી સાથે ટકરાશે ત્યારે કોઈ વ્યક્તિને નુકસાન કરશે કે કેમ તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે. પૃથ્વીની સાત અબજની વસ્તીમાંથી કોઈની સાથે ટકરાય તેવી શક્યતા ૩૨૦૦ વ્યક્તિએ ૧ની છે પરંતુ નાસાના વૈજ્ઞાનિકો સતત તેની હિલચાલ પર નજર રાખી રહ્યાં છે. નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ સેટેલાઈટ શુક્રવાર અથવા તો તેના એક-બે દિવસ આગળ-પાછળના અંતરે પૃથ્વી પર પડી શકે છે. જોકે, પૃથ્વી સાથે ઉપગ્રહના ટકરાવાના મામલે ચોક્કસ સમય આપવો મુશ્કેલ છે.
૭૫૦ મિલિયન ડોલરના ખર્ચે બનેલા આ સેટેલાઈટને વર્ષ ૧૯૯૧માં લોન્ચ કરાયો હતો. ઓઝોન લેયર અને અપર એટમોસ્ફિયરની સ્થિતિને વધુ સારી રીતે જાણવાના હેતુસર આ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૫ સુધી આ સેટેલાઈટ સેવામાં હતો. ત્યાર બાદ આ સેટેલાઈટ નિષ્ક્રિય બની ગયો હતો. આ સેટેલાઈટ હાલ પૃથ્વીથી ૨૪૦ કિલોમીટર દૂર હોવાની માહિતી મળી છે.
તૂટેલા ઉપગ્રહનો કાટમાળ પૃથ્વી પર પડે તેવી ઘટના વર્ષમાં જવલ્લે જ બનતી હોય છે. જોકે,છેલ્લા ત્રણ દાયકામાં પૃથ્વી પર પડવાની શક્યતા ધરાવતો નાસાનો આ સૌથી મોટો સેટેલાઈટ છે. અગાઉ ૧૯૭૯માં ઓસ્ટ્રેલિયામાં નાસાની સ્કાયલેબ પડી હતી. સ્પેસ લો પ્રોફેસર ફ્રાન્સ વોન ડેર ડન્ક કહે છે કે, અમેરિકાએ જેમને નુકસાન થયું હોય તેમને વળતર આપવું જોઈએ. ૧૯૭૨માં આ અંગે એક સમજૂતી થયેલી છે જેના પર ૮૦ દેશોએ હસ્તાક્ષર કરેલા છે.
- ૬.૫ ટન વજનના સેટેલાઈટ પર રડાર મારફતે નજર
- ક્યો હિસ્સો ક્યાં ટકરાશે તેને લઈને સસ્પેન્સ
- ૧૯૯૧માં લોન્ચ કરાયેલો અને ૨૦૦૫માં નિષ્ક્રિય થયેલો