લંડન, તા.૨૫
વિશ્વની ટોચની ૫૦ વગદાર વ્યક્તિઓમાં ભારતનાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાને આગવું સ્થાન મળ્યું છે. યુકેના એક મેગેઝિન દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં જર્મનીનાં ચાન્સેલર એન્જેલા માર્કેલને નંબર વનનું સ્થાન આપીને વિશ્વની સૌથી વગદાર વ્યક્તિ ગણવામાં આવી છે.
આ યાદીમાં કેટલાક વિવાદાસ્પદ મહાનુભાવોને સ્થાન આપવામાં આવતા સર્વેએ થોડું આશ્ચર્ય જન્માવ્યું છે. પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ અશ્ફાક, પરવેઝ કિયાની, સારાહ પાલિન કરતાં પણ વધારે ખતરનાક ગણાતા રિપબ્લિકન ટી પાર્ટીના નેતા મિશેલ બેકમેન અને અલ કાયદાના કટ્ટરવાદી નેતા અનવર અલ આવલકીનો વગદાર વ્યક્તિની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
· જર્મનીનાં ચાન્સેલર એન્જેલા માર્કેલ નંબર વન
· યુકેના મેગેઝિનના સર્વેનું તારણ
સર્વેમાં યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધીને ‘મેડમ ઈન્ડિયા’ તરીકે સંબોધવામાં આવ્યાં છે અને તેમની ક્ષમતા મુજબ કોંગ્રેસનાં પ્રમુખ બનીને તેમજ યુપીએ ચેરપર્સન બનીને રાજકીય સત્તા હાંસલ કરવાની તેમની ક્ષમતાને વખાણવામાં આવી છે. ઈટાલીમાં જન્મેલા સોનિયા ગાંધીને ભારતમાં સૌથી વધારે સશક્ત રાજકારણી ગણવામાં આવ્યાં છે. મેગેઝિને નોંધ્યું છે કે,સપ્ટેમ્બર ૨૦૧૦માં સતત ચોથી વખત કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવીને તેમણે સૌથી લાંબા સમય સુધી પ્રમુખ તરીકે સેવા આપીને નવો ઇતિહાસ રચ્યો છે. તેમની દિવંગત ઈન્દિરા ગાંધીનાં પુત્રવધૂ તરીકે નોંધ લેવામાં આવી છે.
તાતા ગ્રૂપના રતન તાતાને ‘મેટલ હેડ’ ગણવામાં આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય પાવરહાઉસના પ્રતીક તરીકે તેમની પ્રશંસા કરવામાં આવી છે. ભારતીય ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે ઊંચું સ્થાન અપાવવામાં તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું છે. બ્રિટનની સ્ટીલ કંપની કોરસ તેમજ કાર કંપની જગુઆર લેન્ડ રોવરને ટેકઓવર કરવાના તેમના સાહસની પ્રશંસા કરાઈ છે. તાતાના અનુગામી ભારતીય ન હોવા જોઈએ તેવા તેમના આગ્રહને ધ્યાનમાં લઈને તેમને સાચા ગ્લોબલ બિઝનેસમેન ગણાવવામાં આવ્યા છે.