Thursday, September 29, 2011

રાજીવ ગાંધી ખેલરત્ન વિજેતા ગગન નારંગ


મહાનુભાવ
મિત્રોઆ વખતે ખેલરત્ન એવોર્ડ ભારતીય શૂટર એટલે કે નિશાનેબાજ ગગન નારંગને આપવામાં આવ્યો છે. ગગન નારંગે ભારતને એર રાઈફલ શૂટિંગમાં વૈશ્વિક ફલક પર માનભર્યું સ્થાન અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ૬ મે૧૯૮૩ના રોજ જન્મેલા ગગન નારંગને બાળપણથી જ રમકડાની પિસ્તોલ લઈને રમવાનું ગમતું. તીક્ષ્ણ અને તેજતર્રાર નિશાન સાધવાનું કૌવત તેને બાળપણથી જ હાથવગું હતું. નારંગે ૨૦૦૩માં હૈદરાબાદમાં રમાયેલ આફ્રો-એશિયન ગેમ્સથી આંતરરાષ્ટ્રીય સ્તરે શૂટિંગ સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું. આ સ્પર્ધામાં તેણે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ત્યારબાદ ૨૦૦૬માં આયોજિત શૂટિંગ ચેમ્પિયનશિપમાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને કાંસ્યચંદ્રક અપાવ્યો હતો. ૨૦૦૬માં જ વર્લ્ડ કપમાં સુવર્ણચંદ્રક અપાવ્યો હતો અને એ જ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ચાર સુવર્ણચંદ્રક મેળવીને ભારતનો દબદબો જાળવ્યો હતો. ગયા વર્ષે દિલ્હીમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં બે સુવર્ણચંદ્રક જીતવાની સિદ્ધિ તેણે હાંસલ કરી હતી. આમ એક પછી એક સિદ્ધિઓ મેળવવાનો સિલસિલો તેણે જાળવી રાખ્યો હતો અને તેની આ સફળતાએ તેને ભારત સરકાર દ્વારા રમતગમતના ક્ષેત્રમાં ખેલાડીને આપવામાં આવતા સર્વોચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. નારંગ એકાગ્રતાને સૌથી વધુ મહત્ત્વ આપે છે. કોઈ પણ વસ્તુમાં સફળતા મેળવવી હોય તો એકાગ્રતા અને ધ્યાનમગ્નતા મહત્ત્વનો ભાગ ભજવે છે. નારંગ ૯૮ કિમી વજન અને પાંચ ફૂટ આઠ ઈંચ ઊંચાઈ ધરાવે છે.
નારંગે અત્યાર સુધીની કારકિર્દીમાં કેટલાક વિક્રમો સ્થાપિત કર્યા છે. ઓસ્ટ્રિયાના થોમસ ર્ફિનકનો ૭૦૩.૧ પોઈન્ટનો રેકોર્ડ નારંગે ૭૦૪.૩ પોઈન્ટ મેળવીને તોડયો હતો. આ ઉપરાંત તે દસ મીટર રાઈફલમાં પુરુષ વર્ગમાં સૌથી વધુ ૬૦૦ પોઈન્ટનો વિક્રમ પણ ધરાવે છે. શૂટિંગના ક્ષેત્રમાં આગળ વધવા માટે ઈન્ડિયન એરલાઈન્સ દ્વારા સ્કોલરશિપ આપવામાં આવી છે. નારંગ બરાક ઓબામાને તેના પ્રેરણાસ્ત્રોત માને છે. ઓબામાએ જે દિવસે ચૂંટણીમાં વિજય મેળવ્યો અને અમેરિકાનું પ્રમુખપદ મેળવ્યું એ જ દિવસે તેણે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ઓબામાના શબ્દોએ તેના પર પ્રભાવ પાડયો હતો. અભિનવ બિન્દ્રારાજ્યવર્ધનસિંહ રાઠોડતેજસ્વિની સાવંત વગેરેની સાથે તે શૂટિંગના ક્ષેત્રમાં નામના મેળવી રહ્યો છે અને ભારતનું નામ રોશન કરી રહ્યો છે.