Sunday, September 25, 2011

હવાનાં પ્રદુષણથી હાર્ટ એટેકનું વધતું જોખમ



લંડન,તા.૨૩
તાજેતરમાં જ હાથ ધરાયેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હવાનાં પ્રદૂષણને કારણે હાર્ટ એટેકનું જોખમ વધે છે. આથી હવાનાં વધતાં જતાં પ્રદૂષણ સામે તમામ લોકોએ સાવધાન થઈ જવાની જરૂર છે. ગીચ ટ્રાફીકમાં ધૂમાડા અને વાયુ પ્રદૂષણના કારણે હાર્ટ એટેક થવાનો ખતરો વધી જાય છે. ખાનગી મેડિકલ વીમો ધરાવતા લોકો જો તેમના હાર્ટનાં રોગો અંગે વધારે સાવધ રહેવા માગતા હોય તો તેમણે જ્યાં વધારે પડતું વાયુ પ્રદુષણ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ તેવો અહેવાલમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
ભારતીય મૂળના સંશોધક દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે વાયુ પ્રદૂષણના કારણે હાર્ટ એટેક થવાનો ખતરો વધી જાય છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડીસીનમાં ફરજ બજાવતાં ભારતીય મૂળના કૃષ્ણનન ભાસ્કરન અને તેમના સાથીઓ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે ગીચ ટ્રાફીકમાં ભલે ઓછા પ્રમાણમાં પ્રદૂષણ હોય પણ તે હાર્ટના જોખમને વધારે છે. સંશોધકોએ આશરે હાર્ટ એટેકના ૮૦ હજાર કેસોમાં અભ્યાસ કર્યા બાદ આ મુજબનું તારણ આપ્યું છે.
પ્રદૂષણના સ્તરની અસર શું થઈ છે તેમાં પણ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વ્યાપક અભ્યાસ બાદ જાણવા મળ્યું કે વધતાં જતા વાયુ પ્રદૂષણના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. હવાનું પ્રદૂષણ હાર્ટ એટેક સાથે સીધી રીતે સંબંધ ધરાવે છે. છ કલાકથી વધુ સમય સુધી વાયુ પ્રદૂષણ વચ્ચે રહેનાર લોકોમાં આ ખતરો વધારે રહે છે. બ્રિટનના જાણીતા અખબારે નિષ્ણાતોને ટાંકીને ઉપર મુજબનો ઘટસ્ફોટ કર્યો છે. વર્ષ ૨૦૦૩થી ૨૦૦૬ વચ્ચેના ગાળામાં હાર્ટ એટેકના ૭૯૨૮૮ કેસોને આવરી લઈને આ અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ કેસોમાં વિગતવાર માહિતી મેળવ્યા બાદ સંશોધકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે વાયુ પ્રદૂષણ માનવી માટે ખૂબ જ ખતરનાક છે. માત્ર હાર્ટ એટેક જ નહીં બલ્કે માંદગીપણું વધવાનો અને મૃત્યુ થવાનો ખતરો આવા પ્રદૂષણના કારણે વધી જાય છે.
શ્વાસ લેવાની તકલીફ પણ વાયુ પ્રદૂષણના કારણે થઈ શકે છે તેવા તારણ અગાઉના અભ્યાસમાં બહાર આવી ચૂક્યા છે. અભ્યાસના તારણ હાલમાં જ પ્રકાશિત કરાયા બાદ આ દિશામાં વધુ અભ્યાસ કરાય તેવી શક્યતા છે.
  • લોકોને વાયુ પ્રદુષણથી દૂર રહેવા અનુરોધ
  • ગીચ ટ્રાફિકમાં છ કલાક રહેવાથી હાર્ટના રોગો થવાની શક્યતા