મહાનુભાવ
ભારતના છઠ્ઠા અને સૌથી યુવાનવયે પ્રધાનમંત્રી બનવાનું બહુમાન મેળવનારા રાજીવ ગાંધીનો આજે જન્મદિવસ છે. રાજીવ ગાંધીનો જન્મ ૧૯૪૪માં મુંબઈમાં થયો હતો. રાજીવે કેમ્બ્રિજ યુનિર્વિસટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા રાજીવ બાળપણથી જ હવામાં વિમાનો ઉડાડવાના સપના જોતા હતા. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત પણ પાઈલટ તરીકે કરી હતી. તેઓ જ્યારે કેમ્બ્રિજ યુનિર્વિસટીમાં ભણવા ગયા ત્યારે જ તેમની મુલાકાત સોનિયા સાથે થઈ હતી અને તેમણે પ્રેમમાં પડીને લગ્ન કર્યા હતાં. સોનિયા ગાંધી હાલમાં પક્ષપ્રમુખ તરીકે કોગ્રેસનું સુકાન સંભાળી રહ્યાં છે.
ઈન્દિરા ગાંધીના મૃત્યુ બાદ રાજીવ ગાંધીને વડાપ્રધાન પદસોંપવામાં આવ્યું હતું. ભલે રાજકીય પરિવારમાંથી આવતા હોય પરંતુ તેમને રાજકારણમાં સહેજ પણ રુચિ નહતી. તેઓ તો આકાશમાં વિમાનો ઉડાડવાના સપના જ જોતા રહ્યા હતા.વડાપ્રધાન પદ પર નિમવામાં આવ્યા તે પહેલાં રાજીવે વિદેશ મંત્રાલય,સુરક્ષા મંત્રાલય, નાણાં મંત્રાલય જેવાં મંત્રાલયોમાં પણ કામ કર્યું હતું. ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪ના રોજ તેઓ વડાપ્રધાન બન્યા હતા અને ૧૯૮૯ સુધી તેમણે આ પદ શોભાવ્યું હતું. રાજીવે વડાપ્રધાનનો હોદ્દો સુપેરે નિભાવવાનો પ્રયત્ન કર્યો હતો. બહુ ઓછું બોલનારાં રાજીવે સામ પિત્રોડા સાથે મળીને દેશમાં ટેલિફોન ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ભારતની આર્થિક નીતિઓમાં સુધારા લાવવામાં રાજીવે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. લાઈસન્સ રાજ એટલે કે કોઈપણ વેપાર શરૂ કરવા માટે કેટલાંક નિયમો અને ધારાધોરણોને અનુસરવાનું અને પરવાનો મેળવવાની પ્રથાને નાબૂદ કરવાનું મહત્ત્વનું કામ તેમણે કર્યું હતું. શિક્ષણ ક્ષેત્રે પણ રાજીવે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને આધુનિક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. રાજીવે પાડોશી દેશો સાથે સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે તે માટે જરૂરી પગલાંઓ ભર્યા હતાં. શ્રીલંકામાં એલટીટીઈ એટલે કે અલગ તમિલ રાજ્યની માંગણી કરતા લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઈલમની સામે શ્રીલંકન સરકારને મદદ કરવાના કારણોસર ૨૧ મે, ૧૯૯૧ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી.