
મહાનુભાવ
મિત્રો, આપણે જે વીજળી અત્યારે વાપરીએ છીએ તેની શોધ સાથે બેન્જામિન ફ્રેન્કલિન કે માઈકલ ફેરાડેનું નામ જોડાયેલું હોય પરંતુ કર્મિશયલ એટલે કે વપરાશ માટે વીજળીની સુગમતા કેળવવામાં નિકોલા ટેસ્લા નામના વૈજ્ઞાનિકનું પણ અમૂલ્ય પ્રદાન રહ્યું છે. નિકોલા ટેસ્લાનો જન્મ ૧૦ જુલાઈ,૧૮૫૬ના રોજ ક્રોએશિયાના સ્મિઆનમાં થયો હતો. તેઓ ભૌતિકશાસ્ત્રી, શોધક, યંત્રવિદ્યા અને વીજળીથી ચાલતા વિવિધ યંત્રોમાં નિપુણતા ધરાવતા હતા. ૧૯મી અને ૨૦મી સદીમાં વીજચુંબકીય તરંગોના ઉત્પાદન અને સંશોધનમાં તેમણે ક્રાંતિકારી શોધો કરી હતી. ટેસ્લાએ વીજળીના સંબંધમાં જેટલી પણ શોધો અને સંશોધનો કર્યા છે, પેટન્ટ નોંધાવી છે તેનો અલાયદો અભ્યાસ વિજ્ઞાનની ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગની શાખામાં કરવામાં આવે છે. ઊદ્યોગોમાં વીજળીના વપરાશની સુગમતા કેળવવા માટે ટેસ્લાએ આપેલાં નોંધપાત્ર પ્રદાનને સેકન્ડ ઈન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે.
રોબોટિક્સ, રિમોટ કન્ટ્રોલ, રડાર, કમ્પ્યુટર સાયન્સ વગેરે ઉપકરણોની બનાવટમાં ટેલ્સાએ આપેલાં નિયમો અને સિદ્ધાંતોને અનુસરવામાં આવે છે. ૧૮૯૩ની સાલમાં ધાતુના તારના ઉપયોગ વિના તરંગોની મદદથી કોઈ ઉપકરણને કેવી રીતે ચલાવી શકાય તેનો ખ્યાલ રજૂ કર્યો હતો. બાદમાં તેમણે તેમની આ થિયરીને સાકાર સ્વરૂપ આપ્યું હતું. વોર્ડનક્લિફ ટાવર પ્રોજેક્ટ કરીને તારના ઉપયોગ વિના ઊદ્યોગોને વીજળીની સુવિધા આપવાની શરૂઆત આ ટાવરની મદદથી કરવામાં આવી હતી. ન્યૂયોર્ક ખાતે આવેલાં આ ટાવરને ટેસ્લા ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે.
વિવિધ વિષયોમાં નિપુણ એવા ટેસ્લા વિવિધ ભાષાઓમાં પણ પ્રાવીણ્ય ધરાવતા હતા. તેઓ ર્સિબઅન, ઝેચ, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, હંગેરીઅન, ઈટાલિઅન અને લેટિન જેવી આઠ ભાષાઓ જાણતા હતા. તેમના નામે ભૌતિકશાસ્ત્રમાં ટેસ્લા નામનો એકમ પણ વિકસાવવામાં આવ્યો છે જ્યારે યાંત્રિક ઉપકરણમાં ઉપયોગમાં લેવાતી કોઈલને ટેસ્લા કોઈલ તરીકે ઓળખવામાં આવે છે.