કવર સ્ટોરી - માનસી પટેલ
ગર્ભમાં બાળકનું સર્જન,પાલન અને પોષણ કરતી મા એટલે શક્તિ, સૃષ્ટિના સર્જન માટે પીડા વેઠતી શક્તિ સ્વરૂપા, એ જ કાલી શક્તિ જે નરેન્દ્રનાથને પરિવારની ઝંઝાળમાંથી મુક્ત કરી સ્વામી વિવેકાનંદ બનવા માટેનો માર્ગ મોકળો કરી આપે છે. સ્ત્રીની આવી અમાપ શક્તિઓને બિરદાવવાનું અને તેને વિકસાવવાનું પર્વ એટલે નવરાત્રિ. સ્ત્રીની અંદર અખૂટ શક્તિઓ પડી છે કુટુંબ,સમાજ અને દેશને યોગ્ય દિશામાં ઢાળવાની. જે શક્તિસ્વરૂપા સ્ત્રીને પૂજીએ છીએ,હકીકતમાં સમાજ તેના જ વિકાસમાં બાધક બનીએ ઊભો રહી જાય છે. ક્યાંક અભ્યાસ અટકાવીને, ક્યાંક ગર્ભમાં મારીને, ક્યાંક કારકિર્દી અવરોધીને,ક્યાંક તો અત્યાચારની વણથંભી વણઝાર ગણી ગણાય નહી તેવી હોય છે..., ઢોલીડાના તાલે,થીરકતા પગે તાળી સંગાથે નોરતાંમાં રમમાણ બનવાની સાથે સાથે નવરાત્રિના પર્વે થોડું થંભીને એ વિચારીએ કે ક્યાંક નવરાત્રિનો મૂળ ઉદ્દેશ ભૂલી તો નથી ગયા ને?!
નવરાત્રિ એટલે સરખે સરખી સાહેલી સંગે શણગાર સજીને આદ્યશક્તિની પૂજા અર્ચના કરવાનો ઉત્સવ. આપણા મોટા ભાગમાં ઉત્સવોમાં સ્ત્રીઓનું સ્થાન આગવું હોય છે જ્યારે નવરાત્રિ તો આખે આખો તહેવાર જ શક્તિની ઉપાસનાનો છે. નવરાત્રિમાં મા અંબાના સ્થાપન તરીકે ઘડૂલામાં મૂકેલો દીવો જ પ્રતીક છે સ્ત્રીની સર્જનશક્તિનું. નવરાત્રિમાં કાણાંવાળા ઘડાની અંદર દીવો મૂકીને સ્થાપન કરવામાં આવે છે તે દીપગર્ભ માતાના ગર્ભાશયનું પ્રતીક છે અને દીવો એ તેમાં રહેલા જીવનું. માતાના ગર્ભમાં બાળક વિકસે છે, પોષણ પામે છે. દરેક સ્ત્રી આ જ રીતે પોતાના ગર્ભમાં બાળકનું સર્જન કરીને તેને જન્મ આપતી સર્જનદાત્રી હોવાથી તેનું માહાત્મ્ય અનેકગણું થઈ જાય છે. એટલે જ હિન્દુ ધર્મમાં શક્તિપૂજાનું આગવું મહત્ત્વ છે. શક્તિની આરાધના કરવા માટે લયબદ્ધ થયેલા શ્લોકો પણ આપણા શાસ્ત્રમાં છે જ ને. નવરાત્રિ ફક્ત આધુનિકતાના રંગે રંગાઇને મોડી રાત સુધી ઝૂમવા માટે નથી જ. સ્ત્રીઓએ શક્તિની આરાધનાનો ર્ગિભત અર્થ સમજીને પોતાની શક્તિઓને વિકસાવવાની જરૂર છે. શક્તિ જો જગત કલ્યાણ અર્થે અંબા, દુર્ગા, ચામુંડા, મહાકાળી,ભવાની એવા નવદુર્ગા સ્વરૂપે દૈત્યને હણી શકતી હોય તો એક સ્ત્રી શું પરિવારના કલ્યાણ માટે અથવા તો પોતાનાં હિતોની રક્ષા માટે રણચંડી ન બની શકે? બની જ શકે. એટલે જ જ્યારે એવા સમાચાર વાંચવામાં આવે કે પુત્રને દીપડાના કે સાવજના મોંમાં જતો અટકાવવા કાળકા બનીને તૂટી પડી... તો આ વાંચીને નવાઈ ન લાગવી જોઈએ કે, સ્ત્રીમાં આવું બળ ક્યાંથી આવ્યું? કારણ કે સ્ત્રીની અંદર બાળક માટેનો માતૃપ્રેમ તો ભારોભાર ભરેલો જ હોય છે, પરંતુ સાથે સાથે સ્ત્રીની અંદરમાં અનાદિકાળથી મુશ્કેલી સામે બમણા વેગથી ઝઝૂમવાની શક્તિનો એ ઝરો વહે છે જે સમય આવે સીમા તોડીને ધોધની જેમ વહી નીકળે છે. નવરાત્રિ એ બાબતની પ્રતીતિ કરાવતો તહેવાર છે કે સ્ત્રીમાં એ શક્તિ છુપાયેલી છે જે આખા વિશ્વને હચમચાવી શકે છે. તેને મળતી થોડી ઘણી તક અને સવલતોનો ઉપયોગ કરીને અડધોઅડધ આકાશ તો તેણે સર કરી જ લીધું છે. જ્યારે પૂરતી તક મળી જશે ત્યારે તો સિનારિયો જ કંઇક અલગ હશે.સ્ત્રીને અબળા સમજતા ઘણા લોકો વ્યંગ કરતા હોય છે કે સ્ત્રી એવા તે કયા ચમત્કાર કરે છે કે તેને પૂજનીય અને સન્માનીય ગણવી જોઈએ? આવા લોકોને કહેવું છે કે સ્ત્રીની શક્તિ પિછાણવા માટે જરૂરી નથી કે તમારે કોઈ ચમત્કાર જોવા જ પડે. સામાન્ય લાગતી સ્ત્રી કપરા સંજોગો સામે અસામાન્ય કહી શકાય તેવી રીતે બાથ ભીડે છે અને સંજોગોને માત આપે છે એ ચમત્કાર જ છે ને!, જ્યારે એક સાંધો ત્યાં તેર તૂટતા હોય અને હાંલ્લા કુસ્તી કરતા હોય એવી પરિસ્થિતિમાં આખા પરિવારને ભરપેટ જમાડે છે ને સાથે સાથે મહેમાનની આવભગત પણ કરી લે છે તો એ પણ મોટો ચમત્કાર જ છે. આજની સ્ત્રીની ભલે દેખીતી રીતે ચાર ભુજા ન હોય, પરંતુ કામ તો એ ચાર હાથ જેટલું જ કરે છે. મલ્ટિટાસ્કિંગ બનેલી આજની સ્ત્રી વિવિધ ગેઝેટ અને એપ્લાયન્સીસના સહારે ઘર અને બહારનાં તમામ કામ આસાનીથી સંભાળી લે છે એ કાંઇ ચમત્કારથી કમ નથી. કહેવત છે ને કે ‘ઘોડે ચડેલો બાપ મરજો, પણ છાણાં વીણતી મા ન મરશો’, કારણ કે માની અંદર રહેલી સ્ત્રીનું ગજબનુ સામર્થ્ય છે. તે વૈધવ્યનું દુઃખ ભોગવીને આપબળે પોતાના પરિવાર અને બાળકોને સાચવે છે શું આ ચમત્કાર નથી? હાર માની બેઠેલા પુરુષને ઢંઢોળી બેઠો કરી રાખમાંથી સર્જન કરવાની પ્રેરણા આપનાર સ્ત્રી પ્રેરણાદાયિની છે એનાથી વિશેષ કયો ચમત્કાર હોઈ શકે? પોતાના સ્વજનને તૂટતા જોવાને બદલે તેને મક્કમ મનોબળથી આગળ વધવાનો પાનો ચઢાવનાર સ્ત્રી કપરા સંજોગોમાં આંસુને આંખમાં જ સમાવીને સ્વજનને સફળતાના શિખરે પહોંચાડી શકે છે. તેની સર્જન કરવાની આ તાકાત કોઈ ચમત્કારથી કમ ન જ આંકવી જોઈએ. જોકે રોજિંદા જીવનમાં આ બધાં જ કાર્યો તે એટલી સરળતાથી કરે છે કે તેનાં કામ ઘણાં અંશે વિશિષ્ટ છે એવો અંદાજો પણ નથી આવતો. સમય મળે ક્યારેક આવા સામાન્ય લાગતા ‘ચમત્કાર’ કરી તો જોજો ‘નેવાંનાં પાણી મોભે ચઢાવવા’ જેટલું કપરું ન લાગે તો કહેજો!
સ્ત્રી જોગમાયા છે અને ઘર, પરિવાર, સંબંધો, પડકારો બધાને સંભાળી લેવાની તેની વિશિષ્ટતા આગવી છે. પ્રાચીન લોકગરબા વાંચીએ તો મા સ્ત્રીશક્તિની ઉપાસના સુપેરે રજૂ થઈ છે. આપણા ઘણાં બધા પ્રાચીન ગરબામાં સ્ત્રીની આંતરિક શક્તિને સરસ રીતે લયબદ્ધ કરવામાં આવી છે જેમાં સ્ત્રીનાં રંગ રૂપ કે શણગારથી આગળ વધીને તેના આંતરિક ગુણો અને તેની મુશ્કેલીઓ સામે હામ ભરવાના, સમાજને ઉપયોગી થવાના માહાત્મ્યને વણી લેવામાં આવ્યું છે તેની એક ઝલક જોઈએ તો,
તું કાળી ને કલ્યાણી રે મા જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને પહેલા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું શંકર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ભસ્માસુર હણનારી રે મા જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને બીજા તે યુગમાં જાણી રે મા જ્યા જોઉં ત્યાં જોગમાયા
તું હરિશ્ચન્દ્ર ઘેર પટરાણી રે મા જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું સત્ય કારણે વેચાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને ત્રીજા તે યુગમાં જાણી રે મા જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું રાવણને રોળનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ધરતીમાં સમાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને ચોથા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું પાંડવ ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તુ કૌરવ કુળ હણનારી રે મા જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
શક્તિસ્વરૂપા માતાનું આ રૂપ દરેક સ્ત્રી તથા સમાજે પોતાના જીવનમાં ઉતારવાનું છે. ગરબામાં માતાના એક સ્વરૂપ કાળીનો મહિમા ગવાયો છે. તેની છણાવટમાં ઊંડા જઇએ તો ખબર પડે કે સ્ત્રીનું મહત્ત્વ તેના રંગથી નહીં, તેની આવડતથી છે. પોતાના કુદરતી દેખાવને બદલવા માટે ક્રીમ પાછલ ઘેલી થયેલી સ્ત્રીઓ અને રૂપથી જ સ્ત્રીની આવડતને આંકતા પુરુષોએ આ બાબત વેળાસર સમજવાની જરૂર છે. પતિની સાથે સત્ય કાજે વેચાનારી તારામતીથી આજની એ સ્ત્રી સહેજે અલગ નથી, જે પતિના ખભાથી ખભા મિલાવીને કામ કરે છે અને પરિવારને સંભાળે છે. તો પતિનું માન અને પોતાનું સન્માન જાળવવા ધરતીમાં સમાતા સીતામાતાથી એ સ્ત્રી ક્યાં અલગ છે જે દુઃખોના પહાડ ઝીલીને પણ એકલા રહીને બાળકોને ઉછેરીને પગભર બનાવે છે. કુટુંબમાં થતા અન્યાયને વેઠતી, પુત્રવિયોગનો આઘાત ખમી જતી, જાહેરમાં ચિરહરણનો ભોગ બનતી, પુત્રો ગુમાવીને રાંક બનેલી દ્રૌપદી જોગમાયા છે એ શક્તિ છે જે પુત્રને હણનારા અશ્વત્થામાને બચાવવા કહી શકે છે કે, “ન હણશો એને પુત્રહીનતનું દુઃખ હું જાણું છું. ગુરુવર્યની પત્ની કૃપીને એ દુઃખ ન આપશો!” આ મોટપ અને માફ કરવાની ક્ષમતા મા જ દાખવી શકે ને?!
નવરાત્રિમાં શક્તિની મહત્તાને સમજીને સ્ત્રીએ તથા સ્ત્રીઓને પગની જૂતી ગણતા લોકોએ ખરેખર તો આત્મખોજ કરવી જોઈએ, કારણ કે નવરાત્રિનો દીપ પ્રતીક છે જીવનમાં શક્તિના પ્રાગટયનો-જેને આજના યુગમાં વૂમન એમ્પાવરમેન્ટ કહી શકો. નવરાત્રિનો સમય છે આસુરી શક્તિને ડામવાનો, પરિવારમાં કે સમાજમાં વ્યસન, અનાચાર, આર્થિક-સામાજિક મુસીબતો જેવાં આસુરી તત્ત્વો રાસડા લેતાં હોય ત્યારે આધુનિકાએ જ આ દૂષણને ડામવા કટિબદ્ધ થવાનું છે. નવરાત્રિ એ જાગૃતિ માટે આવતો તહેવાર છે એ વાત જુદી છે કે આપણે ફક્ત તેને મોજમસ્તી પૂરતો સિમીત બનાવી દીધો છે. સમાજના કહેવાતા સુધરેલા લોકોને નવરાત્રિ ઢોલના ધબકારે સમજાવે છે કે કેવળ માતાજીની છબીને વંદન કરી, પૂજન અર્ચન કરી સંતોષ માની લેવાનો નથી. માતૃસ્થાને બિરાજેલી શક્તિને પૂજનીય ગણી સ્ત્રીની ગરિમાનું હનન કરતાં કાર્યોને અટકાવવાનાં છે. પ્રતિવર્ષ નવરાત્રિને માત્ર ‘ફન’ તરીકે ઊજવવાને બદલે તેની પાછળના સ્ત્રી સન્માન અને વિકાસના મૂળ હેતુને સમજવામાં આવે તો આગળનાં વર્ષોનો ચિતાર કંઇક નોખો જ હશે. એટલે નવલાં નોરતાંમાં આસ્થાથી માતાજીની આરાધના કરી ગરબે ઘૂમો, પરંતુ ઉન્નતિ તરફ આગળ વધવાનો મૂળ હેતુ ન ભુલાય તે જોજો.