સ્વતંત્રતા બાદ શહીદ સ્મારક એવા ઇન્ડિયા ગેટ પર યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની યાદમાં સતત જ્યોતિ પ્રજ્વલિત રાખવામાં આવે છે
મિત્રો, ગેટ વે ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા ગેટ વિશે તમને ખબર છે?કેટલાક મિત્રોને આ ઈમારતોના નામને કારણે કેટલીક વાર ગૂંચવણ ઊભી થતી હોય છે. તો આ રહ્યો તમારી મૂંઝવણનો જવાબ. ભારતના મહત્ત્વનાં જાણીતાં અને ઐતિહાસિક સ્થળોમાં ઇન્ડિયા ગેટનો સમાવેશ થાય છે. યુદ્ધ સ્થાપત્યમાં તેની ગણના થાય છે. દિલ્હીમાં આવેલા ઇન્ડિયા ગેટનું નિર્માણ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શહીદ થયેલા સૈનિકોની યાદમાં અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા બાદ શહીદ સ્મારક એવા ઇન્ડિયા ગેટ પર યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની યાદમાં સતત જ્યોતિ પ્રજ્વલિત રાખવામાં આવે છે જેને અમર જવાન જ્યોતિ તરીકે ઓળખવામાં આવે છે. ગેટ વે ઓફ ઇન્ડિયા મુંબઈમાં આવેલું છે. દક્ષિણ મુંબઈમાં સ્થિત આ સ્થાપત્ય દરિયામાંથી મુંબઈમાં આવવાનું પ્રવેશદ્વાર છે. બેસાલ્ટના પથ્થરોમાંથી બનાવવામાં આવેલું આ પ્રવેશદ્વાર ૨૬ મીટરની ઊંચાઈ ધરાવે છે. ૧૯૧૧માં ગેટ વે ઓફ ઈન્ડિયાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને ૧૯૨૪માં તે સંપન્ન થયું હતું.