
પટના : તા. 4, ઓક્ટોબર
સુપર-30ના સંસ્થાપક ગણિત નિષ્ણાંત આનંદ કુમારે ઈન્ફોસિસના એન.આર.નારાયણમૂર્તિ દ્વારા આઈઆઈટીના વિદ્યાર્થીઓની ગુણવત્તા પર ઉઠાવેલા સવાલ પર કહ્યું છે કે દેશની આઈટી સંસ્થાઓએ પોતાની પેટર્ન અને પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરવાની જરૂર છે.
કુમારે કહ્યું કે ઈન્ફોસિસ સંસ્થાપક નારાયણમૂર્તિએ આઈઆઈટીમાં હાલના દિવસોમાં વિદ્યાર્થીઓની ગુણવત્તા ઘટવાનો મુદ્દો ઉઠાવ્યો છે અને સંસ્થામાં પ્રવેશ મેળવનારા 80 ટકા વિદ્યાર્થીઓને નોકરીઓ તથા વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસને અયોગ્ય ગણાવ્યા છે. આ તેમનો અંગત વિચાર છે.
આનંદ કુમારે કહ્યું કે હાલના દિવસોમાં આઈઆઈટીમાં જો નબળા વિદ્યાર્થીઓ પહોંચ્યા છે તો દેશની સર્વેચ્ચ આઈટી સંસ્થાઓએ આ વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
આનંદે કહ્યું કે દેશમાં 11મા તથા 12મા ધોરણમાં જે ભણાવવામાં આવે છે અને આઈઆઈટી-જેઈઈની પ્રવેશ પરીક્ષામાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે તે વચ્ચે મોટુ અંતર છે. આઈઆઈટીના પ્રોફેસરોએ વિચારવું પડશે કે આ અંતર કેવી રીતે દૂર કરવામાં આવે.