Saturday, October 15, 2011

દિવાળીમાં ઓનલાઇન ગિફ્ટનો ટ્રેન્ડ


અમદાવાદ 14, ઓક્ટોબર

નવરાત્રી હોય કે દિવાળી, તહેવાર આવે ત્યારે વિદેશમાં વસતાં ગુજરાતીઓને પોતાના પરિવારજનોની યાદ સતાવતી હોય છે. અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં વસતાં ગુજરાતીઓ હવે દિવાળીમાં પરિવારજનો, સંબંધીઓ અને મિત્રોને ઈન્ટરનેટનાં માધ્યમથી ગિફ્ટ મોકલીને દિવાળીની શુભેચ્છા પાઠવે છે. મેગા સિટી અમદાવાદમાં ધીમે ધીમે ઈ-ગિફ્ટનું ચલણ વધી રહ્યું છે. દિવાળીની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઈ-ગિફ્ટના ઓર્ડર શરૃ થઈ ગયા છે. દિવાળીમાં ગિફ્ટ મોકલવા માટે એનઆરઆઈ ઓનલાઇન ગિફ્ટનો સહારો લેતા થયા છે.

અમેરિકા, કેનેડા અને યુ.કે.ના ગુજરાતીઓમાં ઈ-ગિફ્ટનું ચલણ વધુ


 છેલ્લાં બે-ત્રણ વર્ષથી ઓનલાઈન ગિફ્ટનો વધુને વધુ લોકો અપનાવતા થયા છે. આ અંગે બડ્સ એન રોઝિસના વિવેક સુલતાનિયાએ જણાવ્યું કે, ઓનલાઈન ગિફ્ટ મોકલવી વિદેશીઓને સસ્તી પડતી હોવાથી ઈ-ગિફ્ટના ઓર્ડર વધી રહ્યા છે. અમેરિકા, કેનેડા, યુ.કે., સાઉદી અરેબિયા, દુબઇ અને ઓસ્ટ્રેલિયામાંથી ગુજરાતીઓ પોતાના સ્વજનોને દિવાળી ગિફ્ટ મોકલાવે છે. દિવાળી ગિફ્ટમાં ખાસ કરીને ઓર્િકડ, કારનેશન, એક્ઝોટિક, ગોડ ઓફ પેરેડાઇઝ, લીલી જેવા વિદેશી ફૂલોના ઉપયોગથી સજાવેલા બાસ્કેટમાં મીઠાઈ, ડ્રાયફ્રૂટ અને ફટાકડા મૂકીને કંઈક હટકે ગિફ્ટ મોકલવાનો ટ્રેન્ડ છે. આવા ગિફ્ટ હેમ્પરની કિંમત રૃ. ૫૦૦થી માંડીને રૃ. પાંચ હજાર સુધીની હોય છે. ગુજરાતીઓ પરંપરાગત રીતે ગિફ્ટ તૈયાર કરાવવા ગણેશ-લક્ષ્મીજીના પાંચથી દસ ગ્રામના સિક્કા અને કંકુ-ચોખા મુકાવવાનો પણ ખાસ આગ્રહ રાખે છે. કદાચ ગ્રાહકને ગિફ્ટ પેક પસંદ ના પડે એવું પણ બની શકે છે.

ચોકલેટ, મીઠાઈ, ફટાકડા સાથેનાં ગિફ્ટ હેમ્પરની હોમ ડિલિવરીનો ટ્રેન્ડ


આ મર્યાદા ઓળંગવા ગિફ્ટની ડિઝાઇન પણ ગ્રાહકને મોકલવામાં આવે છે. બાદમાં ઓનલાઇન ફોર્મ ભરીને નાણાં મોકલ્યાં બાદ ગ્રાહકની માગ અનુસાર ડિઝાઇન તૈયાર કરીને જે તે સ્થળે ગિફ્ટ હેમ્પર મોકલાય છે. વિદેશ સ્થિત ગુજરાતીઓએ અત્યારથી જ ઓનલાઈન ગિફ્ટના ઓર્ડર આપી દીધા છે. જોકે આ તમામ ગિફ્ટ ઓર્ડર મુજબ દિવાળીના એક - બે દિવસ અગાઉ જ મોકલવામાં આવે છે. અમદાવાદમાં નવરંગપુરા, પ્રહલાદનગર, બોડકદેવ, નારણપુરા, એલિસબ્રિજ સહિતના પશ્ચિમના વિસ્તારના સૌથી વધુ ઓર્ડર મળ્યા છે. ઓનલાઇન ગિફ્ટમાં પણ આ વર્ષે ૩૦ ટકાનો વધારો થયો છે.

દિવાળીના ૧૫ દિવસ અગાઉથી જ NRIના ઓનલાઈન ઓર્ડર 


ગત વર્ષે જે ગિફ્ટ હેમ્પર રૃ. ૫૦૦માં મળતું તેનો આ વર્ષે રૃ. ૮૦૦ ભાવ થયો છે. બાસ્કેટથી માંડીને ફટાકડા, મીઠાઈના ભાવમાં વધારો થતાં ગિફ્ટના ભાવમાં વધારો થયો છે. નોંધનીય છે, અમદાવાદથી અમેરિકા ગિફ્ટ મોકલવી મોંઘી પડતી હોવાથી અમદાવાદીઓએ ઓનલાઈન ગિફ્ટનો સ્વીકાર કર્યો નથી.