Sunday, October 16, 2011

તમસથી તેજ તરફ લઇ જ્તું પર્વ : દિવાળી













ભારતમાં ઉજ્વાતા તહેવારોમાં સામાજિક અને ધાર્મિક ર્દર્ષ્તિએ દિવાળી તહેવારોનો રાજા ગણાય છે. પ્ર્કાશના આ પર્વને દીપોત્સવ પણ કહેવા છે. તમસો મા જ્યોતિર્ગમય અર્થાત અંધારામાંથી જ્યોતિ એટલે કે પ્રકાશ તરફ જાઓ આ ઉપનિષદોની આજ્ઞા  છે.
દિવાળી પ્રકાશોત્સવ પણ છે, જે સત્યની જીત તથા આધ્યાત્મિક અજ્ઞાનને દૂર કરવાનું પ્રતીક છે. દિવાળી એ કોઈ એક દિવસ પૂરતો તહેવાર ન હોતા તહેવારોની હારમાળા છે. વાઘ બારસથી લઈને લાભ પાંચમ સુધી દિવાળીનો માહોલ જ જોવા મળે છે.
ધનતેરસને ધન ત્રયોદશી અથવા ધનતેરસ તરીકે ઓળખવામાં આવે છે. સોના-ચાંદીનાં વાણસ, ઘરેણાં વગેરેની ખરીદી માટે ધનતેરસને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે ઘરનાં દ્વાર પર પૂર્વ દિશા તરફ તેર દીવા પ્રગટાવવામાં આવે છે. આ જ દિવસે દેવતાઓના વૈદ્ય ધન્વંતરિનું પૂજન પણ કરવામાં આવે છે.
ધનતેરસની પછીનો દિવસ નરક ચતુર્દશી અથવા કાળી ચૌદશ તરીકે ઓળખાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ જ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુર પર વિજય મેળવ્યો હતો. નરક ચતુર્દશીના દિવસે ઘરના દ્વાર પર દક્ષિણ દિશા તરફ ચૌદ દીવા પ્રગટાવવામાં આવે છે. કાળી ચૌદશનો દિવસ તાંત્રિક સાધનાઓ માટે ઉત્તમ છે. આ દિવસે કાલી માતા અને હનુમાનજીનું પૂજન પણ કરવામાં આવે છે. નરક ચતુર્દશીનો બીજો દિવસ દિવાળી હોય છે. દિવાળીને લક્ષ્મી પૂજાના નામે પણ ઓળખવામાં આવે છે. લક્ષ્મી પૂજાના દિવસે ઘરના દ્વાર અને બધી જ દિશાઓમાં અનેક દીવાઓ પ્રગટાવવામાં આવે છે.

દિવાળીની ઉજવણી
દશેરા પછી દિવાળીની તૈયારીઓ કરવાની શરૂઆત થાય છે. પોતાનું ઘર દિવાળીમાં દીવાની માફક ઝગમગી ઊઠે તે માટે સ્ત્રીઓ આખા ઘરની સાફ-સફાઈમાં લાગી જાય છે. ઘરના સુશોભન માટેની વસ્તુઓ ખરીદે છે. ઘણી મહેનત અને ચીવટ રાખીને મીઠાઈઓ બનાવે છે. આ બધું જ કામ સ્ત્રીઓ હોંશે હોંશે કરે છે. દિવાળીના દિવસોમાં ઘરને દીવડા, મીણબત્તી અને લાઈટની સીરીઝ દ્વારા ઘરમાં રોશની કરે છે. ઘરના આંગણાને રંગોળીથી સજાવે છે. ઘરનાં બધા જ સભ્યો માટે નવાં વસ્ત્રોની ખરીદી કરાય છે. મોટાભાગે બાળકોને ત્રણ બાબતોમાં જ વધારે રસ હોય છે. તે છે નવાં કપડાં, મીઠાઈ અને ફટાકડા. દિવાળીમાં લોકો એકબીજાને શુભકામના પણ પાઠવે છે.
વેપારીઓ દિવાળીના દિવસે ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરીને લાભ પાંચમ સુધી પોતાના વેપાર-ધંધા બંધ રાખે છે અને લાભ પાંચમના દિવસે મુહૂર્ત કરે છે. દિવાળીના દિવસે વેપારીઓ પોતાનું વહી ખાતું બદલે છે તથા લાભ-નુકસાનની ગણતરી માટે સરવૈયું તૈયાર કરે છે. ભારતના કેટલાક પ્રદેશોમાં જુગાર રમવાની પ્રથા પણ છે. તેની પાછળનો મૂળ હેતુ આખા વર્ષના ભાગ્યની પરીક્ષા કરવાનો છે. લોકો જુગાર રમીને એ જાણે છે કે તેમનું આખું વર્ષ કેવું રહેશે. દિવાળી પાકીને તૈયાર થઈ ગયેલી ફસલની કાપણી કે લણણી કરવાનો તહેવાર પણ છે. ખેડૂત પોતાના પરિશ્રમનું ફળ ફસલના રૂપમાં મેળવીને આનંદ અને ઉલ્લાસ અનુભવે છે અને તહેવારની ઉજવણી કરે છે. એક રીતે અન્ન એ લક્ષ્મી દેવીનું જ એક રૂપ છે. તેથી દિવાળીની રાત્રિએ લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.
વિવિધ ધર્મ અને દિવાળી
* સીખ સમુદાયના લોકો અનેક કારણસર દિવાળીનો તહેવાર મનાવે છે. અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરનું નિર્માણ દિવાળીના દિવસે શરૂ થયું હતું. આ દિવસે તેમના છઠ્ઠા ગુરુ હરગોવિંદજીને ૫૨ હિન્દુ રાજાઓની સાથે કારાવાસમાંથી મુક્તિ મળી હતી અને તેઓ અમૃતસરના સુવર્ણ મંદિરમાં માથું ટેકવા ગયા હતા. જ્યાં અનેક દીવાઓ પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
* જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરે દિવાળીના દિવસે જ બિહારના પાવાપુરીમાં પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. મહાવીર-નિર્વાણ સંવત તેના બીજા દિવસે શરૂ થાય છે. તેથી અનેક પ્રદેશોમાં તેને વર્ષની શરૂઆત માનવામાં આવે છે. દીપોત્સવીનું વર્ણન પ્રાચીન જૈન ગ્રંથોમાં પણ જોવા મળે છે. કલ્પસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે મહાવીર-નિર્વાણની સાથે જે અન્તર્જ્યોતિ હંમેશાં માટે બુઝાઈ ગઈ છે, આવો આપણે તેની ક્ષતિપૂર્તિ માટે બહિર્જ્યોતિના પ્રતીક દીવા પ્રગટાવીએ.
* દીન-એ-ઈલાહીના પ્રવર્તક મુગલ સમ્રાટ અકબરના શાસનકાળમાં દૌલતખાનાની સામે ૪૦ ગજ ઊંચા વાંસ પર એક મોટો આકાશદીપ દિવાળીના દિવસે લટકાવવામાં આવતો હતો. બાદશાહ જહાંગીર પણ દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવતા હતા.
* મુગલ વંશના છેલ્લા સમ્રાટ બહાદુરશાહ ઝફર દિવાળીને તહેવારના રૂપમાં મનાવતા હતા અને આ અવસરે આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેતા હતા.
* શાહઆલમ દ્વિતીયના સમયમાં આખા શાહી મહેલને દીવાઓથી સજાવવામાં આવતો હતો તથા લાલ કિલ્લામાં આયોજિત કાર્યક્રમોમાં હિન્દુ-મુસલમાન બંને ભાગ લેતા હતા.
* બૌદ્ધ ધર્મના પ્રવર્તક ગૌતમ બુદ્ધના સમર્થકો તથા અનુયાયીઓએ ૨૫૦૦ વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધના સ્વાગતમાં હજારો-લાખો દીવાઓ પ્રગટાવીને દિવાળી મનાવી હતી.
દિવાળીનાં કેટલાંક રસપ્રદ તથ્ય
* મહાપ્રતાપી તથા દાનવીર રાજા બલિએ પોતાના બાહુબળથી ત્રણે લોક પર વિજય મેળવ્યો હતો, ત્યારે બલિથી ભયભીત દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપ ધારણ કરીને પ્રતાપી રાજા બલિ પાસે ત્રણ પગલાં પૃથ્વી દાનમા માંગી. મહાપ્રતાપી રાજા બલિ ભગવાન વિષ્ણુની ચાલાકી સમજી ગયા હોવા છતાં પણ યાચકને નિરાશ ન કર્યા અને ત્રણ પગ પૃથ્વી દાનમાં આપી દીધી. વિષ્ણુ ભગવાનનાં બે પગલાંમાં ત્રણે લોક આવી ગયાં, તેથી રાજા બલિએ ત્રીજું પગલું પોતાના માથા પર મૂકવા જણાવ્યું. રાજા બલિની દાનશીલતાથી પ્રભાવિત થઈને ભગવાન વિષ્ણુએ તેમને પાતાળલોકનું રાજ્ય આપી દીધું, સાથે એ આશ્વાસન પણ આપ્યું કે તેમની યાદમાં ભૂલોકવાસી દર વર્ષ દિવાળીનો તહેવાર ઊજવશે.
* શ્રીકૃષ્ણએ અત્યાચારી નર્કાસુરનો વધ દિવાળીના એક દિવસ પહેલાં નરક ચતુર્દશીના દિવસે કર્યો હતો. તેની ખુશીમાં બીજા દિવસ અમાસે ગોકુળવાસીઓએ દીવા પ્રગટાવીને ખુશીઓ મનાવી હતી.
* સમ્રાટ વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક દિવાળીના દિવસે થયો હતો. તેથી દીવા પ્રગટાવીને ઉત્સવ ઊજવવામાં આવ્યો હતો.
* ૫૦૦ ઈ.પૂર્વની મોહેન્જોદડોની સભ્યતાના મળેલા અવશેષોમાં મળેલી માટીની એક મૂર્તિ અનુસાર તે સમયે પણ દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવતો હતો. તે મૂર્તિમાં માતૃ-દેવીની બંને બાજુ પ્રગટાવેલા દીવા જોવા મળે છે.