Monday, October 10, 2011

બેન્કોએ ખોટી રીતે ઉધારેલી રકમ ૭ દિવસમાં જમા આપવી પડશે

નવી દિલ્હીતા. ૯
બેન્કિંગ વ્યવહારો સરળ બનાવવા બેન્કો દ્વારા સરળ નિયમો જાહેર કરાયા છે પણ બેન્કના ખાતેદારો દ્વારા એટીએમનો ઉપયોગ કરીને કરવામાં આવતા વ્યવહારોમાં દરરોજ થતા ગોટાળાએ ખાતેદારોની ઊંઘ હરામ કરી છે. દરરોજ અનેક ખાતેદારોનાં ખાતામાંથી એટીએમ મશીનમાં ખોટી રીતે રકમ ઉધારવામાં આવવાના કિસ્સા વધી ગયા છે. ગ્રાહકે પૈસા ઉપાડવા ટ્રાન્ઝેકશન કર્યું ન હોય તો પણ ટેક્નિકલ ખામીને કારણે તેનાં ખાતામાં જમા રહેલી રકમ અદ્ધર થવાની ફરિયાદો બેન્કોને મળી રહી છેઆવા સંજોગોમાં ખાતેદારનાં ખાતામાંથી ખોટી રીતે ઉધારેલી રકમ ૭ દિવસમાં જમા આપવા રિઝર્વ બેન્ક દ્વારા બેન્કોને આદેશ આપવામાં આવ્યો છેજો બેન્કો ૭ દિવસમાં આ રકમ જમા ન કરી શકે તો રોજના રૂ. ૧૦૦ લેખે તેણે ગ્રાહકને વળતર ચૂકવવાનું રહેશે.
·       ખાતેદારને રોજના રૂ. ૧૦૦ લેખે વળતર ચૂકવવાનું રહેશે
અગાઉ બેન્કોએ આવી રકમ ખાતેદારનાં ખાતામાં ૧૨ દિવસમાં જમા આપવાની રહેતી હતી પણ આ વર્ષે ૧ જુલાઈથી તેણે ૭ દિવસમાં આવી રકમ ખાતેદાર માગણી કરે કે ન કરે તો પણ જમા કરવાની રહેશે. બેન્કો માટે આ નિયમનો અમલ કરવા છેલ્લાં બે વર્ષથી ઠાગાઠૈયા કરવામાં આવતા હતા પણ હવે આ મામલે રિઝર્વ બેન્ક દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
બેન્કિંગ ઓમ્બુડ્સમેન દ્વારા તાજેતરમાં આવો એક ઉદાહરણીય કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં ગ્રાહકે એટીએમમાંથી રૂ. ૫૦૦ ઉપાડયા હતા પણ એટીએમમાંથી તેને માત્ર રૂ. ૪૦૦ જ મળ્યા હતાબેન્કે તેનાં ખાતામાંથી રૂ. ૫૦૦ની રકમ ઉધારી હતી અને આ રકમ જમા કરવાને  માટે પાંચ અઠવાડિયાનો સમય લીધો હતો. આ કિસ્સામાં બેન્કે બે નિયમોનો ભંગ કર્યો હતો. પહેલાં એ કે બેન્કે નિશ્ચિત સમયમાં રકમ જમા આપી નહોતી અને બીજું એ કે ગ્રાહકને વળતર ચૂકવાયું નહોતું. આ કેસમાં ગ્રાહકે રૂ. ૧૬,૨૦૦નું વળતર મેળવવા ઓમ્બુડ્સમેનનો સંપર્ક સાધ્યો હતો. કેટલાક કિસ્સામાં ગ્રાહકોને વળતર પેટે રૂ. ૫૦,૦૦૦ ચૂકવવાના થતા હતા.
આવા કિસ્સાઓમાં રિઝર્વ બેન્ક ગ્રાહકોને રાઈટ્સ ઓફ ઈન્ફર્મેશન હેઠળ છ મુદ્દાઓનાં જવાબ આપવા બંધાયેલી છે જેમાં (૧)એટીએમનાં ખોટા વ્યવહારો અને ખોટી ડેબિટ માટે બેન્કોને મળેલી ફરિયાદોની સંખ્યા દર્શાવવી, (૨) ખોટી ડેબિટ એન્ટ્રી જમા આપવા બેન્કે કેટલો સમય લીધો, (૩) નિયત સમયમાં કેટલી ફરિયાદોનો ઉકેલ ન આવ્યો અને કેટલું વળતર ચૂકવાયું, (૪) બેન્કોએ સ્વેચ્છાએ કેટલું વળતર ચૂક્વ્યુ અને ઓમ્બુડ્સમેને દરમિયાનગીરી કરીને કેટલું વળતર ચૂકવ્યુ, (૫) નિયમોનું પાલન નહીં કરનાર બેન્કોને રિઝર્વ બેન્કે કેટલો દંડ કર્યો, (૬) આ મામલે ક્વાર્ટરલી રિપોર્ટ રજૂ નહીં કરનાર બેન્કો સામે આરબીઆઈએ કેવાં પગલાં લીધાં.