
નવી દિલ્હી, તા.૬
હવે વીમા પ્રીમિયમની રૂ. ૫૦,૦૦૦થી વધુ રકમની રોકડ ચુકવણી માટે વીમા નિયમનકારી સત્તામંડળે ‘પાન’ નંબર દર્શાવવો ફરજિયાત બનાવ્યો છે. ઈરડાની આ હિલચાલનો હેતુ પૈસાનું પગેરું શોધવાનો છે. ઈરડાએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, વીમા પ્રીમિયમની ચુકવણી માટેના પૈસા ક્યાંથી આવ્યા તેની ચોક્કસ ભાળ મેળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવો નિયમ ૧ નવેમ્બરથી અમલમાં આવશે.
આમ હવે રૂ. ૫૦,૦૦૦ કે તેથી વધુ રકમની પ્રીમિયમની રોકડ ચુકવણી કે ડિપોઝિટ માટે નાણાંની રોકડ ચુકવણી માટે ગ્રાહકોએ પાન નંબર ફરજિયાતપણે દર્શાવવાનો રહેશે. નવો નિયમ અમલી બનાવવાનો હેતુ વીમા ક્ષેત્રે મની લૉન્ડરિંગને રોકવાનો અને ટેરર ફાયનાન્સિંગનું દૂષણ રોકવાનો છે.
ઈરડાના જણાવ્યા મુજબ કરદાતાઓને આપવામાં આવેલા પરમેનન્ટ એકાઉન્ટ નંબર(પાન)ની વિગતો ચકાસવાની જવાબદારી વીમા કંપનીની રહેશે. ટેરર ફાયનાન્સિંગ રોકવા માટે પ્રીમિયમની ચુકવણી કરનાર વ્યક્તિ કે સંસ્થાનાં નાણાંના સ્ત્રોતોની વિગતો મેળવવી જરૂરી બની છે.
રૂ. ૧૦ લાખથી વધુ રકમના દરેક રોકડ વ્યવહારો અને દર મહિને રૂ. ૧૦ લાખથી વધુ રકમના સંકલિત રોકડ વ્યવહારોની જાણ પછીના દરેક મહિનાની ૧૫મી તારીખ સુધીમાં ફાયનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટ-ઈન્ડિયાને કરવાની રહેશે. પાનની વિગતો છુપાવવાના તમામ પ્રયાસો અટકાવવા અને પાન નંબરની ખાતરી કરવા વીમા કંપનીઓએ યોગ્ય વ્યવસ્થાતંત્ર રચવાનું રહેશે.
- પૈસાનું પગેરું શોધવાનો અને ટેરર ફંડિંગ રોકવાનો ઈરડાનો ઇરાદો