Tuesday, October 4, 2011

બ્રિટનમાં વિદેશી ડોક્ટરો માટે ઈંગ્લિશ ટેસ્ટ ફરજિયાત


લંડનતા.૪
બ્રિટનમાં મેડિકલ ક્ષેત્રે કરિયર બનાવવા ઇચ્છતા તબીબોએ હવે ફરજિયાતપણે અંગ્રેજી ભાષાની ટેસ્ટ આપવી પડશે. ભારતીય ડોક્ટરો સહિત તમામ વિદેશી તબીબોએ અંગ્રેજી ભાષા બોલવામાં તેઓ પ્રભુત્વ ધરાવે છે,તેવી ટેસ્ટ આપવી પડશે. બ્રિટનમાં મેડિકલ ક્ષેત્રે કામ કરવા માટે તેમજ નેશનલ હેલ્થ ર્સિવસમાં ફરજ બજાવવા માટે આ કસોટીમાં પાસ થવું તેમના માટે ફરજિયાત રહેશે.
વિદેશી ડોક્ટરોએ તેઓ અંગ્રેજી ભાષા સારી રીતે બોલી શકે છે તેવું પુરવાર કરવું પડશે. જનરલ મેડિકલ કાઉન્સિલને પણ આ અંગે યોગ્ય પગલાં લેવા સત્તા આપવામાં આવશે. ડોક્ટરો અંગ્રેજી ભાષા સારી રીતે બોલી શકે છે કે કેમ તે માટે બ્રિટિશરોને પણ રસ છે. ભાષા પર પ્રભુત્વ ધરાવવા માટેના નિયમો કડક બનાવવા લેબર પાર્ટી દ્વારા ૧૩ વર્ષ સુધી નિષ્ક્રિયતા દર્શાવવામાં આવી હતી. યુકે સરકાર હવે ઈંગ્લેન્ડમાં અંગ્રેજી પર નબળું પ્રભુત્વ ધરાવતા વિદેશી ડોક્ટરોને મેડિકલ સેવાઓ આપતા રોકવા માટે કડક કાયદો લાવવા સક્રિય બની છે.
  • અંગ્રેજી ભાષા બોલવામાં પ્રભુત્વ હોવું અનિવાર્ય
યુકેના આરોગ્ય પ્રધાન એન્ડ્ર્યુ લેન્સલીએ જણાવ્યું હતું કેવિદેશી ડોક્ટરો જો અંગ્રેજી ભાષા કુશળતાપૂર્વક બોલી શકતા હશે તો જ તેઓ દર્દીઓની સારવાર કરી શકશે.
આમ હવે બ્રિટનમાં એવા ડોક્ટરો જ દર્દીઓની સારવાર કરી શકશે કે જેઓ પરસ્પર એકબીજાની ભાષા બોલી શકતા હશે અને પરસ્પર સરળતાથી વાતચીત કરી શકતા હશે. હોસ્પિટલો તેમજ ક્લિનિક્સમાં સારવાર અને સર્જરી માટે આવનારા દર્દીઓની મુશ્કેલીઓ વિદેશી તબીબો સમજી શકતા નહીં હોવાની ફરિયાદ પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે આવા ૧૫૦૦ જેટલા વિદેશી ડોક્ટરો બ્રિટનમાં જનરલ પ્રેક્ટિસ કરતા હતા. જેમની અંગ્રેજીની ટેસ્ટ લેવાઈ નહોતી.