| |

માર્ગદર્શન દરેક ક્ષેત્રના કામકાજ માટે આજે અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી છે. જો તમે એકથી વધુ ભાષા જાણતા હો તો કારકિર્દીનો રસ્તો ઘણો સરળ બને છે. કોઈ પણ ભાષાને સારી રીતે શીખવા માટે તે ભાષાને સાંભળવી, બોલવી, વાંચવી અને લખવી જરૂરી છે. કોઈ ભાષા શીખવા માટે તેને શીખવાનું પુસ્તક વાંચવાથી કે કોર્સ કરવાથી કામ પૂર્ણ થતું નથી. તેના માટે જે-તે ભાષા શીખવા માટેનુ વાતાવરણ ઊભું કરીને તેનો સતત મહાવરો કરતાં રહેવું જોઈએ. અંગ્રેજી ભાષા શીખવાના કેટલાંક સરળ ઉપાયો અહીં તમારા માટે પ્રસ્તુત છે.
ભાષા બોલવા માટેનું વાતાવરણ
અંગ્રેજી આપણી બોલચાલની ભાષામાં વપરાતી નથી, એટલે તેના માટેનું વાતાવરણ ઊભું કરવું મુશ્કેલ છે. જોકે સારું અંગ્રેજી શીખવા માટે અંગ્રેજી શીખનારનું એક ગ્રૂપ બનાવીને તેના માટેનું વાતાવરણ તૈયાર કરી શકાય. સૌથી પહેલાં ત્રીજાથી પાંચમા ધોરણ સુધીના અંગ્રેજી ભાષાનાં પુસ્તકોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. ટીવીમાં કોઈ બિનજરૂરી પ્રોગ્રામ જોવાને બદલે અંગ્રેજીમાં આવતા સમાચાર જોવાનું રાખો. ભલે તે જોઈ કે સાંભળીને તમને વાત ન સંભળાય, પરંતુ કોઈ લાઈવ ઘટના જોવાથી અને સાંભળવાથી ધીરે-ધીરે બધું સમજાતું જશે. શરૂઆતમાં ભલે પાંચ ટકા જ સમજાય પરંતુ જોતજોતામાં પચાસ ટકા સુધી પહોંચતા વાર નહીં લાગે. આમ અંગ્રેજી શીખવાની કેટલીક મુશ્કેલીઓ અહીં જ દૂર થઈ જશે.
આવી જ રીતે રેડિયો પરના અંગ્રેજી સમાચાર કે કાર્યક્રમ સાંભળવાનું રાખો. એક વસ્તુ અહીં ખાસ ધ્યાનમાં રાખો કે ભાષા શીખવા માટેની શરૂઆત પ્રથમ જે તે ભાષાને સાંભળવાથી થાય છે. ગુજરાતી કે હિન્દી ભાષામાં સમાચાર જોયા કે સાંભળ્યા પછી તરત જ તે સમાચાર જો અંગ્રેજી ભાષામાં જોવામાં આવે તો ખૂબ જ ઝડપથી અંગ્રેજી શીખી શકાય છે.
બોલવાનો પ્રયત્ન કરો જે કંઈ બાબત તમે જોયેલી કે સાંભળી હોય તેને ઘરે આવીને એક અલગ રૂમમાં જાતે બોલવાનો પ્રયત્ન કરો. નાનાં-નાનાં વાક્યોને નોટબૂકમાં નોંધી રાખો અને તેને વારંવાર દોહરાવતા રહો. વાક્યોમાં રહેલાં નામોની ફેરબદલી કરીને પોતાના કુટુંબના સભ્યોને મૂકીને તેને દોહરાવતાં રહો. એ વાત ખાસ ધ્યાનમાં રાખો કે કોઈ પણ ભાષાને પ્રથમ બોલતાં શીખવી જોઈએ અને ત્યાર બાદ જ લખતાં અથવા વાંચતા શીખી શકાય છે.
શબ્દભંડોળ વધારો એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે કોઈ ભાષાને સારી રીતે જાણવા માટે તેના શબ્દોનું જ્ઞાન હોવું જરૂરી છે. જો સતત છાપા કે ટીવીનો મહાવરો રાખવામાં આવે તો નવા-નવા શબ્દોનો પરિચય મળી રહે છે. જેટલું શબ્દભંડોળ વધારે હશે, ભાષા પર તેટલી જ સારી પકડ આવશે. માત્ર શબ્દોને જાણવાથી ભાષાને શીખી શકાતી નથી. તેના માટે શબ્દની ઊંડાઈ પણ તેટલી જ મહત્ત્વની હોય છે. એટલે જે કંઈ નવો શબ્દ સાંભળવા મળે કે તેના સાચા અર્થને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેના માટે ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાની ડિક્શનરી તમારી પાસે હોવી જોઈએ. એટલે જે શબ્દનો ચોક્કસ અર્થ અને તેનો સંપૂર્ણ સંદર્ભ મળી રહે. એક શબ્દના ઘણાં બધાં અર્થ થતાં હોય છે માટે શબ્દ કોશમાં આપેલા દરેક અર્થને જાણો અને વાક્યમાં તેનો ક્યાં પ્રયોગ કરવામાં આવે છે તેની વિગત નોંધી રાખો. રોજ નવા-નવા શબ્દો આવતાં રહે છે. તેથી જનરલ નોલેજથી પણ પરિચિત રહો.
વ્યાકરણનો સાથ-સહકાર જરૂરી
નવેસરથી કોઈ ભાષા શીખવી હોય તો તેના માટે વ્યાકરણ એટલે કે ગ્રામરનું જ્ઞાન હોવું ખાસ જરૂરી છે. વ્યાકરણમાં જો સારી પકડ હશે તો શબ્દોને ક્યાં અને કેવી રીતે પ્રયોજવા તેની સમજણ આપોઆપ આવી જશે.
કોઈ વ્યક્તિ ફાંકડું અંગ્રેજી બોલતી હોય તો તેનું વ્યાકરણ પણ સારું હશે તેવું માની લેવું ભૂલભરેલું છે. જેમ કે આપણને ગુજરાતી કે હિન્દી ભાષા બોલતા આવડતી હોય તો તેનો અર્થ એ નથી કે આપણને ગુજરાતી અને હિન્દી ભાષાનું વ્યાકરણ સારી રીતે આવડે છે. વ્યાકરણથી ભાષાનો પાયો મજબૂત થાય છે અને શબ્દોને પ્રયોજવાની નવી-નવી રીતોની જાણકારી જાતે પણ મળી રહે છે. માટે વ્યાકરણનો પાયો મજબૂત હોય તે જરૂરી છે.
ખિસ્સામાં શબ્દકોષ રાખો
ભાષાને સારી રીતે અને એકદમ પરફેક્ટ શીખવી હોય તો ખિસ્સામાં પોકેટ ડિક્શનરી હોવી ખાસ જરૂરી છે.
એટલે કે નવો શબ્દ સાંભળ્યો કે તેના અર્થને જાણવાનો આગ્રહ રાખો. મુસાફરી કે પ્રવાસ દરમિયાન અંગ્રેજી ભાષા જાણનાર પાસે ડિક્શનરી હોવી સારી બાબત છે. એટલે સમય મળે કે તરત કોઈ પુસ્તક વાંચતા હો તે રીતે શબ્દકોશ ખોલીને બેસી શકાય છે.
અંગ્રેજી ભાષાનું મહત્ત્વ વધી રહ્યું છે ત્યારે તેને શીખવી અનિવાર્ય છે અને તે પણ એટલું સાચું કે આપણને ગુજરાતી ભાષાનું જ્ઞાન પણ એટલું જ હોવું જોઈએ.
કારણ કે બીજી ભાષા પર ત્યારે જ પકડ આવે જ્યારે તમે પોતાની ભાષામાં માહેર હો. એટલે જેટલું ગુજરાતી ભાષા પર પ્રભુત્વ હશે તેટલું અંગ્રેજી ઊંડાણપૂર્વક અને ચોક્કસ શીખી શકાશે |
|
|