નવીદિલ્હી, તા. ૫
વણજોઈતા કોલ અને એસએમએસને અટકાવવાના મુદે ઘણાં વખતથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આણતાં એક પગલાંમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ ૨૭ સપ્ટેમ્બરથી આ તમામ પર પ્રતિબંધ મુકી દીધો છે. જેના કારણે કરોડો મોબાઇલધારકોને રાહત મળશે.
ટ્રાઇએ કહ્યું છે કે, અગાઉ ‘ડૂ નોટ કોલ રજિસ્ટ્રી’ તરીકે ઓળખાતાં નેશનલ કસ્ટમર પ્રેફરન્સ રજિસ્ટ્રી (એનસીપીઆર)માં નોંધણી કરાવી ચૂકેલા તમામ ગ્રાહકોને તમામ પ્રકારનાં વ્યાપારી સંદેશાવ્યવહારમાંથી રાહત મળી જશે. તેણે ટેલિમાર્કેટિંગ કોલ્સ માટે બેંકિંગ એન્ડ ફાયનાન્સિયલ ર્સિવસિઝ, રીઅલ એસ્ટેટ, શિક્ષણ, આરોગ્ય, ગ્રાહકલક્ષી ચીજો, ઓટોમોબાઇલ્સ, કોમ્યુનિકેશન એન્ડ એન્ટરટેઇન્મેન્ટ, ટુરિઝ્મ એન્ડ લીઝર એમ સાત કેટેગરી નક્કી કરી છે. તેની સાથે સંબંધિત ધારાધોરણોમાં સુધારો કરવામાં આવી ચૂક્યો છે. આ ધારાધોરણો હવે ૨૭ સપ્ટેમ્બરથી અમલી બનાવવામાં આવશે.
· કરોડો મોબાઇલધારકોને રાહત
ટ્રાઈએ જણાવ્યું છે કે, ટેલિમાર્કેટર્સની ૧૪૦ નંબરની સિરીઝ આપવામાં આવી છે. ઓપરેટરોએ બંને મોબાઈલ અને ફિક્સ લાઈન નેટવર્ક પરથી ૧૪૦ નંબરની સિરીઝનો ઉપયોગ કરતાં ટેલિમાર્કેટર્સને સંશાધનોની ફાળવણી કરતાં પહેલાં તેમના નેટવર્કમાં સંબંધિત જોગવાઇઓ દાખલ કરવી પડશે.
ગયા વર્ષે ટ્રાઈએ એનસીપીઆર હેઠળ નોંધવામાં આવેલા ગ્રાહકને વણજોઈતા કોલ અથવા તો એસએમએસ કરવા બદલ તેની માર્કેટિંગ કંપની ઉપર ૨.૫ લાખ રૂપિયાનો મહત્તમ દંડ કરવાની ભલામણ કરી હતી. ગ્રાહકોને ખુલ્લી બ્લોક્ડ કેટેગરી હેઠળ પસંદગી કરવાનો વિકલ્પ મળી રહેશે જેમાં ડુ નોટ કોલ રજિસ્ટ્રીનો ઉપયોગ કરવો પડશે, જો કોઈ ગ્રાહક આંશિક બ્લોક્ડ કેટેગરીનો ઉપયોગ કરે છે તો તેમને તેમના દ્વારા પસંદ કરવામાં આવેલી કેટેગરીમાં SMS મળતા રહેશે.
ગયા વર્ષે રેગ્યુલેટરીએ તમામ કોલ અને એસએમએસનાં દૂષણને રોકવા ભલામણ કરી હતી. પરંતુ ઓળખી કાઢવામાં આવેલા નંબરની સિરીઝની ગેરહાજરીમાં આ માર્ગર્દિશકા અમલી બનાવી શકાઈ ન હતી. એક સત્તાવાર નિવેદન મુજબ, ૨૫ ઓગસ્ટ સુધી ૧૩ કરોડથી વધુ મોબાઇલધારકોએ રાષ્ટ્રીય ડૂ નોટ કોલ રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી છે.