
સમયાંતર - લલિત ખંભાયતા
ચોમાસું આપણને બધાને આવજો કહેવાની તૈયારી કરી રહ્યું છે. ગમે તે ઘડીએ તેની વિદાય નિશ્ચિત છે, ત્યારે કેટલીક ઝરમર તો કેટલીક ધોધમાર વાતો..
વરસાદના ૧૨ પ્રકાર બારે મેઘ ક્યારે ખાંગા થાય?
લોકબોલીમાં બારે મેઘ ખાંગા થયા એમ તો વારંવાર સંભળાય પણ હકીકતમાં બારે મેઘ ખાંગા થવા એટલે શું? વરસાદના બાર પ્રકાર કયા છે?
ફરફર
આકાશમાં હજુ વાદળોના થર પર થર જામ્યા ન હોય, થોડો થોડો તડકો પણ રેલાતો હોય અને પવન સાથે છાંટા ખરવાના શરૂ થાય એટલે સમજવું કે આ ફરફર કહેવાતો વરસાદ છે. ક્યાંક તેને ઝાણ પણ કહેવાય છે.
છાંટા
વરસાદ પડે ત્યારે ચામડી પર હળવેકથી કંઈક ખર્યું હોવાનો અનુભવ થાય તો સમજવું કે એ છે છાંટો.
ફોરાં
છાંટા જ પડતા હોય પણ તેની અસર મોટી થતી જાય. હાથ પર છાંટો પડે અને તેનું ચકામું મોટું થાય તો એ ફોરાં સમજવો.
કરા
વરસાદ પાણી ન રહેતા બરફમાં ફેરવાઈ જાય ત્યારે એ થયો કરા વરસાદ. મોટે ભાગે પવન સાથે આવતા કરા ઈજા કરવા સક્ષમ હોય છે.
પછેડિયો
ગામડામાં વરસાદ વખતે ખેડૂતો પછેડી ઓઢીને પોતાના શરીરને રક્ષતા હોય એવું દૃશ્ય જોયું છે? જો જોયું હોય તો એ વરસાદ એટલે જ પછેડિયો વરસાદ. ટૂંકમાં પછેડી ઓઢવાથી રક્ષણ મળી શકે એવો વરસાદ.
નેવાંધાર
વરસાદની આક્રમકતા વધે ત્યારે ગામડામાં નળિયાંવાળા મકાનનાં નેવાં (નેવાંમાં સમજોને ડાયરો? નળિયાંનો ઢાળ જ્યાં ઓસરી પાસે પૂરો થાય એ સરહદ) પરથી પાણી વહેતું થાય એ નેવાંધાર. શહેરમાં નળિયાંવાળાં તો નહીં પણ પતરાનાં નેવાં જોવા મળી જાય!
મોલિયો
નામ પ્રમાણે જ ખેતરમાં ઊભેલી મોલાતને ધરવ થાય એવો વરસાદ એટલે મોલિયો ટૂંકમાં એવો વરસાદ કે જેનાથી ખેડૂતો નિરાંત જીવે ખેતી કરી શકે અને તેમનું (સરવાળે આખા દેશનું) વરસ સુધરી જાય.
ઢેફાંભાંગ
ઢેફાં એટલે શું એ ખબર હોય એ બધા જ આ વરસાદનો મતલબ પામી ગયા હશે. ખેતરમાં માટીના ગઠ્ઠા હોય એ જ ઢેફાં. આ ઢેફાં ભાંગવા માંડે એવો બળુકો વરસાદ એટલે ઢેફાંભાગ.
અરધિયો
અત્યાર સુધીના બધા વરસાદ ચોમાસા પૂરતા મર્યાદિત હતા. હવે એવો વરસાદ કે જે ચોમાસું પૂરું થાય તો પણ અસરકારક રહે. અરધિયો એટલે એવો વરસાદ કે જેમાં કૂવાનું પાણી ઉપર આવે અને કૂવા અડધે સુધી ભરાઈ જાય.
અનરાધાર
વરસાદમાં ઘણી વખત દૂર સુધી જોઈ શકાતું નથી. નજરને ટૂંકાવી દે એવો વરસાદ એટલે અનરાધાર, જે વાતાવરણને થોડા અંશે અંધારિયું બનાવી દે!
સાંબેલાધાર
સાંબેલાધાર એ અનરાધાર વરસાદનું વધારે આક્રમક સ્વરૂપ છે. અનરાધારમાં દૂર સુધીનું ન દેખાય તો વળી સાંબેલાધારમાં નજીકનું પણ દૃશ્ય જોવું મુશ્કેલ થાય! તેના માટે મૂશળધાર કે સૂપડાંધાર જેવા શબ્દો પણ વપરાય છે.
હેલી
સતત અઠવાડિયા કે ચાર-પાંચ દિવસ સુધી વરસાદ વરસતો રહે, તડકો દુર્લભ બને અને ચારે બાજુ પાણી છવાય એ વરસાદ એટલે હેલી.
બારે મેઘ ખાંગા
આ બારેય પ્રકારના વરસાદ એક સાથે પડવાના શરૂ થાય તો કહેવું પડે કે હવે તો બારે મેઘ ખાંગા થયા! જોકે એવા પ્રસંગો ભાગ્યે જ આવતાં હોય છે...
ચીલીના એક ગામમાં ઝાકળમાંથી મળે છે પાણી!
જગતના સૌથી સુક્કા પ્રદેશ તરીકેનો વિક્રમ ચીલીનું અત્તકામા રણ ભોગવે છે. ચીલીમાં વરસાદની બહુ અછત છે. રણમાં છેલ્લી ચાર સદીથી વરસાદ નથી પડયો તો દેશના કેટલાક ભાગોમાં પણ પાણી દુર્લભ છે. પણ પાણી વગર જીવવું કેમ? આપણે ત્યાં ચોમાસામાં દૂર દૂરથી પાણી લાવવું પડે એમ પર્વતની ટોચે આવેલા ચીલીના ચુંગુંગો ગામે પણ પાણીની ભારે ખેંચતાણ! ત્યાંના રહેવાસીઓએ આ તંગીનો અજબ તોડ શોધી કાઢયો છે. એ લોકો ઝાકળમાંથી પાણી બનાવે છે! કેવી રીતે?
પર્વતીય વિસ્તાર છે એટલે ઝાકળની તો કમી હોય નહીં અને ઝાકળ પાણીની બનેલી હોય એ પણ જાણીતી વાત છે. અહીંના લોકોએ ગામના છેડે આવેલી ઊંચી ટેકરીઓ પર વિશાળ ઝાકળ અવરોધક પડદા લગાવી દીધા છે. પડદા નીચે પાણી એકઠું કરતાં પાત્રો પણ ફીટ કર્યાં છે. ઝાકળ આ પડદા સાથે અથડાય, તેમાંથી પાણી અલગ પડી પડદા સાથે નીતરી નીચે ધોરિયા જેવા પાત્ર કે પાઈપલાઈન કે જે વ્યવસ્થા હોય તેમાં એકઠું થાય. એ રીતે સંખ્યાબંધ પડદાનું પાણી ભેગું થઈ ટાંકીમાં સંગ્રહાય. ટાંકીમાંથી પાણીનો ગામલોકો વપરાશ કરે!
આ આઈડિયા ક્યાંથી આવ્યો? વર્ષો પહેલાં જંગલમાં રખડતા એક જંગલ અધિકારીએ કરોળિયાના ઝાળામાં પાણીનાં ટીપાં બાઝેલાં જોયાં ત્યારે જ એને વિચાર આવ્યો કે આ રીતે આપણે પણ પાણી ભેગું કર્યું હોય તો! એ આઈડિયાએ આજે ગામની સિકલસૂરત બદલી નાખી છે. હવે ગામમાં પાણીની અછત નથી. લગભગ સાડા ચારસો ચોરસ ફીટની ૭૫ કરતાં વધારે ઝાળીઓ જ ગામની પાણીની જરૂર પૂરી કરે છે. હવે સરકારે આ ગામને પીવાનું પાણી પહોંચાડવા ટેન્કરો દોડાવવાં પડતાં નથી. ૧૯૯૩ પહેલાં ગામ સરકારી પાણી પર નભતું હતું પણ હવે પોતે જ ‘પાણિયારું’ સાબિત થયું છે.
ચીલીમાંથી પ્રેરણા લઈ હવે યમન, હૈતી, ગ્વાલેમાટા અને નેપાળમાં પણ આ રીતે ઝાકળમાંથી પાણી કાઢવાના પ્રોજેક્ટ શરૂ થયા છે. જોકે વિજ્ઞાનીઓએ વિશ્વભરના વાતાવરણનો અભ્યાસ કરી ૨૫ દેશોનાં ૪૭ સ્થળો અલગ તારવી આપ્યાં છે, કે જ્યાં ફોગ (ઝાકળ) દ્વારા પાણી મળી શકે એમ છે.
હેન્ડસ ફ્રી બનાવતો રેઈનકોટ
૨૩ની વાત છે. યુરોપીયન દેશ સ્કોટલેન્ડનું વાતાવરણ કંઈક એવું કે ત્યાં બારેમાસ વરસાદ પડતો રહે. વરસાદથી બચવા છત્રીની શોધ તો થઈ ચૂકેલી પણ રેઈનકોટ અને છત્રીમાં ફરક તો ખરો ને. રેઈનકોટ ચડાવ્યો હોય તો બન્ને હાથ ફ્રી રહે. છત્રીમાં એવો હેન્ડસફ્રીનો લાભ મળે નહીં. અલબત્ત, આજે સરખામણી થઈ શકે છે, પણ આપણે વાત કરવાની છે રેઈનકોટના જન્મની.
સ્કોટલેન્ડનો રહેવાસી આર્કિટેક્ટ કમ રસાયણશાસ્ત્રી ચાર્લ્સ મેકિન્ટોશ (નીચેની તસવીર) રોજ જુએ કે ઘોડાગાડી, ઘોડાથી ચાલતી બસો વગેરેની મુસાફરી વખતે છત્રી પકડી રાખવી અગવડદાયક હતી. છત્રીનો વિકલ્પ શોધવાની મથામણ તેના મગજમાં દિવસોથી ચાલતી હતી. એક દિવસ તેણે રબ્બરનું આછું પડ તૈયાર કર્યું. કાપડના બે તાકા વચ્ચે એ રબ્બરના પડને સીવી લઈ વોટરપ્રૂફ કપડું તૈયાર કર્યું. પણ એ રેઈનકોટ ચાલ્યો નહીં, કેમ કે રબ્બરની ગંધ સહન કરવા સ્કોટિશ પ્રજા તૈયાર ન હતી. વળી રબ્બર પાણી પડે ત્યારે શરીર સાથે ચોંટવા લાગતું હતું. રેઈનકોટ સર્જવાનો તેનો પહેલો પ્રયાસ તો ફેઈલ ગયો. ત્યાં સુધીમાં એ વોટરપ્રૂફ કપડાં બનાવવાની પેટન્ટ લઈ ચૂક્યો હતો.
રબ્બર અને કપડાનું મિશ્રણ ભ્રષ્ટ્રાચાર વગરના નેતા શોધવા જેવું મુશ્કેલ કામ સાબિત થતું હતું. એટલે મેકિન્ટોશે રબ્બરનાં જ વસ્ત્રો તૈયાર કરવાનું નક્કી કર્યું. રબ્બરનું આછું પડ ભેગું કરી તેણે લાંબો કોટ સિવડાવ્યો. રબ્બર ગંધાવાની સમસ્યા તો એમાં પણ હતી. તો પણ એ કોટ થોડો યુઝર ફ્રેન્ડલી હતો. એ પહેરીને મેકિન્ટોશ પોતે જ ગામમાં લટાર મારવા નીકળ્યો. લોકો કુતૂહલથી જોવા લાગ્યા. રબ્બરની વાસ આવતી હતી એટલે કેટલાક તો તેનાથી દૂર ભાગ્યા. એ ભાઈ બસમાં ચડવા ગયા તો કન્ડક્ટરે આવા ગંધાતા વેશે અંદર ઘૂસવાની મનાઈ ફરમાવી દીધી. મેકિન્ટોશનો આઈડિયા ચાલ્યો નહીં અને ત્યાં સુધીમાં વરસાદની સિઝન જતી રહી. ગરમીમાં કોટ ભુલી જવાયો. ફરી વરસાદ પડયો ત્યાં સુધીમાં કોટનું રબ્બર ઓગળી ચૂક્યું હતું. ૧૮૪૪માં વળી સંશોધક જહોન હેનકોકે વલ્કેનાઈઝિંગ નામની પ્રક્રિયા શોધી કાઢી. એ પ્રક્રિયામાં રબ્બર અને કાપડનું મિશ્રણ થઈ શકતું હતું. આજે જોવા મળે એ બધા જ રેઈનકોટ વલ્કેનાઈઝિંગના કારણે જ વપરાશ ફ્રેન્ડલી હોય છે. જોકે તેમની શોધ અને મેકિન્ટોશની શોધ વચ્ચે પેટન્ટનો વિવાદ પણ થયો. બાદમાં હેનકોકનું જ ચલણ વધ્યું અને એક સમયે તેમની કંપની જગતની સૌથી મોટી રબ્બર ઉત્પાદક કંપની બની. તેમની શોધ વધારે મહત્ત્વની હતી. વલ્કેનાઇઝિંગ પછી રબ્બરના શૂઝ, ઓશિકાં, ટયૂબ, પેકિંગ મટીરિયલ વગેરે સહિત અનેક સામગ્રી બનાવવામાં ઉપયોગ થવા લાગ્યો.
આ જોકે આધુનિક રેઈનકોટની વાત થઈ. વરસાદ સામે રક્ષણ માટે પ્લાસ્ટિકનો વર્ષોથી વપરાશ થતો આવ્યો છે. અમેરિકનો ૧૬મી સદીમાં દક્ષિણ અમેરિકા પહોંચ્યા ત્યારે ત્યાંના આદિવાસીઓ ‘રેઈનકોટ’નો વપરાશ કરતાં જોવા મળ્યા હતા! અલબત્ત, એ રેઈનકોટ એટલે આજના જેવો સીવેલો કોટ નહીં પણ રબ્બરના ઝાડની છાલ!
વેનેઝુએલામાં ખારો વરસાદ!
કાળઝાળ ઉનાળા બાદ આપણે ત્યાં વરસાદ પડે એટલે આપણને બહુ રાહત થાય. પહેલા વરસાદમાં પલળવાની પણ કંઈક અલગ મજા છે. જોકે દક્ષિણ અમેરિકા ખંડના દેશ વેનેઝૂએલાના રહેવાસીઓ પહેલા અને ઘણી વખત બીજા કે ત્રીજા વરસાદ સુધી રાહત અનુભવતા નથી. પાણીમાં મીઠું નાખીને ઓગાળ્યું હોય એવો ખારો વરસાદ વેનેઝુએલામાં ચોમાસાનું ઓપનિંગ કરે છે. એમાં કોઈ ચમત્કાર નથી. બને એવું કે વેનેઝુએલાનું વાતાવરણ ડિસેમ્બરથી એપ્રિલ વચ્ચે એકદમ સુક્કું હોય છે. એ વખતે દરિયા પરથી આવતો પવન મીઠું, જિપ્સમ વગેરે ધાતુના કણો હવામાં ચડાવી દે છે. એ કણો થોડા સમય માટે હવાના જ મહેમાન બને છે. મહિનાઓ વીતે એમ હવામાન પરિર્વિતત થાય છે. મે મહિનો આવે એટલે વરસાદની સિઝન આરંભાય. એ વખતે આકાશમાંથી વરસતું પાણી રસ્તામાં કોઈને લિફ્ટ આપી હોય એમ હવામાંથી પેલા ખારા કણોને જમીન પર લેતું આવે છે. પરિણામ? શરૂઆતી વરસાદ ખારો લાગે! વરસાદની શરૂઆતમાં થોડો સમય આવું થાય. પછી તો હવામાંથી કણો સાફ થઈ જાય એટલે રાબેતા મુજબ વરસાદ પડવા માંડે. પણ પહેલા વરસાદનું પાણી જ્યાં પડે ત્યાં ત્યાં મીઠાના કણો બાઝી જાય એવાં દૃશ્યો ઠેર ઠેર જોવા મળી જાય.
ચોમાસામાં જીવાત ક્યાંથી આવે છે?
ચોમાસામાં ખાસ તો પાંખોવાળાં જીવડાં લોહી પી જતા હોવાની બધાંની ફરિયાદ હોય છે. ઘરમાં લાઈટ ચાલુ કરી નથી કે આવાં જીવડાંનું સંમેલન ભરાયું નથી. આ જીવડાં હકીકતમાં મંકોડા અથવા કીડી જ છે અને ચોમાસા પૂરતી તેમને કામચલાઉ પાંખો ફૂટતી હોય છે. મતલબ કે ચોમાસા પછી એ જીવડાં પાંખો વગર આપણી સામે જ હોય તો પણ આપણે ઓળખી શકતા નથી. કોઈ સાધુ ચાર વર્ષે આવતા કુંભમેળામાં પોતાના જાતભાઈઓને મળવા થનગનતા હોય એમ ચોમાસું એ આ જીવડાં માટે કુંભમેળો છે. બને એવું કે ચોમાસા સિવાય આ સજીવો એકબીજા સાથે ભેગા થઈ શકતા નથી. પરિણામે તેમનો વંશવેલો આગળ વધતો નથી. એટલા માટે ઈશ્વરે તેમને ચોમાસા પૂરતી હવાઈજહાજમાં ફેરવવાની સગવડ આપી છે. એટલે એ સજીવો ઊડીને પોતાના કુટુંબીજનો પાસે જઈ નિયોજિત થયેલા કુટુંબનું વિસ્તરણ કરી શકે.
બારેમાસ તરબોળ રહેતાં વર્ષાજંગલો!
રેઈનફોરેસ્ટ એટલે કે વર્ષાજંગલો એટલે કે એવાં જંગલો કે જ્યાં સતત વરસાદ વરસતો રહેતો હોય. જ્યાં સામાન્ય રીતે વાર્ષિક ૭૦થી ૮૦ ઈંચ સરેરાશ વરસાદ ખાબકતો હોય એ જંગલો વર્ષાજંગલો ગણાય. દક્ષિણ અમેરિકા ખંડનો ૪૦ ટકા ભાગ એમેઝોન નદીના વર્ષા જંગલોથી રોકાયેલો છે. દક્ષિણ અમેરિકા ખંડના ૭૦ લાખ ચોરસ કિલોમીટર પર આ જંગલોની ચાદર છવાયેલી છે. એ પ્રદેશ આખા ભારતના ક્ષેત્રફળ (૩૨ લાખ ચોરસ કિલોમીટર) કરતાં બે ગણાથી પણ વધારે થયો. કોઈ દેશમાં ફલાણાં-ઢીંકણાં જંગલો આવેલાં છે એમ કહેવાને બદલે અહીં આ જંગલોમાં ફલાણા ઢીંકણા દેશો આવેલા છે એવું કહેવું પડે એવી ભૌગોલિક સ્થિતિ છે. આ જંગલો બ્રાઝિલ,બોલિવિયા, પેરુ, વેનેઝુએલા, ઈક્વેડોર, કોલંબિયા, ગયાના અને સુરીનામ સહિતના દેશોમાં ફેલાયેલાં છે. આ જંગલમાંથી નદી કહી શકાય (ઝરણાં કે તેનાથી નાના પાણી પ્રવાહોની તો વાત જ નથી કરતાં)એવી ૧,૧૦૦ નદીઓ પસાર થાય છે. તેમાંથી વળી ૧૭ નદીઓ ૧,૬૦૦ કિલોમીટર કરતાં લાબી છે. સરખામણી એ રીતે કરી શકાય કે આપણી સાબરમતી નદી પોણા ચારસો કિલોમીટર કરતાં વધારે લાંબી નથી.
વરસાદ વરસાવતો જાદુગર!
અમેરિકાના કેલિફોર્નિયામાં થઈ ગયેલો જાદુગર ચાર્લ્સ હેટફિલ્ડ ઇતિહાસમાં વરસાદવર્ષક તરીકે જાણીતો છે! તેણે એકલા હાથે વરસાદ વરસાવી દેવાનું પરાક્રમ કરી બતાવેલું. ૧૯૦૨માં તેણે વરસાદ પોતાનું ધાર્યું કરાવે એવો ‘ચમત્કાર’ વિકસાવી લીધેલો. તેના દાવા પ્રમાણે તેણે ૨૩ એવાં કેમિકલ્સ ભેગાં કરેલાં જેનાથી વરસાદ આકર્ષી શકાય. ૧૯૧૫માં સાન ડિયેગો શહેરમાં વરસાદના અભાવે પાણીની અછત સર્જાવા લાગી. એ વખતે ચાર્લ્સે સરકાર સામે એવી ઓફર કરી કે તમે મને પૈસા આપો તો હું વરસાદ આપું! દસ હજાર ડોલરમાં સોદો નક્કી થયો. ચાર્લ્સે તેના ભાઈ સાથે મળીને જે સરોવર વરસાદથી ભરી દેવાનું હતું તેની નજીક ૨૦ ફીટ ઊંચો ટાવર બનાવ્યો. તેના પર ચડી કંઈક અગડમ બગડમ કાર્યવાહી કરી ડિસેમ્બરમાં કાર્યવાહી થઈ અને જાન્યુઆરીમાં વરસાદ શરૂ થયો. ૫મી જાન્યુઆરીએ વરસાદ પડવાનો શરૂ થયો. ધીમે ધીમે વધતો ગયો. ક્યારેય ફુલ ન થતું તળાવ બે કાંઠે છલકાયું. આજુબાજુના પ્રદેશમાં પણ પાણી ફેલાયું. શરૂઆતમાં મજેદાર લાગેલો વરસાદ હવે કપરો સાબિત થયો. એ વરસાદ છેક ૨૦મી જાન્યુઆરીએ બંધ થયો. ત્યાં સુધીમાં પાણીના વધારેપડતા જથ્થાને કારણે બે ડેમ ઓવરફ્લો થયા અને વીસેક માણસો પણ મરાયા!
ચાર્લ્સે સત્તાધીશો પાસેથી પૈસા માંગ્યા તો સત્તાધીશોએ પૈસાને બદલે ધમકી આપી. ચાર્લ્સનો વરસાદ ધાર્યા કરતાં વધારે પડી ગયો હતો એટલે ઘણું નુકસાન થયું હતું. મામલો કોર્ટમાં પહોંચ્યો. દરમિયાન ચાર્લ્સે ૪ હજાર ડોલરમાં સમાધાન કરવાનો પ્રયાસ કરી જોયો પણ મેળ પડયો નહીં. ૧૯૩૮ સુધી કોર્ટમાં કેસ ચાલ્યો અને પછી કોર્ટે જ કેસને કેન્સલ કરી મામલો થાળે પાડયો. પણ તેણે વરસાદ કઈ રીતે વરસાવ્યો હતો એ વાત કોઈને કરી નહીં. દરમિયાન રેઈનમેકર તરીકે તેની ખ્યાતિ જગતમાં થઈ ચૂકેલી. એટલે ૧૯૨૨માં ઇટાલી સરકારે નેપલ્સમાં દુષ્કાળ દૂર કરવા ચાર્લ્સને આમંત્રણ આપેલું તો વળી ૧૯૩૦માં હોન્ડુરાસે પણ તેમનો લાભ લીધેલો. પોતાના જીવનમાં તેણે ૫૦૩ વરસાદી પ્રયોગો કરેલા. ઘણું કરીને તેણે કૃત્રિમ વરસાદનો પ્રયોગ કર્યો હતો જે આજે નવી વાત નથી. એ જમાનામાં એ વાત આશ્ચર્યકારક હતી. ૧૯૫૮માં ચાર્લ્સ અવસાન પામ્યો. પણ તેની ઇચ્છા પ્રમાણે વરસાદ વરસાવવાની કેમિકલ ફોર્મ્યૂલા પણ તેની લાશ સાથે કબરમાં દફન કરવામાં આવી! ૧૯૫૬માં ચાર્લ્સ પરથી પ્રેરિત ફિલ્મ ‘ધ રેઈનમેકર’ પણ બનેલી.