Thursday, September 15, 2011

કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં સાત ટકાનો વધારો


નવી દિલ્હીતા. ૧૫
કેન્દ્રીય પ્રધાનમંડળની આજે મળેલી બેઠકમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા સહિત અનેક પગલાંની જાહેરાત કરવામાં આવી છે. આમ તહેવારોની સીઝન પહેલાં મોંઘવારીનો માર સહી રહેલાં સરકારી કર્મચારીઓને ઘણી રાહત થશે.  પ્રધાનો વચ્ચેના મતભેદોને પગલે લાંબાગાળાથી જેની રાહ જોવાતી હતી તે નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી (એનએમપી) અંગે નિર્ણય લેવામાં આવી શક્યો ન હતો. આ સૂચિત પોલિસીમાં એકમોને શ્રમ અને પર્યાવરણ કાયદામાંથી રાહતો આપવા માટેની દરખાસ્ત હતી. કેન્દ્રસરકારે આજે ૧૨મી પંચવર્ષીય યોજના (૨૦૧૨-૧૭)ના એપ્રોચ પેપર (અભિગમ પત્ર)ને બહાલી આપી દીધી છે. આમાં પાંચ વર્ષના ગાળામાં વાર્ષિક આર્થિક વૃધ્ધિ દર હાલની પંચવર્ષીય યોજનાના ૮.૨ ટકાથી વધારીને નવ ટકા કરવાની દરખાસ્ત છે. ગુજરાત સહિત છ રાજ્યોમાં સાત નવા શહેરો ઊભા કરવા માટે ભંડોળ લાવવાની દરખાસ્તને પણ બહાલી મળી ગઇ છે.
ડીએમાં વધારાના સરકારના નિર્ણયને કારણે તેના પચાસ લાખ કર્મચારીઓ ઉપરાંત આશરે ૪૦ લાખ પેન્શનરોને પણ ફાયદો થશે. જોકે જૂનિયર સ્કેલના કર્મચારીઓ પગાર વધારાના પ્રમાણથી સંતુષ્ટ નથી. આ પગાર વધારો પહેલી જુલાઇથી અમલી બનશે. હવે સરકારી કર્મચારીનું મોંઘવારી ભથ્યું મૂળ પગારના હાલના ૫૧ ટકાથી વધીને ૫૮ ટકા થઇ ગયું છે. આનાથી સરકારી તિજોરીને વાર્ષિક રૂ. ૭,૨૨૯ કરોડનો બોજ પડશે. ચાલુ નાણાકીય વર્ષના બાકીના સમયગાળામાં સરકારે રૂ. ૪,૮૧૯ કરોડ ચુકવવા પડશે તેમ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અંબિકા સોનીએ જણાવ્યું હતું.
સરકારે મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન (ડીએમઆઇસીડીસી)ને મજબૂત બનાવીને મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટેની દરખાસ્તને પણ કેબિનેટે બહાલી આપી છે. એમએનપી મંજૂર ન થવા પાછળનું કારણ દર્શાવતાં અંબિકા સોનીએ જણાવ્યું હતું કે "શ્રમ પ્રધાન મલ્લિકાર્જુન ખારગે વિદેશમાં હોવાથી તેઓ બેઠકમાં હાજર રહ્યા ન હતા. આ મામલે ચર્ચા થઇ હતી. કેટલાક પ્રધાનોએ સવાલો કર્યા હતા અને વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન આનંદ શર્માએ જવાબો પણ આપ્યા હતા. જોકે એકમોને રાહત આપવા અંગે તેમની વચ્ચે સર્વસંમતિ સધાઇ ન હતી. એનએમપીમાં આગામી ૧૫ વર્ષમાં દેશમાં ૨૨ કરોડથી વધુ રોજગાર ઉભું કરવાની દરખાસ્ત છે.
૧૨મી પંચવર્ષીય યોજનાનો એપ્રોચ પેપર અંતિમ મંજૂરી માટે ૧૫ કે ૧૬ ઓક્ટોબરે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એનડીસી)ને મોકલવામાં આવશે. જેમાં વડાપ્રધાન મનમોહન સિંહના અધ્યક્ષપદ હેઠળની બેઠકમાં ઇચ્છિત આર્થિક વિકાસ દરને હાંસલ કરવા અંગેનો વ્યૂહ પણ નક્કી કરાશે.
  • ૧૨મી પંચવર્ષીય યોજનાના એપ્રોચ પેપરને બહાલી.
  • ગુજરાત સહિત છ રાજ્યોમાં સાત નવા શહેરો ઊભા કરવાની દરખાસ્તને બહાલી