મુંબઈ, તા.૧૮બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ)ની ૮૨મી એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ)આવતીકાલે યાજવામાં આવશે. જેમાં બીસીસીઆઈના સેન્ટ્રલ ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ અને કેન્દ્રીય મંત્રી રાજીવ શુક્લાની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના કમિશનર તરીકે વરણી કરવામાં આવે તે નિશ્ચિત છે.
· બીસીસીઆઈ પ્રમુખ તરીકે એન.શ્રીનિવાસ વિધિવત્ હોદ્દો સંભાળશે
ચિરાયુ અમીને આઇપીએલ કમિશનર તરીકે જારી રહેવાની અનિચ્છા દર્શાવતા આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આ પહેલાં ૨૦૧૦ની આઈપીએલની ત્રીજી સિઝન બાદ લલિત મોદીના સ્થાને ચિરાયુ અમીનને આઈપીએલના કમિશનરની જવાબદારી અપાઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવતીકાલે મળનારી એજીએમમાં અન્ય એક મહત્ત્વના એજન્ડામાં બીસીસીઆઈના અધ્યક્ષ શશાંક મનોહરના સ્થાને બીસીસીઆઈના સેક્રેટરી એન.શ્રીનિવાસનની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્ય પસંદગીકાર તરીકે શ્રીકાંતને વધુ એક ટર્મ આપે તેવી શક્યતા છે. જ્યારે યશપાલ શર્માના પસંદગીકાર તરીકે ચાર વર્ષ પૂરાં થઈ ગયા હોવાથી તેમનું સ્થાન બદલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના સુરેન્દ્ર ભાવે ઉપર પશ્ચિમ ક્ષેત્રના ખેલાડી માટે સ્થાન ખાલી કરવાનું દબાણ રહેશે. જ્યારે મધ્ય ક્ષેત્રના નરેન્દ્ર હિરવાણી અને પૂર્વ ક્ષેત્રના રાજા વેંકેટ પોતાનું સ્થાન જાળવી રાખવા સફળ રહેશે.