| |

વિકલ્પ - પ્રશાંત પટેલ
તમે ક્રિએટિવ હો અને તમને મીડિયા માર્કેટની સારી સમજણ હોય, તો ક્રિએટિવિટીની દુનિયા એટલે કે એડ્વર્ટાઈઝિંગના ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકો છો. આજના મેગેઝિન્સ, ટીવી., રેડિયો, ફિલ્મ અને મલ્ટિમીડિયાના દરેક ક્ષેત્રમાં વિજ્ઞાપનનો જાદુ છવાયેલો જોવા મળે છે. બધાં જ મીડિયા એડવર્ટાઈઝિંગને આધારે ટકી રહે છે
નવા ઉત્પાદનને સફળ બનાવવા અને બજારમાં સ્થાન જમાવવા તેના વિજ્ઞાપનની જરૂર રહે છે. વિજ્ઞાપન બે પ્રકારના હોય છે. એક વિઝ્યુઅલ અને બીજું મૌખિક. કોઈ પણ ઉત્પાદન કે સેવાની જાહેરાતથી તે પ્રોડક્ટ વિશે લોકોને જાગરૂક કરી શકાય.
એડ્વરટાઈઝિંગમાં પડકારો
એડ્વર્ટાઇઝિંગનું ક્ષેત્ર ખૂબ જ પડકારરૂપ છે. તેના માટે જે ટીમ હોય છે, તેમાં કોપી રાઈટર્સ અને આર્ટ ડાયરેક્ટર હોય છે. કોપી રાઈટર પંચ લાઈન લખે છે. એટલે કે, લેટ્સ લર્ન ટૂ ટીચ ઈન્ડિયા, કનેક્ટિંગ પીપલ વગેરે. જ્યારે આર્ટ ડિરેક્ટર વિઝ્યૂઅલ પર કામ કરે છે.ઈલેક્ટ્રોનિક અથવા પ્રિન્ટ વિજ્ઞાપનોની અસર વધુમાં વધુ લોકો પર થાય તેના માટે પંચ લાઈન અને દૃશ્યોનું સામંજસ્ય હોવું ખુબ જરૂરી છે. આજની નામાંકિત બનેલી બ્રાન્ડ, કંપનીઓ અને ધાર્મિક સંસ્થાઓ પોતાના ઉત્પાદન તથા સેવાઓના પ્રચાર-પ્રસાર માટે વિજ્ઞાપનનો ઉપયોગ કરે છે. વધુમાં વધુ લોકો સુધી પોતાની વાત પહોંચાડવા એડ્વર્ટાઇઝિંગને વધારે પ્રભાવશળી બનાવવામાં આવી રહી છે. આ ક્ષેત્રમાં પગાર ઘણો સારો મળે છે. તમારામાં આ ક્ષેત્રમાં કંઈ કરી બતાવવાનો જુસ્સો હોય, પ્રગતિ મેળવવાની ઘણી તક મળે છે. આ ક્ષેત્રમાં આગળ વધવા માટે કલાત્મક વિચારશક્તિ હોવી જરૂરી છે. તમારી વિચારશક્તિ કલાત્મક હોવાની સાથે-સાથે તમારી અંદર તણાવ કે દબાણમાં કામ કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ.
રોજગારની તક
વિજ્ઞાપન ઉદ્યોગમાં દર વર્ષે આશરે વીસ ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે. આવનારા સમયમાં તેની ગતિ ચાર ગણી થવાની શક્યતા છે. જ્યારે તમે કોઈ સારી સંસ્થામાંથી વિજ્ઞાપનનો કોર્સ કરો, તો ઈન્ટરવ્યૂના સમયે તમારો પક્ષ પણ મજબૂત થઈ જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમારી પાસે કોઈ ખાસ અનુભવ ન હોય. આ ઉદ્યોગમાં નોકરી બંને પ્રકારની કંપનીઓમાં ઉપલબ્ધ રહે છે. પહેલી કંપની એ છે જે પોતાની બ્રાંડ ચલાવવા માટે વિજ્ઞાપન કરવા ઇચ્છે છે અને બીજી કંપની તે છે જે બ્રાન્ડને ચલાવવામાં મદદ કરે છે. વિજ્ઞાપન જગતમાં રોજગારની અમૂલ્ય તકો રહેલી છે. જેમ કે ખાનગી વિજ્ઞાપન એજન્સીઓ, સાર્વજનિક અથવા ખાનગી ક્ષેત્રનો વિજ્ઞાપન વિભાગ, સમાચારપત્રોનો વિજ્ઞાપન વિભાગ. મેગેઝિન, પત્રિકાઓ, રેડિયો અથવા ટીવીના વાણિજ્ય વિભાગ, માર્કેટિંગ રિસર્ચ સંસ્થાઓમાં અથવા ફ્રિલાન્સિંગ તરીકે પણ કામ મળી શકે છે.
વિજ્ઞાપનનું સ્વરૂપ
આજે વિજ્ઞાપનમાં કેટલાંક નવાં ક્ષેત્રો પણ સામે આવી રહ્યાં છે, જેમ કે ઈવેન્ટ મેનેજમેન્ટ, ઈમેજ મેનેજમેન્ટ, ઈન્ટરનેટ માર્કેટિંગ વગેરે વગેરે. ઈવેન્ટ મેનેજમેન્ટમાં કોઈ પણ કાર્યક્રમનું યોગ્ય માર્કેટિંગ અને ઇમેજ મેનેજમેન્ટ અંતર્ગત કોઈ વિશેષ પ્રોફાઈલ વ્યક્તિ અથવા સંસ્થાને કેન્દ્રમાં રાખીને માર્કેટિંગ કરવામાં આવે છે. ઈન્ટરનેટ માર્કેટિંગે આ દિશામાં ઘણા નવા ધરખમ ફેરફારો કર્યા છે.
કામકાજનું સ્વરૂપ
વિજ્ઞાપન ઉદ્યોગને બે ભાગમાં વહેંચી શકાય. એક છે એક્ઝિક્યૂટિવ અને બીજો છે ક્રિએટિવ. એક્ઝિક્યૂટિવ વિભાગમાં ક્લાયન્ટ ર્સિવસ, માર્કેટ રિસર્ચ અને મીડિયા રિસર્ચ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ક્રિએટિવ વિભાગમાં કોપી રાઈટર, સ્ક્રિપ્ટ રાઈટર, વિઝ્યૂલાઈઝર, ફોટોગ્રાફર તથા ટાઇપોગ્રાફર્સ વગેરે આવે છે. એક્ઝિક્યૂટિવ વિભાગ ગ્રાહકોની જરૂરિયાત, બજારની સ્થિત, મીડિયાના યોગ્ય માધ્યમની પસંદગી, આર્થિક પાસાઓ અને વિજ્ઞાપનને બજારમાં લાવવાના યોગ્ય સમય પર નજર રાખવામાં આવે છે. ક્રિએટિવ વિભાગ વિજ્ઞાપન તૈયાર કરે છે અને વિઝ્યુઅલમાં ગ્રાહકની અપેક્ષાનું ધ્યાન રાખે છે. વિજ્ઞાપનની ડિઝાઈન અને સંકલ્પના તેમના શિરે જ હોય છે.
ફોટોગ્રાફર
કોઈ પણ વિજ્ઞાપન કંપનીમાં ફોટોગ્રાફર ખૂબ જ મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. તે ખાસ એન્ગલ અથવા યોગ્ય લાઈટનો પ્રયોગ કરીને તસવીરને ખાસ બનાવે છે, પરંતુ પ્રોડક્ટના મૂળ વિચારને તસવીર દ્વારા રજૂ કરે છે. તેમનું ટેકનિકલ રીતે સક્ષમ હોવું પણ જરૂરી છે.
ક્લાયન્ટ ર્સિવસિંગ
ક્લાયન્ટને કયા પ્રકારની એડ્વર્ટાઇઝ જોઈએ છે અને તેને ફાયદો ક્યાં મળશે તે જણાવવાનું કામ તેમનું હોય છે. તેના માટે તેઓ ક્રિએટિવની સાથે મળીને યોજના બનાવે છે. આ નોકરીમાં સફળ થવા માટે ઉત્તમ કમ્યુનિકેશન સ્કિલ્સનું હોવું જરૂરી છે. જો હિન્દીની સાથે અંગ્રેજી પર સારી પકડ હોય તો સોને પે સુહાગા. ક્લાયન્ટ ર્સિવસિંગનું કામ કરતી વખતે તમારે દેશ અને વિદેશમાં વિવિધ પ્રકારના લોકોને મળવું પડે છે. એવામાં જરૂરી નથી કે તે તમારી સ્થાનિક ભાષા કે હિન્દી જાણતો હોય. જે લોકોને માર્કેટ રિસર્ચમાં રસ હોય, તેમના માટે પણ નોકરી ઉપલબ્ધ છે.
મીડિયા પ્લાનિંગ
મીડિયા પ્લાનર્સનું કામ મીડિયા સાથે સંબંધિત હોય છે. ગ્રાહકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે મીડિયાનું કયું માધ્યમ સૌથી ઉત્તમ રહેશે તે નિર્ણય તેમનો હોય છે, પરંતુ તેના માટે આ લોકો એકાઉન્ટ પ્લાનર અને ક્રિએટિવની સાથે મળીને નિર્ણય લે છે. તેઓ વિવિધ એડ્વર્ટાઇઝિંગ એજન્સીઓને પણ પોતાની સલાહ આપે છે. તેઓ સમાચારપત્ર અને મેગેઝિનમાં કયા પેજ પર પોતાની એડ્વર્ટાઇઝ છાપવાની છે કે છાપવી જોઈએ તે જણાવે છે. તેઓ જ ઈલેક્ટ્રોનિક મીડિયામાં કઈ ચેનલ અને કાર્યક્રમ એડ્વર્ટાઇઝ માટે યોગ્ય રહેશે, તેનો નિર્ણય પણ કરે છે.
સેલેરી પેકેજ
સામાન્ય રીતે કોઈ પણ એડવર્ટાઇઝિંગ એજન્સીમાં તમે શરૂઆતમાં જોડાઇને આસિસ્ટન્ટ તરીકે મહિને રૂપિયા દસ હજારથી જોડાઇ શકો છો. ત્યારબાદ તમારા કામ અને અનુભવને આધારે આગળ ઉપર વેતન નક્કી થાય છે. એ વેતન પણ સારું ગણી શકાય એટલું હોય છે. તમે વિજ્ઞાપન જગતમાં ક્રિએટિવ હેડના હોદ્દે પહોંચો ત્યારે વાર્ષિક દસ લાખ સુધીનું પેકેજ મેળવી શકો છો. ક્ષેત્રમાં અનુભવી બનતાં પોતાનું પ્રોડક્શન હાઉસ કે એડવર્ટાઇઝિંગ એજન્સી ઊભી કરી શકાય. પગાર કે આવકના આંકડામાં અનુભવની સાથે સાથે વધારો થતો રહે છે. |
|
|