Friday, September 2, 2011

ગરીબોને મફત સારવાર આપવા સુપ્રીમનો આદેશ



નવી દિલ્હીતા.૧
દર્દીઓ પાસેથી સારવાર માટે મોં માગ્યા દામ પડાવતી દિલ્હીની ખાનગી હોસ્પિટલો સામે આખરે સુપ્રીમ કોર્ટે ત્રીજું લોચન ખોલીને લાલ આંખ કરી છે. સરકાર પાસેથી રાહત દરે જમીન મેળવીને તેના પર બાંધવામાં આવેલી દિલ્હીની ખાનગી હોસ્પિટલોને સકંજામાં લેતાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે તેમણે ગરીબોને મફત સારવાર આપવી. ખાનગી હોસ્પિટલો ગરીબોને મફત સારવાર આપવાની તેમની જવાબદારીમાંથી છટકી શકે નહીં તેમ સુપ્રીમે કહ્યું છે.
ખાનગી હોસ્પિટલોમાં સારવાર મોંઘીદાટ હોય છે જે ગરીબોને પરવડી શકે તેવી હોતી નથી. આથી ગરીબો તેમના ઇલાજ માટે આધુનિક પણ મોંઘીદાટ સારવાર મેળવવાથી વંચિત રહેતા હોય છે. આવા સંજોગોમાં સુપ્રીમના ન્યાયર્મૂિતઓ જસ્ટિસ આર. વી. રવીન્દ્રન અને એ. કે. પટનાયકની બેન્ચે શહેરની ખાનગી હોસ્પિટલોને તેમના ઓપીડીમાં ૨૫ ટકા સુવિધા ગરીબો માટે અનામત રાખવા અને ઈન્ડોર સારવાર માટે ૧૦ ટકા પથારીઓ મફત સારવાર માટે ગરીબોને ફાળવવા ફરમાન કર્યું છે.
કેટલીક ખાનગી હોસ્પિટલોએ ગરીબોને મફત સારવાર આપવાનો વિરોધ કર્યો હતો ત્યારે બેન્ચે ખાનગી હોસ્પિટલોની આ અરજી ફગાવી દીધી હતી. સરકાર અને ખાનગી હોસ્પિટલો વચ્ચે થયેલા લેન્ડ લીઝ કરાર મુજબ ગરીબોને મફત સારવાર આપવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને ૧૦ ખાનગી હોસ્પિટલોએ સુપ્રીમમાં પડકાર્યો હતો. જ્યાં સુપ્રીમે તેમની અરજી ફગાવી દીધી હતી. દિલ્હીની સરકારે ૩૭ ખાનગી હોસ્પિટલોને તેમનું મકાન બાંધવા રાહત દરે જમીન ફાળવી હતી. જેમાંથી ૨૭ હોસ્પિટલો સરકાર સાથેના કરાર મુજબ ગરીબોને મફત સારવાર આપતી હતી.
ખાનગી હોસ્પિટલોના વકીલે જ્યારે એવી દલીલ કરી કે તમામ કિસ્સામાં ગરીબોને મફત સારવાર આપવાનું શક્ય નથી ત્યારે કોર્ટે તેમનો ઊધડો લેતાં કહ્યું હતું કેતો પછી હોસ્પિટલોએ સરકાર પાસેથી સસ્તી જમીન શા માટે લીધી તમારે સરકારને જમીન પાછી આપી દેવી જોઈએ અને અન્ય જગ્યાએ જમીન ખરીદીને હોસ્પિટલો બાંધવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કેતમે સરકાર પાસેથી સસ્તી જમીન ખરીદવા કરાર કરીને તમારી જવાબદારીમાંથી છટકવા માગો છો.
ખાનગી હોસ્પિટલોએ એવી દલીલ કરી હતી કે કેન્સરન્યૂરો સર્જરી કે પ્લાસ્ટિક સર્જરી જેવા રોગોમાં સારવાર ઘણી મોંઘી હોય છે તેથી ગરીબોને મફત સારવાર આપવાનું શક્ય નથી. અરજદારોની દલીલ ફગાવીને આ કેસમાં સુપ્રીમ કોર્ટે ૨૦૦૭માં દિલ્હી હાઈકોર્ટે આપેલા ચુકાદાને માન્ય રાખ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કેખાનગી હોસ્પિટલોએ ગરીબ દર્દીઓને મફત પ્રવેશમફત પથારીમફત દવાઓમફત સારવાર અને સર્જરીની સુવિધા તેમજ ર્નિંસગ સવલતો અને કન્ઝ્યુમેબલ્સ તથા નોન કન્ઝ્યુમેબલ્સ પૂરા પાડવા. હોસ્પિટલો જો ગરીબો પાસેથી કોઈ ચાર્જ વસૂલે તો તેની સામે કાયદેસરનાં કાનૂની પગલાં લેવાં અને તેને અદાલતના આદેશના ભંગ સમાન ગણવું. સુપ્રીમે આ આદેશને માન્ય રાખીને ખાનગી હોસ્પિટલોની અરજીને ફગાવી દીધી હતી.
  • દિલ્હીની ખાનગી હોસ્પિટલોને કરાયેલું ફરમાન
  • ઓપીડીમાં ૨૫ ટકા સુવિધા ગરીબો માટે અનામત રાખવા સૂચના
  • ઈન્ડોર સારવાર માટે ૧૦ ટકા પથારીઓ ગરીબોને ફાળવવા નિર્દેશ