
ગાંધીનગર, તા.૬
ચોમેરથી અસહ્ય મોંઘવારીથી પીડાતી રાજ્યની છ કરોડની જનતાનાં માથે આજે મોદીરાજમાં સરકારી અને ખાનગી વીજ કંપનીઓએ રૂ.૮૦૦ કરોડનો આર્થિક બોજો લાદી દીધો છે. ગુજરાત વીજ નિયમન પંચ (જર્ક) સમક્ષ સરકારી વીજ કંપનીઓ તેમજ અમદાવાદ, ગાંધીનગર અને સુરત મહાનગરોમાં વીજ વિતરણ કરતી ટોરેન્ટ પાવર લિમિટેડ કંપનીએ કરેલી પિટિશનની વિસ્તૃત સુનાવણી બાદ આજે તેણે ૧.૪૦ કરોડ જેટલા વીજ જોડાણો ધરાવતાં ગ્રાહકો પર પ્રતિ યુનિટ ૧૨ પૈસાથી માંડીને ૩૫ પૈસાનો આકરો બોજો ઝીંકવાનો આદેશ જારી કર્યો છે. જોકે, આ વીજ દર વધારામાંથી ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને તેમજ મીટરથી વીજળી વાપરતા ખેડૂતોને બાકાત રાખવામાં આવ્યા છે. નવા વીજ દરનો અમલ તા.૧ સપ્ટેમ્બર, ૨૦૧૧થી લાગુ પડશે.
- રાજ્યના ૧.૪૦ કરોડ વીજ ગ્રાહકો પર ૧ સપ્ટેમ્બરથી બોજ
- ગ્રામીણ ગ્રાહકો પર પ્રતિ યુનિટ ૧૩થી ૩૫ પૈસાનો વધારો
- મોદીરાજની સરકારી વીજ કંપનીઓ વાર્ષિક રૂ.૬૦૦ કરોડ ખંખેરશે
- અમદાવાદ, ગાંધીનગર, સુરતના ગ્રાહકો પર પ્રતિ યુનિટ ૨૫ પૈસા સુધીનો બોજ
આવશ્યક ચીજવસ્તુઓનો ભાવ વધારો હોય કે અન્ય કોઇ બાબત હોય હરહંમેશ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની જયુપીએ સરકારને ભાંડવાની એકપણ તક નહીં ચૂકનાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના રાજમાં ઉદ્યોગોને વીજદર, વીજળી ડયુટીમાં કરોડો રૂપિયાની રાહતો આપીને તેનો બોજો હવે સામાન્ય વીજ ગ્રાહકો પર લાદવામાં આવી રહ્યો છે. કોલસાની ખરીદી હોય કે સસ્તી વીજળી પેદા કરવાને બદલે પોતાના પ્લાન્ટ બંધ કરીને ખાનગી વીજ ઉત્પાદક કંપનીઓ પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદી કરીને રાજ્યની જનતા પર અસહ્ય બોજો લાદવાનો મોદી સરકારમાં સરકારી વીજ કંપનીઓને જાણે પરવાનો મળી ગયો હોય એવી સ્થિતિ સર્જાઇ છે. આને લીધે રાજ્યના સવા કરોડ જેટલા વીજ ગ્રાહકો પર સરકારી વીજ કંપનીઓએ રૂ.૬૦૦ કરોડનો વધારો ઝીંકી દીધો છે. જ્યારે અમદાવાદ, વડોદરા, સુરતના લગભગ ૨૫ લાખથી વધુ વીજ ગ્રાહકો પાસેથી ટોરેન્ટ પાવર કંપની વાર્ષિક રૂ.૧૬૫ કરોડથી વધુની રકમ વીજદર વધારા પેટે વસૂલ કરશે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ (જીયુવીએનએલ)ની વીજ વિતરણ કંપનીઓએ વર્ષ ૨૦૧૧-૧૨થી ૨૦૧૫-૧૬ એમ પાંચ વર્ષ માટે કરેલી પિટિશન અંગે જુલાઇમાં જાહેર સુનાવણી યોજી હતી. રાજ્યભરમાંથી વીજ ગ્રાહકોનાં સંગઠનોથી માંડીને વ્યક્તિગત ધોરણે પણ સંગઠનોએ કરેલી રજૂઆતોને સાંભળ્યા બાદ જર્કે આપેલા આદેશ પ્રમાણે સરકારી વીજ કંપનીઓ તા.૧ સપ્ટેમ્બરથી ગરીબી રેખા હેઠળના તથા મીટરથી વીજળી મેળવતા ખેડૂતો સિવાયના તમામ વીજ ગ્રાહકો પાસેથી સરેરાશ ૧૩ પૈસાનો પ્રતિ યુનિટ વધારો કરી શકશે. સરકારી વીજ કંપનીઓએ સરેરાશ ૨૫ પૈસાનો વધારો કરવાની મંજૂરી માગી હતી. જોકે, જર્કે તેની સામે માત્ર ૧૩ પૈસાનો વધારો મંજૂર રાખ્યો છે. જે હયાત વીજ દરના ૪.૦૫ ટકા જેટલો થાય છે.
ટોરેન્ટ પાવર કંપનીએ પ્રતિ યુનિટ ૯૦ પૈસા જેટલો જંગી વીજ દર વધારો કરવાની માગેલી મંજૂરીનો જર્કે આંશિક સ્વીકાર કર્યો છે અને તેને સરેરાશ ૨૨ પૈસાનો વધારો કરવાની મંજૂરી આપી છે. જે હયાત વીજ દરના ૪.૬૮ ટકા જેટલો થાય છે એમ કહીને જર્કે તેની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે, આ વીજ દર અમદાવાદ અને ગાંધીનગરના વીજ ગ્રાહકો માટે છે. જ્યારે સુરત મહાનગરના વીજ ગ્રાહકો માટે ટોરેન્ટે ૪૮ પૈસાનો વધારો કરવાની દરખાસ્ત મૂકી હતી. પરંતુ જર્કે ૧૨ પૈસાનો સરેરાશ વધારો કરવાની મંજૂરી આપી છે જે હયાત વીજ દરના ૨.૬૩ ટકા જેટલો થવા જાય છે. સરકારી વીજ કંપનીઓ અને ટોરેન્ટ પાવરના જુદા જુદા ગ્રાહકો પર સરેરાશ ૧૨થી ૩૫ પૈસાનો જુદી જુદી કક્ષાએ વધારો ઝીંકાયો છે. જ્યારે ભારે વીજ ભાર ધરાવતાં ગ્રાહકો પર સરેરાશ રૂ.૨૦થી ૨૫નો વધારો થયો છે.
ખેડૂતો, ટ્રસ્ટો અને હવે સામાન્ય જનતા : મોદીએ કોઈને ન છોડયા
ગાંધીનગર : વાર તહેવારે અને વારંવાર મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ પર દોષારોપણ કરનાર મોદી સરકાર હસ્તકની વીજ કંપનીઓએ પાછલા બારણે સામાન્ય જનતાથી માંડીને ખેડૂતો, ટ્રસ્ટોથી માંડીને તમામ વીજ ગ્રાહકો પર ભારે મોટો આર્થિક બોજો ઝીંકી દીધો છે. ત્યારે મોદી સરકારના તમામ પ્રવક્તા મંત્રીઓએ આ અંગે કોઇપણ પ્રકારની ટિપ્પણી કરવાથી દૂર રહીને મૌન સેવી દીધું છે.
- મોંઘવારીના મુદ્દે બૂમાબૂમ કરતા મોદીનું વીજ દર વધારા અંગે મૌન
જીયુવીએનએલની વીજ વિતરણ કંપનીઓએ સામાન્ય રહેણાક વાસીઓને સૌથી મોટો વીજ કરંટ આપ્યો છે. એ મુજબ રહેણાકના ગ્રાહકો હવેથી ૨૫૦ યુનિટ સુધી વીજળી વાપરતા હશે તેમને મહિને ૧૫ પૈસાનો વધારો સહન કરવો પડશે. જ્યારે ૨૫૧મા યુનિટથી વધારે વીજળી વાપરનારને પ્રતિ યુનિટ વધારાના ૫ પૈસાનો બોજો ઉઠાવવો પડશે. બિન રહેણાકના ગ્રાહકો કે જેઓ ૪૦ કિલો વોટથી વધારે વીજ ભારનું જોડાણ ધરાવતા હશે તેમને હવેથી ડિમાન્ડ બેઝ ટેરિફ હેઠળ આવરીને મોટા બોજા તળે આવરી લીધા છે. આ ઉપરાંત બિન રહેણાકના ગ્રાહકો પર એનર્જી રેટ પ્રતિ યુનિટ ૨૦ પૈસાનો બોજો લાદી દેવાયો છે. આમાં ખેડૂતોનો સમાવેશ થાય છે કે કેમ તેના અંગે જર્કે કોઇ સ્પષ્ટતા કરી નથી. પરંતુ યાદીમાં કહેવાયું છે કે મહિને પ્રતિ બીએચપી હયાત ફિક્સ ચાર્જીસને હવેથી પ્રતિ માસ પ્રતિ કિલોવોટમાં રૂપાંતરિત કરી દેવાયો છે. આ જ રીતે ચેરિટી કમિશનર પાસે નોંધાયેલી સંસ્થાઓને હવેથી એનર્જી ચાર્જીસનો પ્રતિ યુનિટ ૨૦ પૈસાનો વધારો સહન કરવો પડશે. આમ, મોદીરાજમાં સામાન્ય જનતાથી માંડીને તમામ લોકો પર મોટો બોજો ઝીંકી દેવાયો છે.