
દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ
ફાંસીની સજા અને સજાના અમલનો મુદ્દો ફરીથી ચર્ચામાં છે. ફાંસીની સજા પછી તેનો અમલ કરવામાં વર્ષો નહીં,પણ દાયકાઓ વીતી જાય છે. મહત્ત્વની વાત એ છે કે,મોતની સજા આપવાની વચ્ચે દયા નહીં, પણ રાજકારણ આવી જાય છે. ફાંસીની સજા હોવી જોઈએ કે નહીં એ મુદ્દે વર્ષોથી ચર્ચાઓ થતી આવી છે. અદાલત ફાંસીના ચુકાદાઓ પણ આપે છે, પણ રાજકારણના કારણે ફાંસીના અમલનો મામલો અધ્ધરતાલ લટકતો રહે છે.
ટુબી હેંગ ટિલ ડેથ. સજા-એ-મોત. યે અદાલત મુજરીમ કો દોષી કરાર દેતે હુએ સજા-એ-મોત કા એલાન કરતી હૈ... આટલું બોલી જજસાહેબ કલમની ટાંકને ટેબલ ઉપર કચડી નાખે છે. આવાં ઘણાં દૃશ્યો આપણે હિન્દી ફિલ્મોમાં જોયાં છે. પોલીસ કર્મચારીઓ આરોપીને ફાંસીના માંચડે લઈ જાય છે. ગુનેગારના ચહેરા ઉપર કાળું કપડું ચડાવી દેવાય છે. જલ્લાદ ગળામાં ફાંસીનો ગાળિયો નાખે છે. જેલર ઇશારો કરે કે તરત જ હેન્ડલ ઘુમાવી દેવાય છે. ગુનેગારના પગ નીચેથી પાટિયું પડી જાય છે અને ખેલ ખતમ.
ઇરાકના સરમુખત્યાર સદ્દામ હુસેનને ફાંસી અપાઈ એ સમયની ક્લીપ ટેલિવિઝન પર બતાવાઈ હતી. સદ્દામે ચહેરા પર કાળું કપડું પહેરવાની ના પાડી હતી. સદ્દામના મોતને ટીવીના પડદે દેખાડવાની ઘટના આખી દુનિયાએ વખોડી હતી. જિંદગી ગમે એવી હોય, પણ મૃત્યુ સન્માનજનક હોવું જોઈએ એવું માનનારો વર્ગ મોટો છે. મોતનો મલાજો જળવાવો જોઈએ, પછી ભલે એ મોત ગમે તેટલા મોટા ગુનેગારનું હોય.
ભારતમાં છેલ્લે રાવજી પવારને ફાંસીની સજા ફરમાવવામાં આવી. ૧૯મી ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ તેને મોતની સજા ફરમાવાઈ. ૧૯ વર્ષ અને સાત મહિના જેલમાં રહ્યા પછી તેને સજા સંભળાવવામાં આવી. તા. ૪ જાન્યુઆરી, ૧૯૯૨ના રોજ નવસારી નજીક ચીખલી પાસે આવેલ ઘોલર ગામના રાવજી પવારે દુબઈમાં એક જ પરિવારના પાંચની હત્યા કરી હતી. રાવજી જેને ત્યાં નોકર તરીકે કામ કરતો હતો એ રમેશ સાગર, તેની માતા મૂડીબહેન, પત્ની રાજોરી, દીકરી જ્યોતિ અને દીકરા જયેશને તેણે ઠંડે કલેજે પતાવી દીધાં હતાં.
રાવજીને સજા ફરમાવાઈ તેના વીસ દિવસ પહેલાં જ ૩૦મી જુલાઈ, ૨૦૧૧ના રોજ જામનગરના માજી નગરસેવક ભવાન સોઢાને અદાલતે મોતની સજા ફરમાવી. ભવાન સોઢાએ તેની પ્રેમિકા રંજન શુક્લ, રંજનની ૧૪ વર્ષની પુત્રી અવની અને ૧૧ વર્ષના પુત્ર દેવદત્તની વર્ષ ૨૦૦૦માં ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી.
ભારતની જેલોમાં એવા અસંખ્ય ગુનેગારો છે જેને ફાંસીની સજા ફરમાવવામાં આવી હોય. તેમાં અત્યારે સૌથી વધુ ચર્ચામાં હોય તો એ છે સ્વર્ગસ્થ વડા પ્રધાન રાજીવ ગાંધીના ત્રણ હત્યારા મુરૂગન ઉર્ફે શ્રીહરન, ચિન્ના સાંથન અને પેરારિવલન, સંસદ પર આતંકવાદી હુમલા કેસના આરોપી અફ્ઝલ ગુરુ, લાલ કિલ્લા પર હુમલો કરનાર અશફાક, મુંબઈ પર આતંકવાદી હુમલો કરનાર અજમલ કસાબ અને ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટના દવિન્દરસિંહ ભુલ્લાર. ગયા માર્ચ મહિનામાં અમદાવાદમાં જ ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડના ૧૧ આરોપીઓને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી.
અજમલ કસાબની મોતની સજાનો કેસ હવે સુપ્રીમમાં ચાલવાનો છે. કસાબ અને અફ્ઝલ વિશે એવી મજાક પણ ચાલે છે કે, હવે માઈક્રોસોફ્ટ કંપની કસાબ અને અફઝ્લના નામનું સોફ્ટવેર બનાવવાની છે, કારણ કે એ ક્યારેય ‘હેંગ’ થતાં નથી! આ મજાક પાછળનો ગૂઢાર્થ સમજવો અઘરો નથી. ફાંસીની કોટડી અને માંચડા વચ્ચેનો રસ્તો રાજકારણના માઈલસ્ટોન વચ્ચે પસાર થઈને જાય છે!
રાજીવ ગાંધીના ત્રણ હત્યારા મુરૂગન, ચિન્ના અને પેરારિવલનને તા. ૯મી સપ્ટેમ્બર, ૨૦૧૧ના રોજ ફાંસી આપવાની હતી. બધું જ પતી ગયું હતું. રાષ્ટ્રપતિએ દયાની અરજી પણ રિજેક્ટ કરી દીધી હતી. ફાંસીના દસ દિવસ પહેલાં તમિળનાડુની વિધાનસભાએ સર્વાનુમતે એવો ઠરાવ કર્યો કે, આ ત્રણેની દયાની અરજીને ફરીથી ધ્યાને લેવામાં આવે. આ ઠરાવના આધારે અદાલતે ત્રણેની સજાને આઠ અઠવાડિયા મુલતવી રાખવા સ્ટે આપ્યો. આ આઠ અઠવાડિયાં પછી શું થશે એ ખબર નથી.
રાજીવ ગાંધીની હત્યાને ૨૦ વર્ષ થઈ ગયા છે. ૨૧મી મે, ૧૯૯૧ના દિવસે શ્રીપેરમ્બદુર ખાતે રાજીવ ગાંધી જાહેરસભા સંબોધવા ગયા ત્યારે માનવ બોમ્બ બનીને આવેલી ધન્નુ હાર પહેરાવવાના બહાને રાજીવ પાસે પહોંચી ગઈ. એક ધડાકો થયો અને આખો દેશ ધ્રૂજી ગયો. એલ.ટી.ટી.એ. શ્રીલંકામાં શાંતિ સેના મોકલવાના રાજીવના નિર્ણયનો બદલો લીધો.
મુરૂગન, ચિન્ના અને પેરારિવલન સાથે ચોથી આરોપી નલિનીને પણ ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. જેલવાસ દરમિયાન જ મુરૂગન અને નલિનીએ લગ્ન કર્યાં. નલિનીએ એક દીકરીને જન્મ આપ્યો. દીકરીના જન્મ પછી સોનિયા ગાંધીની ભલામણના કારણે જ નલિનીની ફાંસીની સજા આજીવન કેદમાં તબદીલ કરવામાં આવી. પ્રિયંકા ગાંધી પણ એક દિવસ કોઈને ખબર ન પડે એ રીતે નલિનીને મળવા જેલમાં પહોંચી ગયાં હતાં. નલિનીને મુક્તિ મળે તેવી ઇચ્છા પ્રિયંકાની હોવાનું પણ બહાર આવ્યું હતું.
તમિળનાડુ વિધાનસભાએ ઠરાવ કરતી વખતે જે કારણ આપ્યું એ એવું છે કે, રાષ્ટ્રપતિએ આ ત્રણેની દયાની અરજીનો નિકાલ કરવામાં ૧૧ વર્ષનો વિલંબ કર્યો છે, આ વર્ષો ત્રણેયે મોતના પડછાયામાં વિતાવ્યાં છે એટલે હવે તેના પર દયા દાખવવી જોઈએ અને ફાંસીની સજા રદ કરવી જોઈએ. વિધાનસભાએ આવી ભલામણ શા માટે કરી? સરવાળે તો મતનું રાજકારણ જ આવે છે!
સવાલ એ થાય કે દયાની અરજી પર વિચાર કરવા માટે કેટલો સમય જોઈએ? ૧૧ વર્ષ? સાચી વાત છે. આટલો સમય ન હોય. ટીંગાડવા હોય તો વહેલી તકે ટીંગાડી દેવા જોઈએ. આપણું બંધારણ કહે છે કે, ‘રેરેસ્ટ ઓફ રેર’ (અત્યંત દુર્લભ) કેસમાં જ ફાંસીની સજા આપવી. પણ આપણું બંધારણ એ નથી કહેતું કે ફાંસીની સજા ફરમાવાય પછી કેટલા સમયમાં ફાંસી આપવી! તમે શું કહો છો, કોઈ નિયમ, કોઈ સમયમર્યાદા હોવી જોઈએ કે નહીં?
રાજીવના ત્રણ હત્યારાની ફાંસીની સજા સામે આઠ વીકનો સ્ટે મળ્યો પછી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટર ઉપર લખ્યું કે, અફ્ઝલ ગુરુ વિશે જો અમારી વિધાનસભા તમિળનાડુ જેવો ઠરાવ કરે તો? ઉમર અબ્દુલ્લા સામે એવા આક્ષેપ થાય છે કે, તે અફ્ઝલ ગુરુને બચાવવાનો પ્રયાસ કરે છે. ઉમરની આ વાત પાછળ પણ રાજકારણ છે? હશે! ઉમરની વાત કેટલી સાચી કે કેટલી ખોટી તેમાં ન પડીએ તો પણ એક વાત વિચારવા જેવી તો છે કે જો રાજ્ય સરકારો જ આવું કરે તો ક્યાંથી ચાલે? કાયદાને કાયદાનું કામ કરવા દો!
અજમલ કસાબના કેસમાં મુંબઈ પરના હુમલાને દેશ ઉપરના આક્રમણ તરીકે જાહેર કરાયો હતો. કસાબને ક્યારે ફાંસી મળશે એ તો કુદરત જાણે, પણ દેશ ઉપરના હુમલાખોરને સજા આપવામાં થતો વિલંબ કોઈને ગળે ઊતરતો નથી. આપણે ન્યાય અને ન્યાયની પ્રક્રિયામાં માનીએ છીએ. જ્યુડિશિયરીને આદર કરીએ છીએ. હ્યુમન રાઈટ્સનું રક્ષણ કરીએ છીએ એ બધું સાચું પણ કાયદો જો ફાંસીને વાજબી ઠેરવતો હોય તો ફાંસીના ગુનેગારને જલદી ફાંસી પણ આપવી જોઈએ.
મોતની સજા હોવી જોઈએ કે નહીં એ ડિબેટેબલ ઇસ્યુ છે. આખી દુનિયામાં આની ચર્ચાઓ યુગોથી થતી આવી છે. માણસને માણસનો જીવ લેવાનો અધિકાર છે? એવો પ્રશ્ન પુછાતો આવ્યો છે. એક વર્ગ એવો પણ છે જે માને છે કે, સમાજ માટે જોખમી વ્યક્તિને મારી નાખવામાં પાપ નથી. મોતની સજા વિશે આખું વિશ્વ બે છાવણીમાં વહેંચાયેલું છે.
વિશ્વના ૫૮ દેશોમાં મોતની સજાનો કાયદો છે. ક્યાંક ફાંસી આપીને, ક્યાંક ઇલેક્ટ્રિક ચેર પર બેસાડીને, ક્યાંક ઝેરનું ઇન્જેક્શન આપીને, ક્યાંક ગેસ ચેમ્બરમાં, ક્યાંક ગોળી મારીને તો ક્યાંક જાહેરમાં તલવારનો ઘા મારીને ડોકું ધડથી અલગ કરી મોતની સજાનો અમલ કરવામાં આવે છે. જૂનાગઢના ઉપરકોટમાં ધક્કા બારી છે. ગુનેગારને ત્યાંથી ઘા કરી મોતની સજા અપાતી. અગાઉના સમયમાં ઝેરી નાગ કરડાવીને, હાથીના પગ નીચે કચડીને, જંગલી જાનવરોને સોંપી દઈને અને પથ્થરો મારીને મારી નાખવાની સજા પણ અપાતી હતી. કેવી રીતે મોતની સજા આપવી તેમાં પણ વાદ-વિવાદ છે. એક વિચારસરણી એવી છે કે ગુનેગારને એવી ક્રૂરતાથી મારો કે બીજો કોઈ એવો ગુનો કરવાની હિંમત ન કરે. બીજી વિચારસરણી એવી છે કે, મારી જ નાખવાનો છે તો તેને કોઈ દર્દ ન થાય એવી રીતે મારો. ત્રીજી વિચારસરણી એવી છે કે, મારો નહીં, પણ આખી જિંદગી જેલમાં ખરાબ રીતે સબડાવો. એવી રીતે કે, મોતને પણ જિંદગીની દયા આવી જાય! મોત આપીએ તો તો ગુનેગાર મુક્ત થઈ જાય, તેને જિંદગીની દરેક ક્ષણે અફ્સોસ થાય એવી સજા આપવી જોઈએ. આ સિવાય પણ ચર્ચાના અનેક મુદ્દાઓ છે.
મોતની સજા સુણાવ્યા પછી અને મોતના માંચડે લટકાવ્યા સુધીનો સમય કેટલો હોવો જોઈએ?ચટ મંગની પટ બ્યાહની જેમ ચટ સજા અને પટ અમલની જેમ તરત જ કે લાંબી પ્રોસેસ પછી?દુનિયાના ૫૮ દેશોમાં મોતની સજા છે તો સામા પક્ષે ૯૫ દેશો એવા છે જે ગમે તેવા ગુનેગારને પણ મોતની સજા આપતા નથી. જો કે જ્યાં મોતની સજા છે તેવા દેશોમાં ભારત જેટલો વિલંબ કદાચ ક્યાંય થતો નહીં હોય!
અજમલ કસાબે તો એક વાર એવું પણ કહી દીધું હતું કે, મને લટકાવી દો એટલે કામ પતે! લોકો એવી પણ વાતો કરે છે કે એ તો મરવા જ આવ્યો હતો. એ તો જીવતો પકડાઈ ગયો એટલે આ આખું પ્રકરણ થયું! સંસદ પર હુમલાના કેસના આરોપી અફ્ઝલ ગુરુએ કાશ્મીરના ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને એક પત્ર લખ્યો હતો.તેમાં એવું લખ્યું હતું કે રાષ્ટ્રપતિને દયાની અરજી કરીને મેં ભૂલ કરી છે. હું તો મરી જવા માગું છું અને શહીદ થવા માગું છું! ફાંસીના એક ગુનેગારે એવું કહ્યું હતું કે, મોતની રાહ જોવી એના કરતાં તો મરી જવું સારું. મોતની રાહ જોવાની પીડા મોતથી પણ બદતર છે.
જો કે આપણે ત્યાં હંમેશાં ફિલ્મી દૃશ્યો જેવા જ ઘાટ ઘડાય છે. ગુનેગાર ફાંસીના માંચડા સુધી પહોંચી ગયો હોય ત્યારે જ હીરો કે હિરોઈનની એન્ટ્રી થાય છે... ઠહરીયે જજ સાહેબ, અને ફાંસી અટકી જાય છે. અણી ચૂક્યો સો વર્ષ જીવે એવી આપણે ત્યાં કહેવત છે અને આવી અણીઓ ચૂકવીને અનેક કુખ્યાત આરોપીઓ અત્યારે જેલમાં આરામ ફરમાવે છે.
ભારતમાં છેલ્લે ઓગસ્ટ, ૨૦૦૪માં કોલકાતામાં ધનંજય ચેટરજીને ફાંસીની સજા આપવામાં આવી હતી. તા. પાંચમી માર્ચ, ૧૯૯૦ના દિવસે ધનંજયે ૧૮ વર્ષની ગુજરાતી યુવતી હેતલ પારેખ ઉપર બળાત્કાર કરી તેની હત્યા કરી હતી. એ અગાઉ તા. ૨૭મી એપ્રિલ, ૨૦૦૫ના ચેન્નાઈમાં ઓટો શંકર નામના એક સિરિયલ કિલરને ફાંસીની સજા અપાઈ હતી. ગુજરાતમાં છેલ્લે રાજકોટની જેલમાં તા. ૧૬મી મે, ૧૯૮૯ના રોજ શશીકાંત માળીને ફાંસી આપવામાં આવી હતી. શશીકાંત માળીએ રાજકોટના વકીલ હસુભાઈ દવેના પિતા ગૌરીશંકર દવે, હસુભાઈનાં ભાભી આશાબહેન નિરંજનભાઈ દવે અને બીજા ભાઈની ચાર વર્ષની દીકરી વિભા નરેન્દ્રભાઈ દવે એમ ત્રણની હત્યા કરી હતી.
ભારતમાં આઝાદી પછી કુલ કેટલા ગુનેગારોને ફાંસીની સજા અપાઈ એ વિશે પણ વાદ-વિવાદ છે. સરકારી આંકડા મુજબ આઝાદી પછી કુલ પંચાવન લોકોને ફાંસીના માંચડે ચડાવી દેવાયા છે. જ્યારે પીપલ્સ યુનિયન ડેમોક્રેટિક રાઈટ્સ નામના સંગઠને બહાર પાડેલા આંકડા કહે છે કે,૧૯૫૩થી ૧૯૬૪ દરમિયાન ભારતનાં વિવિધ રાજ્યોમાં ૧૪૨૨ ગુનેગારોને ફાંસીની સજા અપાઈ હતી. આમ આ આંકડામાં પણ મોટો વિરોધાભાસ છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં દેશની જુદી જુદી અદાલતોએ અંદાજે ત્રણસો જેટલા ગુનેગારોને ફાંસીની સજા ફરમાવી છે. રાષ્ટ્રપતિ પાસે ૨૫થી વધુ દયાની અરજીઓ પડી છે. રાજીવના હત્યારાની ફાંસી સામે સ્ટે અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના અફ્ઝલ અંગેના બયાન પછી ભારતમાં ફાંસીની સજાનો મુદ્દો ફરીથી ચર્ચા અને વિવાદમાં છે. ફાંસીની સજા સંભળાવી દીધા પછી થતાં વિલંબ વિશે જ નિયમો અને કાયદા બનાવવાની જરૂર ઊભી થઈ છે. તમને એવું નથી લાગતું કે, કેટલા સમયમાં ફાંસી આપી દેવી જોઈએ, તેની કોઈ સમયમર્યાદા હોવી જોઈએ? કરુણતા એ છે કે, આપણે ત્યાં દયાના કારણે નહીં, પણ રાજકારણના કારણે ફાંસીની સજા આપવામાં વિલંબ થાય છે! કોઈના મોતના મુદ્દે રાજકારણ રમી મત મેળવવાની દાનત દયાજનક છે અને લોકશાહીને જો ધર્મ માનતા હોઈએ તો આવી દાનત એ પાપ છે!