
નવી દિલ્હી, તા. ૯
દિલ્હી હાઇકોર્ટ વિસ્ફોટમાં એક ઇજાગ્રસ્તના શરીરમાં ‘૧૦૦૦થી વધુ છરા’ ઘૂસી ગયા છે અને તેણે આજીવન શરીરમાં આ છરાઓ સાથે જીવવું પડી શકે તેમ તેની સારવાર કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું હતું. સોફ્ટવેર કન્સલટન્ટ ૩૭ વર્ષીય નીતિન હાલ રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. તેના પગ,જમણા હાથ અને ચહેરાની જમણી બાજુ સંખ્યાબંધ છરા ઘૂસી ગયા છે.
આરએમએલ હોસ્પિટલના ચીફ મેડિકલ ડોક્ટર સુનીલ સક્સેનાએ જણાવ્યું હતું કે અનેક ઇજાગ્રસ્તોના શરીરમાં છરા ઘૂસી ગયેલા છે. જોકે, નીતિના કિસ્સામાં આઘાતજનક બાબત એ છે કે તેના શરીરમાં ૧,૦૦૦થી વધુ છરા ઘૂસી ગયા છે. ત્રાસવાદીઓએ આ વખતના વિસ્ફોટમાં ઉપયેગમાં લીધેલા છરા-ખીલીઓ થોડી વધુ લાંબી હતી. અન્ય એક ઇજાગ્રસ્ત પ્રમોદકુમાર મહિન્દ્રાના થાપામાં સી આકારે ખીલીઓ ઘૂસી ગઇ હતી.
નીતિનને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તે બેભાન હતો. તેના પગ, હાથ અને ચહેરા પરથી લોહી નિકળતું હતું. તે સમયે તેની સ્થિતિ આઘાતજનક હતી. તેના પર તાત્કાલિક શસ્ત્રક્રિયા કરાઇ હતી અને તેને થોડો સમય માટે આઇસીયુમાં રાખવામાં આવ્યો હતો. હવે તેની સ્થિતિ સુધારા પર છે. વિસ્ફોટ સમયે ઊંચા તાપમાનને કારણે છરા જંતુરહિત થઇ જવાથી તેનાથી ચેપ નહીં લાગે. ડોક્ટરોએ હજી સુધી તેના શરીરમાંથી છરા કાઢવાનો કોઇ પ્રયાસ કર્યો નથી, કારણ કે તેના માટે તે ઘાતકી નિવડી શકે છે.
રતન લાલ શ્રોફે વિસ્ફોટમાં તેના બંને પગ ગુમાવ્યા અને તેના શરીરમાં પાછળના ભાગમાં છરા ઘૂસી ગયા છે. ધીમે ધીમે છરા પર ત્વચા આવી જશે. તેથી તે ક્યારેય દેખાશે નહીં. હાલમાં હોસ્પિટલમાં ૩૧ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, જેમાં ત્રણની હાલત ગંભીર છે. ૧૩ને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.
સક્સેનાએ જણાવ્યું હતું કે જરૂર જણાશે તો આવા દર્દીઓને તેઓ એક મેડિકલ કાર્ડ પૂરું પાડશે,જે દર્શાવશે કે આ વ્યક્તિના શરીરમાં ધાતુના પાર્ટ્સ છે. હવાઇ મથક સહિત અન્ય સ્થળો પર ઇલેક્ટ્રોનિક સ્ક્રીનિંગ દરમિયાન આ કાર્ડ તેમને મદદરૂપ થઇ શકશે.
- નીતિને આજીવન શરીરમાં છરા-ખીલીઓ સાથે જીવવું પડી શકે : ડોક્ટર્સ
- અનેક ઇજાગ્રસ્તોના શરીરમાં છરા ઘૂસી ગયા