Friday, September 9, 2011

દગડુ શેઠ ગણેશને ભક્તે ૨ કરોડનું ફૂલ ચઢાવ્યું


પૂણેતા.૯
દેશભરમાં અને સમગ્ર મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં ગણેશ ઉત્સવની રંગેચંગે ઉજવણી થઈ રહી છે ત્યારે વિવિધ ગણેશ મંડળોને ભક્તો દ્વારા કરોડો રૂપિયાની કિંમતી ચીજવસ્તુઓ દાનમાં મળી રહી છે. પૂણેના ૧૧૮ વર્ષ જૂના શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ગણપતિ મંડળને તેના એક અજાણ્યા ગણેશ ભક્તે અનોખી ચીજ દાનમાં આપતાં આ ગણેશ મંડળ રાતોરાત કરોડપતિ બની ગયું છે. આ વર્ષે દગડુ શેઠ ગણેશને કોઈ અજાણ્યા ભક્તે ગોલ્ડ પ્લેટેડ પણ પ્લેટિનમમાંથી બનાવેલું હીરા જડિત સૂર્યમુખીનું ફૂલ દાનમાં આપ્યું છે. ગણેશજીની મૂર્તિ સમક્ષ કોઈ ભક્ત ચૂપચાપ આ ફૂલ ચઢાવી ગયું છે. જેને કારણે આ ગણેશ મંડળ રાતોરાત ધનવાન બની ગયું છે.
  • ગોલ્ડ પ્લેટેડ સૂર્યમુખીનું હીરા જડિત ફૂલ દાનમાં આપ્યું
મંડળના પ્રમુખ અશોક ગોડસેના જણાવ્યા મુજબ એક ભક્ત ગોલ્ડ પ્લેટેડ સૂર્યમુખીનું ફૂલ ગણેશજીના પગમાં મુકી ગયા છે. જેમાં વચ્ચે સાચા હીરા જડેલા છે. આ ફૂલનું વજન આશરે ૧ કિલો છે. ભક્તે તેમનું નામ જાહેર નહીં કરવાની શરતે આ ફૂલ મંડળને દાનમાં આપ્યું છે. બે વર્ષ અગાઉ આવા જ એક અજાણ્યા ભક્તે શ્રીમંત દગડુ શેઠ ગણેશને રૂ. ૨ કરોડની કિંમતનો ૯ કિલો સોનાનો નેકલેસ ચઢાવ્યો હતો. આ ભક્તે પણ તેની ઓળખ છુપી રાખી હતી.
એક એનઆરઆઈ દ્વારા ૨૦૦૬માં ૧ કરોડની કિંમતનો સોનાનો સેટ ગણેશજીને દાનમાં આપવામાં આવ્યો હતો. વિશ્રામબાગ નજીક ગણેશ મંદિરમાં ગણપતિને કાયમ માટે સોનાના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા છે.
ચાર વર્ષ પહેલાં એક જ્વેલર્સ દ્વારા દગડુ શેઠ ગણેશને સોનાની ધોતી ચઢાવવામાં આવી હતી. જ્યારે કસ્બા ગણપતિ અને તમ્બાડી જોગેશ્વરીના ગણેશ મંડળોએ ગણપતિ માટે ચાંદીના મુગટ અને સિંહાસન બનાવરાવ્યાં હતાં. આ માટે બંને મંડળોએ ૩૫ લાખનો ખર્ચ કર્યો હતો.