
મેલબોર્ન, તા. ૨૨
તેની યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો આવ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ આજે ભારતીય સહિત વિદેશના વિદ્યાર્થીઓને આકર્ષવા માટે તેના સ્ટુડન્ટ વીઝા નિયમો હળવા કરવાની જાહેરાત કરી હતી. ન્યૂ સાઉથ વેલ્સના ભૂતપૂર્વ પ્રધાન માઇકલ નાઇટના અધ્યક્ષપદે સ્ટુડન્ટ વીઝા કાર્યક્રમની સમિક્ષાને પગલે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓમાં વર્ષ ૨૦૧૨ના બીજા સેમેસ્ટરથી નવા ફેરફાર અમલી બનશે.
નવા નિયમો હેઠળ સ્ટુડન્ટ વીઝા માટે નાણાકીય જરૃરિયાતો ઘટાડાશે. અરજદારે વર્તમાન સમય કરતાં તેમના બેન્ક એકાઉન્ટમાં ૩૬,૦૦૦ ડોલર ઓછા જમા કરાવવાની જરૃર પડશે. નવા અભ્યાસ બાદના વર્ક વીઝા પણ વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં તેમનો કોર્સ પૂરો થયા બાદ તેમના ક્વોલિફિકેશનના સ્તરના આધારે બેથી ચાર વર્ષ સુધી કામ કરવાની છૂટ આપશે.
નોંધપાત્ર બાબત એ છે કે અગાઉ કેનબેરાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે વીઝા નિયમો આકરા બનાવ્યા હતા. તે સમયે તેમણે એવું કારણ આગળ ધર્યું હતું કે સ્ટુડન્ટ વીઝા હેઠળ મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ કૂકરી અને હેર-કટિંગ જેવા અકુશળ વોકેશનલ કોર્સમાં પ્રવેશ મેળવીને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા આવે છે. આજ કારણોસર છેલ્લા કેટલાક સમયમાં ભારતીય વિદ્યાર્થીઓ પર શ્રેણીબદ્ધ હુમલા થયા હતા.
ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન અધિકારીએ ગયા વર્ષે વીઝા નિયમોને આકરા બનાવતી વખતે જણાવ્યું હતું કે અમે ડોક્ટર્સ અને નર્સના બદલે હેરડ્રેસર્સને વિદેશમાંથી બોલાવીએ છીએ. આ બાબતનો કોઇ અર્થ નથી. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા બે વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાના ૧૦૦થી વધુ બનાવો નોંધાયા હતા. આ હુમલા મુખ્યત્વે વિક્ટોરિયા પ્રાંતમાં થયા હતા.
નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનર પીટર વર્ગીસે ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વીઝા નિયમોમાં ફેરફારની જાહેરાતને આવકારી હતી. આ ફેરફારોને મહત્ત્વપૂર્ણ ગણાવતાં તેમણે જણાવ્યું હતું કે આ ફેરફારથી ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક ક્ષેત્રની સ્પર્ધાત્મક્તા વધશે અને તેને પરિણામે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે વીઝા ઝડપી અને સરળ બનશે. વીઝા નિયમો આકરા બનતાં અને વૈશ્વિક નાણાકીય કટોકટીને પગલે ઓસ્ટ્રેલિયાના શેક્ષણિક ક્ષેત્રમાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશની સંખ્યા ઘટીને લગભગ અડધી થઈ ગઈ હતી.
- નવા ફેરફાર આગામી વર્ષે ઓસી. યુનિ.ના બીજા સેમેસ્ટરથી અમલી બનશે
- નવા નિયમ મુજબ બેન્ક એકાઉન્ટમાં ૩૬,૦૦૦ ડોલર ઓછા જમા કરાવવા પડશે
- અભ્યાસ બાદ વર્ક વીઝામાં પણ ફેરફાર કરાયો