અમદાવાદ, તા.૨૪
યુવાધન અને તેમાંય ખાસ કરીને ટીનએજર્સને ટાર્ગેટ કરતા હુક્કાબાર પર કાયમી પ્રતિબંધ લાદવા પોલીસ કમિશનર સુધીર સિંહાએ શનિવારે આદેશ કર્યો છે. હુક્કાબારને ‘સામાજિક દૂષણ’ ગણાવી કમિશનરે તેને ‘કોઇ પણ રીતે કાયદેસરતા આપવા’ની હુક્કાબારના સંચાલકોની દરખાસ્તને ફગાવી દીધી છે. યુવા પેઢીને બરબાદ કરતી આ બદી સામે ‘સંદેશ’એ છેડેલા અભિયાન બાદ કમિશનરે પોતાને મળેલી સત્તાનો ઉપયોગ કરી કાયમી ધોરણે હુક્કાબાર પર પ્રતિબંધ લાદતો આદેશ જારી કર્યો છે. આ અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કરી આવતીકાલથી સખ્તાઇપૂર્વક અમલ કરવા તંત્રને સૂચના અપાઈ છે.
હુક્કાબાર પર કાયમી પ્રતિબંધ ન લદાય તે માટે હુક્કાબાર માલિકોએ અનેક પ્રકારના કાનૂની દાવપેચ, દબાણ સહિતના કાવા- દાવા કર્યા હતા. સાર્વજનિક રેસ્ટોરાંમાં ચોક્કસ શરતોને આધિન ગ્રાહકો હુક્કાની મજા માણી શકે તે માટે રજૂઆત થઇ હતી. આ રજૂઆત અન્વયે આ અગાઉ કમિશનરે ચોક્કસ નિયમોને આધીન ગ્રાહકોને હુક્કા પૂરા પાડવા મંજૂરી આપી હતી. પરંતુ યુવાધનને આ દૂષણથી બચાવવા, હુક્કાબારમાં નશાના માહોલમાં થતા ઘર્ષણ, લૂંટ સહિતના વિવિધ ગુના અટકાવવા હોટલ, રેસ્ટોરાંમાંથી હુક્કાબાર હટાવવા જરૂરી હોવાનો પોલીસ તંત્રને અહેસાસ થયો હતો. આ હકીકતને ધ્યાનમાં લઈ હુક્કાબાર અંગે અગાઉ પ્રસિધ્ધ કરાયેલા ત્રણ જાહેરનામા રદ કરી ચોથું જાહેરનામુ આજે શનિવારે પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામુ પ્રસિધ્ધ કરતા પૂર્વે પોલીસે સંચાલકો પાસેથી વાંધા પણ મંગાવ્યા હતા. જેમાં વાજબીપણુ ન લાગતા આખરે સુલેહ- શાંતિ, કાયદો અને વ્યવસ્થા તથા જાહેર જનતાના સ્વાસ્થ્યના હિતમાં આવતીકાલથી કાયમી ધોરણે હુક્કાબારને બંધ કરી દેવા આદેશ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે,૨૦૦૫થી અત્યારસુધીમા હુક્કાબારને લગતા ત્રણ જાહેરનામા પૈકી પ્રથમ ૨ ડિસેમ્બર,૨૦૦૫, ૧૪ મે-૨૦૦૯ અને ત્રીજુ ૯ જૂન-૨૦૧૦ના રોજ પ્રસિધ્ધ કરાયું હતું. જેમાં હુક્કાબાર ચલાવવા છૂટછાટ આપતી ગાઈડલાઈન્સ જાહેર કરાઈ હતી. છેલ્લે ૧૪ જુલાઈએ સુધીર સિંહાએ હુક્કાબાર પર પ્રતિબંધ લાદતુ જાહેરનામુ હંગામી ધોરણે પ્રસિધ્ધ કરી હુક્કાબાર ચલાવવા ૨૫ સંચાલકોને અપાયેલા પરવાના જપ્ત કરી મંજૂરી રદ કરી હતી. જેને કાયમ રાખતું નવું જાહેરનામુ આજે પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.
કયા કારણોસર હુક્કાબારને કાયદેસરતા નહીં ?
સાર્વજનિક ખાનપાનની જગ્યામાં ગ્રાહકોને હુક્કા પૂરા પાડવાથી આવી જગ્યાએ આવતો યુવાવર્ગ બરબાદ થાય તેવી મોટી શકયતા છે. વળી, હુક્કાબારના લીધે અન્ય હોટલ,રેસ્ટોરન્ટની આવકમાં ઘટાડો થાય છે, જેથી અન્ય હોટલ કે રેસ્ટોરન્ટ પણ હુક્કાબાર શરુ કરવા પ્રેરિત થાય છે. એન્ટી સ્મોકીંગ એકટ- ૨૦૦૩ની કલમ ૪ અને ૨૧ અનુસાર જાહેર જગ્યામા ધૂમ્રપાન ગુનો બને છે. કલમ ૪માં યોગ્ય કેસોમા છૂટછાટ આપવાની જોગવાઇ છે પણ આ છૂટછાટ આપવી કલમ ૪ મુજબ આ છૂટછાટ આપવી ફરજિયાત નથી. આ છૂટછાટ માત્ર વ્યકિતગત કારણસર વિચારી શકાય. કોમર્શીયલ વપરાશ માટે છુટછાટ આપવી યોગ્ય જણાતી નથી. જેથી જાહેરજનતાને આ દૂષણથી રક્ષણ આપવુ જ રહ્યું. જેને પગલે હુક્કાબારને કાયદેસરતા આપી શકાય નહીં.
પોલીસે સત્તા બહાર મંજૂરી આપી હતી !
અમદાવાદના પોલીસ કમિશનરપદે કે. આર. કૌશિક હતા ત્યારે તેમણે પોતાની સત્તાનો ઉપયોગ કરી પરવાના આપી હુક્કાબાર ચાલુ રાખવા મંજૂરી આપી હતી. પરવાનાધારક માટે તેમણે ગાઈડલાઈન્સ ઈશ્યૂ કરી હતી. પરંતુ ધીમે ધીમે પરવાનાધારકો ગાઈડલાઈન્સનો ભંગ કરી ગેરકાયદે રીતે હુક્કાબાર ચલાવવા લાગ્યા. જો કે, પોલીસને હુક્કાબારના પરવાના આપવાની કોઈ જ સત્તા નથી. તેનો ભંગ કરીને અત્યાર સુધી એટલે કે છેલ્લા પાંચ વર્ષથી હુક્કાબાર ધમધમ્યા !
કે.આર. કૌશિકે શરૂ કરાવેલા હુક્કાબારને સુધીર સિંહાએ તાળાં મરાવ્યા
તત્કાલીન પોલીસ કમિશનર કે.આર. કૌશિકે તેમના સમયગાળામા હુક્કાબારને પરવાના આપ્યા હતા. તેનુ પાલન કરનારા સંચાલકોને બખ્ખા થઇ ગયા. ગાઈડલાઈન્સની આડમાં ગેરકાયદે પ્રવૃતિઓ વર્ષો સુધી ચાલી. હાઈકોર્ટે બેરોકટોક ચાલી રહેલા અને સામાજિક દૂષણ ગણાતા હુક્કાબાર સામે કાર્યવાહી કરવા નિદેશ આપ્યો. છતાંય પોલીસના પેટનું પાણી હાલ્યુ નહીં. આખરે ‘સંદેશ’ દ્વારા અવારનવાર કરાયેલા સ્ટીંગ ઓપરેશનમા પોલીસની શંકાસ્પદ નીતી ખુલ્લી પડી. જે પછી હવે સુધીર સિંહાએ કે. આર. કૌશિકે જારી કરેલું જાહેરનામું રદ કરી કાયમી પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ.