Tuesday, September 20, 2011

ગરીબ મહિલાઓ પર હૃદય રોગનું જોખમ વધુ


ન્યૂયોર્કતા.૨૦
તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કેહાઈસ્કૂલનું શિક્ષણ પરિપૂર્ણ નહીં કરેલી મહિલાઓમાં વધુ શિક્ષણ મેળવી ચૂકેલી મહિલાઓ કરતાં હૃદય રોગના હુમલાનું જોખમ વધારે રહે છે. આનો મતલબ એ થયો કેગરીબ મહિલાઓમાં હૃદય રોગના હુમલાનું જોખમ વધારે છે. ન્યૂ હેવનમાં યાલે સ્કૂલ ઓફ મેડિસિનના કાર્ડિયોલોજિસ્ટે જણાવ્યું હતું કેગરીબ અને ઓછું શિક્ષણ મેળવેલી મહિલાઓમાં હૃદય રોગનું જોખમ વધુ છે.
હૃદય રોગના હુમલા પાછળ સામાજિક સંજોગો પણ જવાબદાર હોવાની બાબત પ્રથમ વખત જાણવા મળી છે. ૨૬ હજાર સ્વસ્થ મહિલાઓને આવરી લઈને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. અમેરિકી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થના સર્વેમાં અન્ય ઘણી બાબત પણ જાણવા મળી હતી. આરોગ્ય અને લાઈફ સ્ટાઈલની પદ્ધતિના આધારે આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં સંશોધકોએ તેમનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
  • હૃદય રોગના હુમલા સાથે ઓછી આવકને પણ સીધો સંબંધ હોવાનું સર્વેમાં જણાયું
અહેવાલ મુજબ દર વર્ષે ૨૦,૦૦૦ ડોલર કરતાં ઓછી આવક ધરાવતી ૧૦,૦૦૦ મહિલાઓ પૈકી ૫૭ મહિલાઓ હૃદય રોગના હુમલાના કારણે હોસ્પિટલમાં પહોંચી હતી. બીજી બાજુ ૫૦,૦૦૦થી વધુની વાર્ષિક આવક ધરાવનાર ૧૦,૦૦૦ મહિલાઓ પૈકી સરેરાશ ૧૭ મહિલાઓ હોસ્પિટલમાં આ રોગ સાથે દાખલ થઈ હતી. આનો મતલબ એ થયો કે હૃદય રોગના હુમલા સાથે ઓછી આવકને પણ સીધા સંબંધ છે. સૌથી ઓછી આવક ધરાવતાં બ્રેકેટમાં જોખમ ૫૬ ટકાની આસપાસ છે. જ્યારે સમૃદ્ધ મહિલાઓમાં જોખમ ઓછું રહેલું છે. ઉપરાંત હાઈસ્કૂલનું શિક્ષણ પૂર્ણ કરનાર મહિલાઓમાં કોલેજ પહોંચેલી મહિલાઓ કરતાં હૃદય રોગનું જોખમ ૨૧ ટકા વધુ રહેલું છે. અમેરિકી સંશોધકો દ્વારા કરાયેલા આ અભ્યાસને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. આગામી દિવસોમાં આના તારણોમાં વધુ અભ્યાસ કરવામાં આવે તેવી શક્યતા છે.