Tuesday, September 20, 2011

ભારતનું વિશ્વની સૌથી મોટી ત્રીજી ઈકોનોમી તરફ પ્રયાણ


નવી દિલ્હી. તા.૨૦
રૃપિયાની ખરીદશક્તિના સંદર્ભમાં અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો પરચેઝિંગ પાવર પેરિટીના સંદર્ભમાં જ્યાં સુધી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ને લાગેવળગે ત્યાં સુધી ભારત ૨૦૧૧માં જાપાનને પછાડીને વિશ્વની સૌથી મોટી ત્રીજી ઈકોનોમી બનવા જઈ રહી છે. ભારત અત્યારે વિશ્વની સૌથી મોટી ચોથા નંબરની ઈકોનોમીનો દરજ્જો ધરાવે છે. પહેલા નંબરે અમેરિકાબીજા નંબરે ચીન અને ત્રીજા નંબરે જાપાનનો વારો આવે છે. ઈકોનોમીના ૨૦૧૦ના આંકડાઓ પર નજર કરીએ તો જાપાનની ઈકોનોમી ૪.૩૧ ટ્રિલિયન ડૉલર હતી જ્યારે ભારતની ઈકોનોમી ૪.૦૬ ટ્રિલિયન ડૉલર હતી. જાપાનમાં માર્ચમાં વિનાશક ભૂકંપ અને સુનામી ત્રાટક્યા પછી તેનો ગ્રોથ રેટ ઘટયો છે જ્યારે ભારતનો ગ્રોથ રેટ આ વર્ષે ૭થી ૮ ટકાની વચ્ચે રહે તેવી શક્યતા છે. ૨૦૧૧માં ભારત જાપાનને ઓવરટેક કરીને ત્રીજું સ્થાન આંચકી લેશે તેવું ક્રિસિલના સિનિયર ઈકોનોમિસ્ટ સુનિલ સિંહાએ જણાવ્યું હતું. ભારતની ઈકોનોમી ૨૦૧૧ના અંતે ૫ ટ્રિલિયન ડૉલર પર પહોંચવાની ધારણા છે.
આઈએમએફની આગાહી મુજબ જીડીપીના સંદર્ભમાં ભારત અને જાપાનની ઈકોનોમી વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે અને નેક-ટુ-નેક ચાલે છે. ભૂકંપ અને સુનામીને કારણે જાપાન પાછળ રહી જશે તેવું જણાય છે. જો આ કારણને ધ્યાનમાં ન લઈએ તો ભારત ૨૦૧૩-૧૪માં જાપાન કરતાં આગળ નીકળી ગયું હોત. સિંગલ કરન્સીના વિનિમય દરના સંદર્ભમાં જુદા જુદા દેશોના પ્રાઈસ લેવલને ધ્યાનમાં લઈને પરચેઝિંગ પાવર પેરિટી નક્કી કરવામાં આવે છે. જેમાં ભારત જાપાન કરતાં આગળ છે. આ પદ્ધતિમાં ડૉલર વિશ્વમાં કોઈપણ સ્થળે સમાન માત્રામાં ચીજવસ્તુઓ ખરીદવા માટે સક્ષમ હોય છે અને વિનિમય દર તે પ્રમાણે એડજસ્ટ થતો હોય છે.
  • જીડીપીના સંદર્ભમાં જાપાનને પછાડવાની તૈયારીમાં
ઈકોનોમિસ્ટ બિગ મેક્સના ૧૨૦ દેશોના ઈન્ડેક્સમાં ચલણના વાસ્તવિક દરને ધ્યાનમાં લઈને પીપીપીની ગણતરી કરવામાં આવે છે. આ ઈન્ડેક્સમાં ભારતને હમણાં જ સ્થાન અપાયું છે. જે મુજબ ઓગસ્ટમાં ડૉલરના મૂલ્યના સંદર્ભમાં ભારતનો રૃપિયો ૫૩ ટકા અન્ડરવેલ્યુડ હતો.
અગાઉ પ્રાઈસવોટર હાઉસ કુપરના રિપોર્ટ મુજબ ભારતની ઈકોનોમી ૨૦૧૨માં જાપાનને પછાડીને આગળ નીકળી જાત તેવી ગણતરી હતી. આઈએમએફના મતે જાપાનની ઈકોનોમી આ વર્ષે ૦.૭ ટકા રહેવાની ધારણા છે જ્યારે ભારતનો ગ્રોથ રેટ ૮.૨ ટકા રહેવાની શક્યતા છે. ભારતની ઈકોનોમીનું વિશ્વભરમાં હવે પ્રભુત્વ વધશે તેવું અનુમાન છે.
ભારત એક સમયે વિદેશી સહાય પર નિર્ભર હતું પણ હવે તે બ્રાઝિલરશિયા અને ચીનની હરોળમાં આવી ગયું છે અને યુરોઝોનના દેશોને સ્થિર કરવા માટે ફંડ રચવાની ક્ષમતા ધરાવતું થયું છે. કેરના ઈકોનોમિસ્ટ મદન સબનવિસના જણાવ્યા મુજબ ભારત હવે ઊંચો ગ્રોથ રેટ હાંસલ કરવાની શક્તિ ધરાવે છે. તેને ઝડપથી વિકાસ પામતી ઈકોનોમી તરીકે મૂલવવામાં આવે છે. તેને વિશાળ કદ અને જંગી વસ્તીનો લાભ મળ્યો છે. તેની પાસેનાં સંસાધનો તેના વિકાસને વેગ આપી શકે તેમ છે. બાર્કેલઝના સિદ્ધાર્થ સન્યાલના જણાવ્યા મુજબ ભારતની ઈકોનોમીમાં વિપુલ માંગ રહેલી છે. જે તેને ઊંચા ગ્રોથ તરફ લઈ જાય છે.
યેનના મૂલ્ય મુજબ ગ્રોથ
આઈએમએફની આગાહી મુજબ ભારત આ વર્ષે થોડું આગળ રહેશે
(પરચેઝિંગ પાવર પેરિટી મુજબ જીડીપી)
(અબજ ડૉલરમાં)
૨૦૦૯--- ૪૧૦૭--૩૬૪૫
૨૦૧૦---૪૩૧૦--૪૦૬૦
૨૦૧૧---૪૪૧૮--૪૪૪૮
૨૦૧૨---૪૫૭૧--૪૮૬૩
૨૦૧૩---૪૭૦૮--૫૩૩૪
૨૦૧૪---૪૮૫૦--૫૮૬૨