લંડન, તા. ૩૧
એશિયામાં એક અબજ ડૉલરથી વધુ વેચાણ ધરાવતી ૨૦૦ કંપનીઓની યાદી ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં ભારતની ૩૫ કંપનીઓએ સ્થાન મેળવ્યું છે. ચીનની ૬૫ અને હોંગકોંગની ૬૫ કંપનીઓ આ યાદીમાં ચમકી છે. ભારતીય કંપનીઓમાં કેમિકલ બેઝ્ડ ઈન્ડસ્ટ્રિયલ ઈન્ટરમિડિયેટ્સ અને પોલીપ્લેક્સ તેમજ પોલીયેસ્ટર ફિલ્મ બનાવતી કંપની એસઆરએફને સ્થાન મળ્યું છે. જ્યારે આઈટી ર્સિવસીસ પ્રોવાઈડર ગ્લોડાઈન ટેકનોસર્વનો પણ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
૨૦૧૧ની યાદીમાં ચમકતી કંપનીઓમાં ભારતની બેટરીઓ બનાવતી એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝે પણ સ્થાન મેળવ્યું છે. જેણે છેલ્લા ૧૨ મહિનામાં વેચાણનો આંક ૧ અબજ ડૉલરને પાર કર્યો છે. એશિયા પેસિફિકની જે કંપનીઓએ વર્ષ દરમિયાન ૫૦ લાખ ડૉલરથી ૧ અબજ ડૉલરની વચ્ચે આવક કરી હોય અને વેચાણ કર્યું હોય તેને સમાવવામાં આવી છે. ઈક્વિટી પર કંપની દ્વારા આપવામાં આવેલા વળતરને પણ તેમાં ધ્યાનમાં લેવાયું છે.
૨૦૦૮માં વૈશ્વિક સ્તરે મંદી શરૃ થયા પછી જે કંપનીઓ મંદીમાં પણ ટકી રહી હોય અને સારો દેખાવ કર્યો હોય તેને યાદીમાં સમાવવામાં આવી હોવાનું ફોર્બ્સ એશિયાનાં એડિટર ટિમ ફર્ગ્યુસને જણાવ્યું હતું. સરેરાશ ૧૩ ટકા ડેટ ઈક્વિટી રેશિયો ધરાવતી અને કંપનીઓને તેમાં સ્થાન અપાયું છે અને આમાંની ૬૭ કંપનીઓ જરાપણ દેવું ધરાવતી નથી.
પાકિસ્તાનની બે કંપનીઓ મિલ્લાત ટ્રેકટર્સ અને સોફ્ટવેર કંપની નેટસોલ ટેકનોલોજીસને યાદીમાં સમાવવામાં આવી છે જ્યારે શ્રીલંકાની ચાર કંપનીઓ એશિયન એલાયન્સ ઈન્સ્યોરન્સ,સિલોન ઈન્વેસ્ટમેન્ટ, રેણુકા હોલ્ડિંગ્સ અને ચિકન પ્રોસેસિંગ કંપની બૈરાહા ફાર્મનો સમાવેશ થાય છે.
- એક અબજ ડૉલરનું વેચાણ ધરાવતી કંપનીઓને સ્થાન અપાયું
- એશિયાની ૨૦૦ કંપનીઓમાં ચીન અને હોંગકોંગની ૬૫-૬૫ કંપનીઓ