
નવી દિલ્હી, તા.૧૩
ભારતના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને ૨૦૦૮ બીજીંગ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર અભિનવ બિન્દ્રાને લેફ્ટનન્ટ કર્નલની માનદ્ પદવી પ્રદાન કરવામાં આવી છે. સેનાના સર્વાેચ્ચ કમાન્ડર અને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા બન્ને ખેલાડીઓને આ માનદ પદવી પ્રદાન કરવામાં આવી હતી. આ વિશે રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ધોની અને અભિનવ બિન્દ્રાએ રમતોમાં આપેલા અમૂલ્ય યોગદાન અને જુદા જુદા પ્રસંગે બતાવેલી સેના પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે બન્ને ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્વારા સેનામાં લેફ્ટનન્ટ કર્નલની માનદ્ પદવી પ્રદાન કરવામાં આવી છે. ધોનીએ ટીમના કેપ્ટન બન્યા બાદ ભારતને ક્રિકેટમાં નવી ઊંચાઈએ પહોંચાડયું છે અને તેની આગેવાનીમાં ભારતે ટ્વેન્ટી અને વન-ડેમાં વર્લ્ડકપ મેળવ્યો છે. આ ઉપરાંત ટેસ્ટમાં પણ ભારતને નંબર વનના સ્થાને પહોંચાડયું હતું. જ્યારે શૂટર અભિનવ બિન્દ્રાએ બીજીંગ ઓલિમ્પિક્સમાં ભારતને એકમાત્ર ગોલ્ડ મેડલ અપાવીને ગૌરવ અપાવ્યું હતું. આ પહેલાં ભારતના કપિલદેવને કર્નલ અને સચિન તેંડુલકરને એરફોર્સમાં ગ્રૂપ કેપ્ટનની માનદ્ પદવી પ્રદાન કરવામાં આવી છે.