Wednesday, September 14, 2011

નવરાત્રિ : આસુરી વૃત્તિઓને ડામવાનું પર્વ



કવર સ્ટોરી - પ્રશાંત પટેલ
આદ્યશક્તિની ઉપાસનાની સાથે સાથે આસુરી વૃત્તિઓ ડામીને દૈવી શક્તિનો સંચાર કરવાનો ઉત્તમ અવસર એટલે નવરાત્રિ. ચૈત્રી નવરાત્રિ ઉપાસના માટે જ્યારે આસો નવરાત્રિ હર્ષોલ્લાસભરી ઉજવણી માટે પ્રચલિત છે. નવરાત્રિની ઉજવણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરબાની પ્રેક્ટિસની સાથે સાથે આ નવ દિવસ લાંબા ચાલતા પર્વના ધાર્મિક માહાત્મ્ય અને સામાજિક પરંપરાઓની ઝાંખી મેળવી લઈએ
નવરાત્રિ એ અધર્મ અને આસુરી શક્તિ પર વિજય મળ્યો તેની ઉજવણી છે. મહિષાસુર નામનો રાક્ષસ મનુષ્યો અને દેવતાઓને ખૂબ જ કનડતો હતોકષ્ટ આપતો હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે દેવતાઓનું બધું છીનવી લીધું. નિઃસહાય અને ભયભીત બનેલા દેવતાઓ ત્રિદેવ - બ્રહ્માવિષ્ણુ અને મહેશ પાસે ગયા. દેવતાઓની આપવીતી જાણીને ત્રિદેવ મહિષાસુર પર કોપાયમાન થયા અને પોતાના પુણ્યપ્રકોપમાંથી એક દૈવી શક્તિનું નિર્માણ કર્યું. દેવતાઓએ પોતાનાં શસ્ત્રો અને શક્તિઓ તે દેવીને અર્પણ કર્યાં. આ રીતે આ દેવી મહાશક્તિ પ્રગટ થયાં. તેમણે મહિષાસુર સાથે નવ દિવસ યુદ્ધ કરીને તેને હણ્યો. આ ઘટના થકી આસુરી વૃત્તિઓને ડામીને દૈવી શક્તિનો મહિમા પ્રસ્થાપિત કરવામાં આવ્યો. મહિષાસુરના વધ બાદ મનુષ્યો અને દેવતાઓ નિર્ભય બન્યા. ત્યારથી આ નવ દિવસ દરમિયાન મહાશક્તિની આરાધના કરવાનો સિલસિલો શરૂ થયો. જોકે નવરાત્રિની ઉજવણી પાછળ એવું માનવામાં આવે છે કે રાવણ સામે યુદ્ધ કરવા ગયા તે પહેલાં શ્રીરામે શક્તિની આરાધના કરી હતી અને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. અને ત્યારથી આ તહેવાર ઊજવાય છે.
શક્તિની આરાધના ખૂબ જ મહત્ત્વ ધરાવે છેતેથી જ તો ઋષિ વિશ્વામિત્રે પણ શક્તિ મેળવવા માટે તપ કર્યું હતું અને ઈન્દ્રએ જેના સ્વર્ગમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી હતી તેવા રાજા ત્રિશંકુ માટે નવા સ્વર્ગની રચના કરવા માટે શક્તિ મેળવી હતી.
આપણા ઋષિ મુનિઓ પણ સતત તપમાં લીન રહેતા હતા. ત્રિદેવ પણ હંમેશાં ધ્યાનમાં મગ્ન રહેતા હતા. વાસ્તવમાં આ બધા જ દૈવી શક્તિ મેળવવા માટે શક્તિની આરાધનામાં લીન રહેતા હતા.
માતા શક્તિની એકાવન શક્તિપીઠો આવેલી છે. તંત્ર ચૂડામણિ ગ્રંથમાં એકાવન શક્તિપીઠની વિગત છે. જેમાં જ્વાલામુખીકામાખ્યા, ત્રિપુરસુંદરી, વારાહી, કાલી, અંબિકા, ભ્રામરી, લલિતા વગેરેનો સમાવેશ થાય છે. એકાવન શક્તિપીઠ પાછળની કથા ખૂબ જ પ્રચલિત છે. જે અનુસાર સતીના શરીરના ટુકડાઓ જે જગ્યાએ પડયા તે જગ્યાએ શક્તિપીઠ બની છે. એકાવન શક્તિપીઠમાં અંબાજીનું વિશેષ મહત્ત્વ છેકેમ કે સતીના હૃદયનો પાત જ્યાં થયો હતો તે અંબાજી છે. આ સ્થાન અરવલ્લીની પર્વતમાળાઓમાં આવેલું છે.
નવરાત્રિની ઉજવણીની પરંપરા
સામાન્ય રીતે એક વર્ષમાં પાંચ નવરાત્રિ ઊજવાય છેપરંતુ વર્તમાન સમયમાં ત્રણ નવરાત્રિઓનું જ વિશેષ મહત્ત્વ છે. આ ત્રણે નવરાત્રિઓ આ પ્રમાણે છે.
શરદ નવરાત્રિ
શરદ ઋતુ (સપ્ટેમ્બર-ઓક્ટોબર)ની શરૂઆતમાં શારદીય નવરાત્રિની ઉજવણી થાય છે. તે મહાનવરાત્રિ તરીકે પણ જાણીતી છેગુજરાતમાં તે હર્ષોલ્લાસ સાથે ઊજવવામાં આવે છે. આ નવરાત્રિની ઉજવણીમાં માતા દુર્ગા દ્વારા મહિષાસુર વધની ઘટનાને કેન્દ્ર સ્થાને ગણવામાં આવે છે. સામાન્ય રીતે આ નવરાત્રિની ઉજવણી ભારતના તમામ પ્રદેશોમાં થાય છે. છતાં પણ પૂર્વ અને દક્ષિણ ભારતમાં તેનો ફેલાવો વધુ જોવા મળે છે. દક્ષિણ ભારતમાં કેટલાક લોકો બંડાસુર વધના પ્રતીકરૂપે પણ આ નવરાત્રિની ઉજવણી કરે છે.
વસંત નવરાત્રિ (ચૈત્રી નવરાત્રિ)
આ નવરાત્રિની ઉજવણી વસંત ઋતુ દરમિયાન કરવામાં આવે છે. તેને ચૈત્રી નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ નવરાત્રીની મોટાપાયે ઉજવણી થાય છે. જમ્મુમાં આવેલ વૈષ્ણોદેવીના મંદિરમાં તેની વિશેષ ઉજવણી થાય છે. વસંત નવરાત્રિ ‘રામ નવરાત્રી’ તરીકે પણ ઓળખાય છે.
અશદા નવરાત્રિ
મા વારાહીના ઉપાસકો માટે આ નવરાત્રિ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ નવરાત્રિની ઉજવણી જુલાઈ-ઓગસ્ટ માસ દરમિયાન થાય છે. હિમાચલ પ્રદેશમાં તે ગૃહ્ય નવરાત્રિ તરીકે પ્રસિદ્ધ છે. મા વારાહી એ દેવી માહાત્મ્યના સાત માત્રિકોમાંની એક છે.
મહોલ્લા માતા કી જય
નવરાત્રિમાં ઉપાસકો અને ખેલૈયાઓ જેટલો જ ઉત્સાહ નાનાં નાનાં ટાબરિયાંઓમાં પણ જોવા મળતો હોય છે. નવરાત્રિ શરૂ થવાના બે-ત્રણ દિવસ પહેલાં જ શેરી-મહોલ્લા-સોસાયટીનાં બાળકો સો કામ પડતાં મૂકીને મહોલ્લા માતા બનાવવાની તૈયારીમાં લાગી જાય છે. મહોલ્લા માતામાં ગબ્બરનું વિશેષ મહત્ત્વ હોય છે. ગબ્બર કે કોઈ પર્વતની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે. શેરીએ શેરીએ ગબ્બર બનતા હોઈ પોતાનો ગબ્બર બધાં કરતાં અલગ લાગે તે માટે બાળકો પોતાની કોઠાસૂઝને કામે લગાડી દે છે અને તેના પરિણામ સ્વરૂપ ઈજનેરી કળાના ઉત્કૃષ્ટ નમૂના સમાન ગબ્બર તૈયાર થાય છેજેમાં પગથિયાંથી લઈને રોપ-વે અને ઝાડથી લીઈને ઝરણું તૈયાર કરવામાં આવે છે. ગબ્બર બનાવ્યો હોય તે જગ્યાને શણગારવામાં આવે છે અને નવરાત્રિના પ્રથમ દિવસે સારા મુહૂર્તમાં મહોલ્લા માતા (અંબાજી)ની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. બાળકો ભક્તિપૂર્વક નવ દિવસ માતાજીની આરતી-થાળ કરે છે અને બધાં જ મિત્રો ભેગા મળીને ત્યાં ગરબા પણ રમે છે.
ગુજરાતના લોકપ્રિય ગરબા
આસો નવરાત્રિમાં સમગ્ર ગુજરાતમાં રાસ-ગરબા રમવામાં આવે છે. ડીજે અને ઓરકેસ્ટ્રાના તાલ પર ક્લબ અને પાર્ટીપ્લોટમાં રમાતા ગરબાના આ કલ્ચરમાં પણ પારંપરિક અને શેરી ગરબાનું મહત્ત્વ ઓસર્યું નથી. કેટલીક જગ્યાએ ગરબાના નામે આધુનિક ડાન્સ કરવામાં આવે છે તો કેટલાંક સ્થાને એકતાળીબે તાળી, ત્રણ તાળી, દોઢિયું, પોપટિયું, હીંચ, ટીપણી, સનેડો એમ પારંપરિક રીતે ગવાતા ગરબા પણ જોવા મળે છે. ગુજરાતમાં ગવાતા ગરબાનો ઉત્સવ નવરાત્રિ એટલો તો લોકપ્રિય બન્યો છે કે મહારાષ્ટ્રરાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ધીરે-ધીરે સમગ્ર ભારતમાં પણ તેની ઉજવણી થાય છે. નવરાત્રિની ઉજવણી આસો સુદ એકમથી લઈને દશેરા સુધી કરવામાં આવે છે.
દુર્ગાપૂજા
ગુજરાતની નવરાત્રિની જેમ જ બંગાળમાં પણ શક્તિ પૂજાનું વિશેષ મહત્ત્વ છે. ગુજરાતમાં ગરબા રમવામાં આવે છે જ્યારે બંગાળમાં મોટા મંડપ બનાવવામાં આવે છે. તેમાં મહિષાસુરર્મિદની માતા દુર્ગાદેવી સરસ્વતીપદ્મહસ્તા લક્ષ્મીગણેશ અને કાર્તિકેય બિરાજમાન હોય છે. આ બધી જ મૂર્તિઓ જ્ઞાનનું પ્રતીક છે. લક્ષ્મીજી ધન, સરસ્વતી વિદ્યાની,ગણેશજી વિઘ્નોનો વિનાશ કરનારા દેવ અને કાર્તિકેય જીવનમાં વિનયનાં પ્રતીક છે. મહિષાસુર અધર્મઅન્યાય અને અત્યાચારનું પ્રતીક છે જ્યારે દુર્ગા અધર્મનો પ્રતીકાર કરનારાં શક્તિ અને ન્યાયનાં પ્રતીક છે. બંગાળમાં દુર્ગા પૂજાની શરૂઆત અંગે અનેક મતમતાંતરો છે. ઇતિહાસમાં ડોકિયું કરીએ તો ૧૮૫૩ની સાલમાં તાહિરપુરના મહારાજા કંસનારાયણે દુર્ગા પૂજાના ઇતિહાસની પ્રથમ વિશાળ પૂજા કરી હતી. આજે બંગાળમહારાષ્ટ્રગુજરાત સહિત સમગ્ર ભારતમાં દુર્ગા પૂજાના પંડાલો બનાવવામાં આવે છે.
નવરાત્રિનો આધુનિક સંદર્ભ
નવરાત્રિ એ ચોમાસા પછી આવતો તહેવાર છે. પ્રાચીન ખેતીપ્રધાન ભારતમાં આ સમયગાળા દરમિયાન ખેતરની ઉપજ પાકવાની તૈયારીમાં હોય ત્યારે સર્જન અને વિસર્જનના પ્રતીક તરીકે દેવીનું અનુષ્ઠાન કરીને તેનાં ચરણોમાં ખેતઉપજ ધરવાની પ્રથા હતી.
ગરબે ઘૂમવા માટે ગોળાકાર જ પસંદ થાય છે. તેની પાછળ પણ ખગોળ શાસ્ત્રીય કારણો રહેલાં છે. પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરે છે. સમગ્ર સૂર્યમાળા પૃથ્વીની ફરતે ગોળ ફરે છે. સૂર્ય અને સૂર્યમાળા સહિતનું સમગ્ર બ્રહ્માંડ ગોળ ઘૂમે છે. ગોળાકારમાં ગતિથી ચોક્કસ ઊર્જા ઉત્પન્ન થાય છે. એ ઊર્જાશક્તિ ગોળાકારમાં જ સંગ્રહાયેલી રહે છે. માટે જ નવરાત્રિનું પર્વ શક્તિની ભક્તિના પર્વ તરીકે ઓળખાય છે.
માટીના ગરબાનો ગોળ આકારતેનાં છીદ્રો અને અંદર મૂકવામાં આવતો દીવડો એ જીવનનું પ્રતીક છે. ગરબો એ માનવખોળિયાને મળેલી ઉપમા છે અને તેની અંદરનો ઉજાસ એ આત્મા છે.
બ્રહ્માંડનું સંચાલન કરનારા ગ્રહો નવપ્રજાને ઉત્પન્ન કરનારા નવ મનુઓ, નવ રત્નોનવ નિધિઓ, નવ દીપો, નવ નાગ, નવ નાડીઓ અને જીવનના નવ રસ. આ બધામાં નવના આંકનું વિશેષ મહત્ત્વ છે. તેથી નવના આંકને પૂર્ણાંક અથવા મૂળ સંખ્યા માનવામાં આવે છે. આવાં જ કારણોથી હિન્દુ પરંપરામાં નવરાત્રિમાં આદ્ય શક્તિનાં નવ સ્વરૂપોની ઉપાસનાનો નવ રાત સુધી મહિમા ગવાયો છે.
સંકટ દૂર કરતા મંત્રો
નવરાત્રિમાં માતા અંબિકાના પૂજન-અર્ચનનું વિશેષ મહત્ત્વ છે. આ નવ દિવસમાં દુર્ગા સપ્તશતીશ્રી સૂક્ત અને ચંડીપાઠ કરવામાં આવે છે. તેનાથી મા દુર્ગાની કૃપા અને આશીર્વાદ મળે છે. ચંડીપાઠમાં માર્કંડેય મુનિ માતાજીને કહે છે, ‘હે મા દુર્ગા! દુર્ગાસિ દુર્ગ ભવસાગર નૌરસંગા’ અર્થાત્ આપ તો ભવસાગર પાર કરાવનારી ‘અસંગ’ રૂપી નાવ છો, જે ભક્ત તમારી ભક્તિરૂપી નાવમાં બેસી જાય છે તેનો બેડો પાર થઈ જાય છે. જન્મ-મરણના ચક્કરમાંથી છૂટી જાય છે. તેને શિવત્વની પ્રાપ્તિ થાય છે. માતાજીની ઉપાસના માટે ચંડીપાઠમાં અનેક પ્રકારના મંત્રો આપેલા છે. શ્રી સિદ્ધ કુંજીકા સ્તોત્ર કે જે ભગવાન શિવજીએ માતા પાર્વતીજીને કહ્યો હતો. શ્રી સિદ્ધ કુંજીકા સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠ કર્યાં જેટલું જ ફળ મળે છે. દુઃખનું નિવારણ કરીને મનોકામના પૂર્ણ કરનાર મંત્રો અહીં પ્રસ્તુત છે.
ભય દૂર કરવા સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્રાહિનો દેવિ દુર્ગે દેવિ નમોડસ્તુતે 
આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે
દેહિ સૌભાગ્યમારોગ્યં દેહિ મે પરમં સુખમ્ રૂપં દેહિ, જયં દેહિ, યશો દેહિ, દ્વિષો જહિ ।
 
અનેક પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવા
સર્વાબાધા પ્રશમનં ત્ર્લોક્યસ્યા ખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્ય મસ્ય દ્વૈરિ વિનાશનમ્ 
 
સર્વ પ્રકારની રક્ષાનો મંત્ર
શૂલેન પાહિ નો દેવિ પાહિ ખડ્ગેન ચામ્બિકે ઘંટા સ્વનેન નઃ પાહિ ચાપજયાનિ સ્વનેન ચ 
 
ધનપુત્ર વગેરે માટે
સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્યસુતાન્વિતઃ મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન સંશયઃ 
 
વર કે કન્યાની પ્રાપ્તિ માટે
પત્ની મનોરમાં દેહિ મનોવૃત્તાનુસારિણીમ્ તારિણીં દુર્ગસંસાર સાગરસ્ય કુલોદ્ ભવામ્ 
 
વિદ્યા પ્રાપ્તિનો મંત્ર
યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમઃ 
 
મૃત્યુનો ભય દૂર કરવા
ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
ઉર્વારૂકમિવ બંધના ન્મૃત્યોર્મૃક્ષીય મામૃતાત ।।
 
શક્તિ પ્રાપ્તિનો મંત્ર
યા દેવિ સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમઃ 
 
અન્ય લાભકારક મંત્રો
* ૐ એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ 
* ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મયૈ નમઃ 
મહાકાલ્યૈ નમઃ 
વિધ્યાવન્તમ્ યશસ્વન્તમિ લક્ષ્મીવન્તમ્ જનમકુરુ 
રૂપમ્ દેહી જયમ્ દેહી ભાગ્યમ્ ભગવતી દેહી મે ।।