
ઓકલેન્ડ, તા.૯
ન્યૂઝીલેન્ડની યજમાની હેઠળ ૭મા રગ્બી વર્લ્ડકપનો પ્રારંભ થઇ ગયો છે. ૨૩ ઓક્ટોબર સુધી યોજાનારા આ રગ્બી વર્લ્ડકપમાં કુલ ૨૦ ટીમ વચ્ચે ૪૮ મેચ રમાશે. આ વર્લ્ડકપની મેચ કુલ ૧૨ સ્ટેડિયમમાં ખેલાશે. આજની પ્રારંભિક મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડે ટોંગા સામે ૪૧-૧૦થી વિજય મેળવી પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. આવતીકાલે ફ્રાન્સ-જાપાન, સ્કોટલેન્ડ-રોમાનિયા,આર્જેન્ટિના-ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો ખેલાશે. ૮ ઓક્ટોબરથી ક્વાર્ટર ફાઇનલ, ૧૫ ઓક્ટોબરથી સેમિફાઇનલ મુકાબલો શરૂ થશે.
કુલ ૨૦ ટીમ
આ વખતે ભાગ લઇ રહેલી ૨૦ ટીમને પાંચ-પાંચનાં ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ 'એ'માં ન્યૂઝીલેન્ડ, કેનેડા, ફ્રાન્સ, જાપાન, ટોંગા, ગ્રૂપ 'બી'માં આર્જેન્ટિના, ઇંગ્લેન્ડ, જ્યોર્જિયા, રોમાનિયા, સ્કોટલેન્ડ, ગ્રૂપ 'સી'માં ઓસ્ટ્રેલિયા,ઇટાલી, આયર્લેન્ડ, રશિયા, અમેરિકા ગ્રૂપ 'ડી'માં ફિજી, નામિબિયા, સામોઆ,દક્ષિણ આફ્રિકા અને વેલ્સની ટીમનો સમાવેશ થાય છે.
ઓસી., આફ્રિકાનો દબદબો
૧૯૮૭થી શરૂ થયેલા રગ્બી વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકાનો દબદબો રહ્યો છે. ઓસ્ટ્રેલિયા ૧૯૯૧, ૧૯૯૯ અને દક્ષિણ આફ્રિકા ૧૯૯૫,૨૦૦૭ એમ બે વાર રગ્બી વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું છે. અન્ય ટીમમાંથી ૧૯૮૭માં ન્યૂઝીલેન્ડ, ૨૦૦૩માં ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું છે. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ બે-બે વાર રનર્સઅપ રહ્યાં છે.