
નુસખા
દરેક વ્યક્તિ સુખની કામના કરતી હોય છે. જો જીવનમાં કોઈ પણ પ્રકારનાં દુઃખ હોય ત્યારે જ સુખ આવે તો તેની અનુભૂતિ થાય છે. તેથી જીવનમાં દુઃખ અને સુખ બંને હોવાં જોઈએ, પરંતુ જો સુખ કરતાં દુઃખ વધારે આવી પડે તો તે તેનો ઓછાં કે દૂર કરવાં જરૂરી છે. તેથી સુખપ્રાપ્તિ માટે આપેલા ઉપાયો અજમાવો.
શનિ ગ્રહના દુષ્પ્રભાવમાંથી મુક્ત થવા
શનિ ગ્રહના ખરાબ પ્રભાવમાંથી મુક્તિ મેળવવા માટે શનિદેવનાં દસ નામો રવિજ, યમ,કૃષ્ણયમ, છાયાસૂનુ વગેરેનો દરરોજ જપ કરવો. આ સિવાય મકાઈનું તેલ એક પાત્રમાં લઈને તેમાં નાળિયેર નાખવું. પછી આ તેલમાં પોતાનું મુખ જોવું. ત્યારબાદ આ તેલ કોઈ ગરીબ વ્યક્તિને આપવું. આ પ્રયોગ કરવાથી દોષનું નિવારણ થઈ જશે.
પિતૃઓને પ્રસન્ન કરવા
અમાસના દિવસે બાવળના વૃક્ષના મૂળમાં ભોજન મૂકવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
નોકરીમાં પદોન્નતિ મેળવવા
જો નોકરીમાં ગમે તેટલું સારું કામ કરવા છતાં તથા ઘણાં વર્ષો વીતવાં છતાં પણ પદોન્નતિ ન થઈ રહી હોય તો નોકરીને જેટલાં વર્ષ થયાં હોય તેટલાં ગોમતી ચક્ર શિવલિંગ પર ચઢાવવાથી સફળતા મળે છે.
દેવું ઓછું કરવા
બુધવારના દિવસે ઉધાર આપેલાં નાણાં પરત મેળવવામાં અંતરાયો આવે છે. એ જ રીતે હસ્ત નક્ષત્ર, રવિવાર, મંગળવાર, સંક્રાંતિ વખતે ઉધાર (દેવું) લેવું કે આપવું જોઈએ નહીં.
દોષનું નિવારણ કરવા
ઘરમાં કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તેનું નિવારણ કરવા માટે ઘરના મુખ્ય દરવાજાની ડાબી બાજુએ સંધ્યાકાળે મકાઈના તેલનો દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે.
મનની શાંતિ માટે
જો મન અશાંત કે વ્યાકુળ રહેતું હોય તો સુદ પક્ષના આઠ સોમવારોએ શિવલિંગ પર જળમિશ્રિત કાચું દૂધ ચઢાવવું.
અસુરક્ષા અનુભવાતી હોય ત્યારે
કોઈ પણ પ્રકારની અસુરક્ષા અનુભવાતી હોય કે અણધારી આફત આવવાનો ડર સતાવતો હોય તો પાણી ભરેલાં લોટાને પ્રાતઃકાળે મહામૃત્યુંજય મંત્ર દ્વારા અભિમંત્રિત કરીને તે પાણીને પૂર્વ દિશામાં છાંટવું.
ધનના વ્યયને અટકાવવા
પરિવારમાં કોઈ સદસ્ય ધનનો વ્યય કરતો હોય તો કોઈ શુભ મુહૂર્તમાં તેના દ્વારા ગરીબોને દાન અપાવવું. આ પ્રમાણે કોઈ પણ સાત દિવસ આવું કરવાથી તે વ્યક્તિ ધનનો વ્યય કરવાનું બંધ કરશે.
બુદ્ધિમાં વધારો કરવા
બુદ્ધિની તીવ્રતા માટે બકરીના દૂધમાં જંગલી ગુંજા વનસ્પતિનું મૂળ ઘસીને હથેળીઓ પર તેને રગડવું. તેનાથી ચોક્ક્સ લાભ થશે.
બળ અને સાહસ વધારવા
વ્યક્તિમાં બળ અને સાહસ હોય તો તે દુનિયા જીતી શકે છે. તેથી બળ અને સાહસમાં વૃદ્ધિ કરવા એટલે કે વધારો કરવા માટે વડના ટેટાને ડાબા હાથ પર બાંધવા.
વિપત્તિઓના શમન માટે
પરિવાર પર આવી પડેલી વિપત્તિઓ દૂર કરવા માટે સાત ફૂટ લાંબા કાળા રેશમી દોરાથી બાંધેલ નાળિયેરને લાલ કપડામાં લપેટી તેને પરિવારના તમામ સદસ્યો ઉપરથી ઉતારીને અગ્નિમાં ફેંકી દેવું.
ઘરની બહાર નીહળતી વખતે શ્રીં શ્રીં શ્રીં મંત્ર બોલીને ત્રણ એલચીઓ ખાઈ લેવી. આ પ્રયોગથી કોઈ પણ વિપદા આવશે નહિ.
સંકટ મુક્ત રહેવા
પોતાની ઉપર ક્યારે કોઈ સંકટ આવે નહિ તે માટે આશ્લેષા નક્ષત્રમાં વડનું પાન લાવીને તે પોતાની પાસે રાખવું.
ભાગ્યોદય કરવા
જ્યારે ભાગ્ય સાથ ન આપતું હોય ત્યારે ભાગ્યોદય કરવા માટે અમાસના દિવસે પીળા કાપડમાંથી ત્રિકોણાકાર ધજા વિષ્ણુ ભગવાનના મંદિરમાં ચઢાવવી. આમ કરવાથી ભાગ્યોદય થશે.
ધન અને જ્ઞાનની વૃદ્ધિ માટે
ધન અને જ્ઞાન બંને એકબીજાં વગર અધૂરાં છે. તેથી ધન વૃદ્ધિ કરવા માટે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં તથા જ્ઞાન વૃદ્ધિ માટે પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ.
ખરાબ સ્વપ્નના ફળમાંથી બચવા
ખરાબ સ્વપ્ન આવ્યું હોય અને તેના સાચા પડવાની ચિંતા રહ્યાં કરતી હોય તો તે ખરાબ સ્વપ્નનું ફળ તમને ન મળે તે માટે મઘા નક્ષત્રમાં પીપળાના વૃક્ષનું મૂળ લાવીને તેને પોતાની પાસે રાખવું.
સિધ્ધિની પ્રાપ્તિ માટે
સફેદ આકડાનું મૂળ પુષ્યાર્ક યોગમાં લાવી પોતાની પાતે રાખવાથી આઠેય સિધ્ધિયો અને નવનિધિઓની ઉપલબબ્ધિ થાય છે.