નવી દિલ્હી,તા.૨૪
તાજેતરમાં જ કરવામાં આવેલાં નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આરોગ્યપ્રદ ચીજો ખાવાથી હાર્ટ સાથે સંબંધિત રોગોથી મૃત્યુ થવાની સંભાવના ઘટી જાય છે. કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ (સીવીડી)થી મોતની ટકાવારીમાં આનાં લીધે ઘટાડો થાય છે. આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ અથવા તો શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે તો હ્ય્દયરોગથી મોતનું જોખમ પચાસ ટકા ઘટી જાય છે.અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વારંવાર ઓછા પ્રમાણમાં જમવા કરતાં ત્રણ વખત પૂરતા પ્રમાણમાં ભોજન કરવામાં આવે તે જરૂરી છે.
ઈન્સ્ટિટયુટ ઓફ સાયકોલોજીના પ્રોફેસર સિમોન કેપવેલે કહ્યું છે કે, બિનઆરોગ્યપ્રદ ચીજો ખાવાની ટેવ હંમેશા ખતરનાક સાબિત થાય છે. આના લીધે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. સીવીડી સામે લડવા માટે આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ જરૂરી છે. લોકોને થતાં હાર્ટના રોગોનું પ્રમાણ ઘટાડવા માટે લોકોએ આરોગ્યપ્રદ અને પોષણક્ષમ આહાર ખાવાની ટેવ રાખવી જોઈએ.
યુનિર્વિસટી ઓફ લિવરપુલ દ્વારા કરવામાં આવેલાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પોષક તત્ત્વો વગરના ભોજનથી હાર્ટના રોગોનો ખતરો વધે છે. વધારે પ્રમાણમાં ફળફળાદિ, શાકભાજી ખાવાથી બીમારી દૂર થાય છે. ડાયટને સંતુલિત રાખવામાં આવે તેવી રજૂઆત પણ આમાં કરવામાં આવી છે. ફળફળાદી, શાકભાજી વધારે પ્રમાણમાં ખાનાર વ્યક્તિમાં વૈશ્વિક સ્તરે હાર્ટના રોગોથી થતાં મોતનો આંકડો ૨૬ લાખ જેટલો ઘટી જાય છે.
અમેરિકામાં તાજેતરમાં જ કરવામાં આવેલાં બીજા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે,દિવસમાં ત્રણ વખત જમવાથી ઘણો ફાયદો થાય છે. કેટલાંક પ્રમાણમાં ચરબીને દૂર કરવામાં ત્રણ વખત જમવાની બાબત ખૂબ સારી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વારંવાર ઓછા પ્રમાણમાં જમવા કરતાં ત્રણ વખત પૂરતા પ્રમાણમાં ભોજન કરવામાં આવે તે જરૂરી છે. ઈન્ડિયાના યુનિર્વિસટી ખાતે સંશોધકોએ અભ્યાસ બાદ કહ્યું છે કે, સ્થુળ લોકોમાં બીમારીનું પ્રમાણ વધુ હોય છે. લો કેલેરી, હાઈપ્રોટીન ડાયટ ધરાવતા લોકો પણ આ વાત માને છે કે ઓછા પ્રમાણમાં જમવાથી ફાયદો થાય છે. દિવસમાં છ વખતની સરખામણીમાં દિવસમાં ત્રણ વખત જમવાથી શરીર વધુ સ્વસ્થ રહે છે. બીમારીનું પ્રમાણ ઘટે છે. મોટાભાગનાં અભ્યાસમાં અગાઉ પણ આવા જ કારણો આપવામાં આવ્યા છે.
- દિવસમાં ત્રણ વખત ખાવાથી શરીર વધુ સ્વસ્થ રહે છે
- બિનઆરોગ્યપ્રદ ખોરાકથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે