
લંડન, તા. ૧૨
નોકરિયાત મહિલાઓએ તેમનાં નાનાં બાળકોને ડે કેર સેન્ટરમાં મૂકવાનું ટાળવું જોઇએ, કેમ કે તેમ કરવાથી બાળકોનાં સ્ટ્રેસ લેવલમાં વધારો થાય છે અને તેમને પાછલી જિંદગીમાં હૃદયના રોગોનું જોખમ રહે છે તેમ અહીંના એક અગ્રણી સાઇકોલોજિસ્ટે દાવો કર્યો છે.
રોયલ સોસાયટી ઓફ મેડિસિનના ડો. એરિક સિગ્મેનના જણાવ્યા મુજબ, જિંદગીનાં શરૃઆતનાં વર્ષોમાં દિવસ દરમિયાન લાંબા સમય સુધી અજાણી વ્યક્તિઓ વચ્ચે રહેવાથી બાળકોનાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલમાં વધારો થાય છે, જેનાં કારણે બાળકોને કફ, શરદી અને તાવ સહિતની તકલીફો થાય છે અને પાછલાં વર્ષોમાં હૃદયના રોગો થવાનું પણ જોખમ રહે છે. બાળકો તેમનાં ઉછેરનાં જે મહત્ત્વનાં વર્ષોમાં મગજનો વિકાસ થતો હોય છે તે વર્ષોમાં તેમની માતાની દેખરેખથી દૂર રહે તો પુખ્ત વયે તેમને સંબંધો જાળવવામાં પણ મુશ્કેલી પડી શકે છે.
સિગ્મેને 'ધ બાયોલોજિસ્ટ' જર્નલ માટે લખેલા લેખમાં કહ્યું હતું કે, ડે કેર સેન્ટરમાં રહેતાં બાળકોનાં સ્ટ્રેસ હોર્મોન્સમાં ત્રણ વર્ષની વય સુધી જ વધારો થાય છે પરંતુ તેમ છતાં તેમને ડે કેર સેન્ટરથી દૂર રાખવાં હિતાવહ છે, કારણ કે શરૃઆતનાં ત્રણ વર્ષ દરમિયાન જ બાળકોનાં મગજનો ઝડપી વિકાસ થતો હોય છે.
સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધવાથી ઇન્ફેક્શનના પ્રતિકારની શક્તિ ટૂંકા ગાળા માટે ઘટે છે જ્યારે લાંબા ગાળે હૃદયના રોગોનું જોખમ રહે છે. સિગ્મેને એમ પણ જણાવ્યું હતું કે, બાળપણમાં માતાની દેખરેખથી દૂર રહેલાં બાળકો પુખ્ત વયે સંબંધો જાળવવામાં તકલીફોનો સામનો કરતાં હોય છે, જેમાં પત્ની સાથેના સંબંધોનો પણ સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યું હતું કે, બાળકોને ડે કેર સેન્ટરથી દૂર રાખવાને મહિલાઓના અધિકારો સાથે કોઇ લેવાદેવા નથી, જેથી તેને વિમેન્સ રાઇટ્સનો મુદ્દો બનાવવો જોઇએ નહીં.
- અજાણી વ્યક્તિઓ વચ્ચે રહેવાથી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલમાં થતો વધારો કારણભૂત
- પુખ્ત વયે સંબંધો જાળવવામાં પણ મુશ્કેલી પડી શકે