| |
કવર સ્ટોરી - અભિષેક પ્રચ્છક
હરીફાઇના આ યુગમાં દરેક પરિબળો માટે સફળતાની વ્યાખ્યા બદલાઈ છે. કારકિર્દી અંગે વિકાસ સાધી ઉત્તમ રોજગારીની તક મેળવવી કે સેલ્ફ માર્કેટ વેલ્યૂ વધારીને વ્યાવસાયિક ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરવી,એ સાચી પ્રોફેશનલ સફળતા માનવામાં આવે છે. તો પ્રોફેશનલી સફળ થવા માટે કોઈ શોર્ટ કટ નથી એટલે સફળતા મેળવવા કોર્પોરેટ યુગમાં સમયસર અને પદ્ધતિસર પ્રયાસો વિદ્યાર્થીકાળથી જ શરૂ કરવા રહ્યા
વ્યવસાયિક ક્ષેત્રે ઉચિત માર્ગે મહેનત કરવાથી ચોક્કસ સક્સેસફુલ થઈ શકાય છે. તેના માટે યોગ્ય સમયે યોગ્ય ભણતર સાથે ગણતર મેળવવું પણ અગત્યનું છે.
સાચી દિશા
કરિયરમાં સફળતા મેળવવા માટે પ્રયત્નો અનિવાર્ય છે. બશર્તે એ પ્રયાસોની દિશા સાચી હોય. એડિસને ગ્રામોફોન અને બલ્બની શોધ કરી હતી. એડિસનને જ્યારે પૂછવામાં આવ્યું કે બલ્બની શોધ પાછળ એણે કેટલી વખત અને કેવા પ્રયત્નો કર્યા હતા તો એડિસને કહ્યું હતું કે, હું એટલું જ કહીશ કે હવે હું જાણી ગયો છું કે કઈ ૧૦૦૦૦ પદ્ધતિથી બલ્બ ન બની શકે પણ આ પ્રયોગોથી મને હવે સાચી દિશા મળી છે અને આખરે બલ્બ બની ગયો છે. સાચી દિશા સાથે પરિવર્તનોને નજરઅંદાજ ન કરવાં જોઈએ. નવાં,આધુનિક અને સકારાત્મક પરિવર્તનો માટે અપ ડેટ રહેવું જોઈએ.
પૂર્વતૈયારી
વિદ્યાર્થીઓએ હંમેશાં મુદ્દાવાર અને ક્રમશઃ તૈયારી પર જ ધ્યાન આપવું જોઈએ. જો તમે વિદ્યાર્થી હોવ તો દરેક વિષયની પરીક્ષા માટે મુદ્દાવાર તૈયારી કરો. સવાલ કોઈ એક સવાલના મુદ્દા પાડો પછી કોઈ ચેપ્ટર કે પાઠના મુદ્દા તૈયાર કરો ત્યારબાદ દરેક વિષયના મુદ્દા બનાવો અને પછી દરેક વિષયની મુદ્દાવાર તૈયારી કરો. જેનાથી તમને વિષયની બારીકાઇ સમજાશે. જો તમે નોકરીની શોધમાં હોવ તો ઇન્ટરવ્યૂ માટે કયા મુદ્દા સમાવિષ્ટ હોઈ શકે એ પહેલેથી વિચારી રાખો અને જો તમે નોકરી મેળવી ચૂક્યા હો તો તેમાં પ્રમોશન મેળવીને ઊંચા હોદ્દે કઈ રીતે પહોંચી શકાય એમ છે એ અંગેની પૂર્વતૈયારી અને મહેનત કરો.
માપદંડો
ક્યારેક એવું એવું બને કે કોઈ પરીક્ષામાં તમે નાપાસ થાઓ કે ધાર્યું પરિણામ ન મેળવી શકો કે જે એ પરિણામ થકી જ તમે આગળના શિક્ષણ માટે અપ્લાય કરી શકો તેમ હો તો આવાં પરિણામે નાસીપાસ ન થતાં તમારે તમારી કરિયરને ઝળકાવવાના માપદંડો ઘડવા જોઈએ. પહેલાં મળેલી નિષ્ફળતાનાં કારણો શોધો. જ્યારે તમે અસફળ થાઓ ત્યારે દુનિયાથી શરમાવાના બદલે પોતાની જાતને પૂછો કે તમે શા માટે નિષ્ફળ રહ્યાં. આમ કરવાથી તમને તમારી દૃઢતાનો પરિચય મળી જશે. લક્ષ્ય નિર્ધારણ કરીને એ લક્ષ્યને પામવા માટે પ્લાનિંગ કરો.
પરીક્ષાલક્ષી ન બનો
તમે જ્યારથી સમજણા થાઓ છો ત્યારથી તમારું એક સ્વપ્નું હોય છે કે તમારે શું બનવું છે અને એ લક્ષ્ય માટે જ તમે ઉત્તરોત્તર આગળ ધપો છો. દાત. તમે દૃઢ નિર્ણય કર્યો હોય કે તમારે ભવિષ્યમાં સારા એન્જિનિયર બનવું છે તો એની પરીક્ષાલક્ષી તૈયારીઓ સાથે એ ક્ષેત્ર વિશેની બને તેટલી માહિતી મેળવો. તેની શાખાઓ વિશે જાણો અને તમારે કઈ શાખામાં શિક્ષણ મેળવવું છે તે નક્કી કરો અને એ મુજબની પરીક્ષાલક્ષી અભ્યાસક્રમની તૈયારી કરવાની સાથે તે અંગેના સમાચારો વાચો. પ્રેકક્ટિકલ નોલેજ લેવામાં પણ રસ કેળવો. તમે માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણ પર જ ધ્યાન કેન્દ્રિત ન કરીને તે ક્ષેત્ર વિશે અપ ડેટ હશો તો તમને નોકરી મેળવવામાં મુશ્કેલી નહીં નડે. નોકરીમાં પણ તમને એ ક્ષેત્રનું જ્ઞાન હશે તો ઘણું મદદરૂપ થશે.
જો તમે તમારા અભ્યાસમાં શંકાશીલ કે આળસુ બનશો તો તમે ધાર્યા લક્ષ્યો પાર નહીં કરી શકો.
ક્યારેક કોઈ ટેકનિકલ ખામીને ઉકેલી ન શકતાં ધાર્યાં પરિણામ મળતાં નથી. તેથી જે ક્ષેત્રમા આગળ વધો તેનું પૂરું જ્ઞાન મેળવવા માટે પ્રયત્નો કરો કોઈ જાણકારી કે માહિતી વિશે અજ્ઞાનતા ન રહે તે ધ્યાન રાખો કોઈ કાર્યની તૈયારીમાં કે પ્રોજેક્ટમાં કમી ન છોડોકોઈ વિષય અંગેના પૂર્વગ્રહોના કારણે તમે આગળ વધી શકતા નથી કોઈ પણ કાર્યના દરેક પાસા ચકાસો અનુભવી પાસેથી શીખો
પોતાની અસફળતાઓને લીધે માણસને ઘણા સારા નરસા અનુભવો મળે છે, પણ સફળ કારકિર્દી ઘડવા પોતાના ઓછા સાબિત થાય છે. તમે જે ક્ષેત્રે શિક્ષણ મેળવી રહ્યા છો એ ક્ષેત્રે અનેક મહાન લેખકો અને સંશોધનકારોના અનુભવો અને સંશોધનોનો અભ્યાસ કરો.
|
|
|